________________
પારદર્શક વસ્ત્રો પહેરી વર્ષાનાં આછાં પાણીને ભીંજાતી ગજગામિની બનીને ઠસ્સાથી ચાલતી આવતી હતી. નગરના કેટલાક યુવાનો અને પ્રવાસીઓ સૌંદર્યદર્શનની આ અમૂલ્ય તકનો લાભ લેવાનું ન ચૂકતા, મારગના કેડા પર ભક્તની જિજ્ઞાસાથી ખડા રહેતા. ન જાણે ક્યાં સુધી એ દર્શન માટે તપ તપતા!
ન
મંદિરના પ્રાંગણમાં ભીડ વધતી જતી હતી; ને મઘા અને વાસુકિએ જ્યારે મેદાનમાંથી માર્ગ કરવા માંડ્યો, ત્યારે આગળ વધવું શક્ય નહોતું. પણ આ વસ્તુનું બંનેને પૂરેપૂરું ભાન હોય તેમ બંને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા સજ્જ થઈને આવ્યાં હતાં.
મઘાએ પોતાના બે પગે ઘૂંઘરું બાંધી, ઉપર રૂમાલ વીંટી દીધા હતા. ધીરેથી એણે રૂમાલ છોડી લીધા ને પગને ઠમકો આપ્યો; છનનન છમૂ ! જાણે હવા રણકી ઊઠી. એકસાથે બધા કાન એ રણકાર પર મંડાઈ ગયા.
મદ્યાએ દેહને જરા વળાંક આપી, પગને ઊંચા કરી ફરી ઠમકો માર્યો. છનનન છમું ! મામ
કાન તો સ્વર તરફ હતા જ, હવે સમસ્ત મેદનીનાં મુખ સ્વરવાહક તરફ ફર્યાં. આહ ! આ શું ? ભગવાન શિવના દરબારમાં કોઈ નવી જ દેવદાસી, નવું જ રૂપ, નવો જ લહેકો ને નવી બહાર સાથે ? અથવા મહાકાલેશ્વરને રીઝવવા સ્વર્ગની કોઈ અપ્સરા પૃથ્વી પર ઊતરી આવી છે કે શું !
અને બધાનાં નેત્રોને તૃપ્ત કરવા માટે જ ન હોય એમ મઘાએ દેહને સમગ્ર રીતે આવરી રહેલું આવરણ હટાવી લીધું.
રૂપની જાણે માયાજાળ વિસ્તરી રહી, અને મન-મત્સ્યો એમાં ઝડપાવા લાગ્યાં. રૂમઝૂમ કરતાં નૂપુર, લીલી કસેરી કંચુકી, પીત અધોવસ્ત્ર અને માથાના મોટા અંબોડા પર મંદારપુષ્પની માળા અને પગમાં ઝાંઝરનો ઠમકો, આ રીતે નૃત્ય કરતી મઘા ભીડમાં આગળ વધી.
મેદની હવે બે ભાગમાં વહેંચાઈ ગઈ, ને મહાકાળના ગર્ભગૃહના મંદિર સુધી એક કેડી પડી ગઈ.
મઘાએ ફરી હવામાં લહેરિયું લીધું ને મુખથી હળવું ગીત છેડ્યું,
મોર ગગન દાદુરા
આવત તિ-કામ બસંતા !'
ઓહ !વર્ષાઋતુમાં વસંતનું આગમન ! સ્વયં રતિ અને કામદેવ હિમગિરિ પર તપ કરતા શિવજીને લોભાવવા આવ્યાં કે શું ? ભક્તગણ આ કલ્પનાનૃત્યથી નાચી
ઊઠ્યો.
422 – લોખંડી ખાખનાં ફૂલ
રંગ બરાબર જામ્યો, પણ થોડીવારમાં તો એકાએક કોઈની આંખમાં અગ્નિની જ્વાળા ઊઠી હોય અને એનાથી બળીને ભડથું થઈ ગયો હોય, એમ એ રૂપાળી અપ્સરાનો સાથી જમીન પર ઢળી પડ્યો.
મઘાના કંઠમાંથી કરુણ રુદનગીત રેલાવા લાગ્યું.
જનમેદની એકચિત્ત થઈ ગઈ ! રે, મહાદેવ શંકરે પોતાની તપસ્યાનો ભંગ કરનાર કામદેવને બાળીને ભસ્મ કરી નાખ્યો ! હવે એની પત્ની રતિ રડે છે ! લોકો વર્ષો જૂની ઘટના તાજી કરી રહ્યા.
અને થોડીવારમાં સફેદ વસ્ત્ર ઓઢીને પડેલા દેહમાંથી જાણે કોઈ ભવ્યમૂર્તિ ખડી થઈ ! અરે ! સ્વયં પિનાકપાણિ મહાદેવ પ્રગટ થયા !
અને મેદની બીજી નજર રતિ તરફ કરે છે, ત્યાં તો એ જાણે પાર્વતી ! બંને જણાં નમીને મેદનીને પ્રણિપાત કરી રહ્યાં. લોકોએ હર્ષનાદથી તેઓને વધાવી લીધાં.
કેટલાકોએ પૂછપરછ શરૂ કરી, તો વાસુકિએ કહ્યું કે અમે પરદેશી નૃત્યકાર છીએ અને બધે યાત્રા કરતાં કરતાં મહાદેવને રીઝવવા અહીં આવ્યા છીએ. અલબેલી અવંતિનું નામ બહુ સાંભળ્યું છે. આવતીકાલે અમે આસાયેશ લઈશું. અને પરમ દિવસે ઉદયન-વાસવદત્તાનું નૃત્યનિયોજન કરીશું.
બધેથી પોકાર ઊઠ્યો. અરે અતિથિઓને આસન આપો, પાન આપો, પ્રસાદ આપો. એમના સાથીઓને તેડી લાવો અને મંદિરના મુખ્ય વિશ્રાંતિગૃહમાં ઉતારો આપો.'
થોડીવારમાં બાકી રહેલા સાથીઓ પણ આવી ગયા, ને ભોજન-પાનથી સર્વે નિવૃત્ત થયા.
રાત મધરાત જેટલી વ્યતીત થઈ હતી. મઘા અને વાસુકિ સિવાય બીજા બધા સાથીદારો નિદ્રાની તૈયારી કરી રહ્યા. વિશ્રાંતિગૃહનો ચોકીદાર પણ દરવાજા બંધ કરી ચોકી પર બેઠો. એટલામાં સામેથી ગુપ્ત દીવાનું નીલરંગી અજવાળું આવતું દેખાયું.
‘કોણ ?’ ચોકીદારે ઊભા થઈને પ્રશ્ન કર્યો.
‘મને ન ઓળખી ?’
‘કોણ, નિશાદેવી ?'
‘હા,’ આગંતુક સ્ત્રી બોલી. એ સશક્ત હતી, અને એના દેહ પર થોડાંક પણ તીક્ષ્ણ અસ્ત્રો હતાં. એ ઉજ્જૈનીની યવન સ્ત્રીસૈનિક હતી.
‘શું આજ્ઞા છે નિશાદેવી ?' ચોકીદારે નમ્રતાથી પૂછ્યું. ગુપ્તચરોની પ્રવૃત્તિ – 423