________________
60
આશા-નિરાશા
આઈ કાલક હવે ખૂબ સાવધ હતા, શકરાજ પણ દિનરાત વ્યવસ્થામાં ગૂંથાયેલા હતા.
શત્રુ સામાન્ય નહોતો. કયે સ્થળે કઈ પળે યુદ્ધ છેડાઈ જાય, તે કંઈ કહેવાય તેમ નહોતું.
રાજા દર્પણસેન પોતાના શત્રુને બહુ આગળ વધવા દે, એ અસંભવિત હતું. પણ બધાએ આશ્ચર્ય વચ્ચે જોયું કે આટલા લાંબા માર્ગમાં ક્યાંય કોઈ સામના માટે તૈયાર નહોતું. ખેતરોમાં પાક ઊભો હતો, પણ બધાં ખેતર સૂનાં હતાં.
વાડીઓમાં ફળ લચી પડતાં હતાં. પણ બાગબાન નહોતા, ગ્રામનગરો શાપિત નગરીઓ જેવાં વેરાન બની ગયાં હતાં.
આર્યગુરુએ કહ્યું, ‘શકરાજ ! યુદ્ધ આપવા પ્રત્યક્ષ કોઈ આવ્યું નથી; પણ છૂપું યુદ્ધ શરૂ થઈ ગયું છે, હો !'
‘શું, યુદ્ધ ચાલું થઈ ગયું છે !' શકરાજે પ્રશ્ન કર્યો, ‘કેવી રીતે ?'
‘જોતા નથી ? જ્યાં માણસ હોવાં જોઈએ ત્યાં માણસ નથી. વગર લજ્ય લડાઈ જીતવા માગે છે એ, વાહ રે દર્પણ ! કર્મચૂર છે, એટલો ધર્મશૂર હોત તો ?'
આર્યગુરુ દર્પણને શાબાશી આપતાં આપતાં વળી ઊંડા વિચારમાં ઊતરી ગયા.
‘ચિંતનનો આ સ્વભાવ યુદ્ધ કાળે ઉચિત નથી.’ શકરાજે ટકોર કરી.
‘શકરાજ ! સ્વભાવ છૂટો છૂટતો નથી. ખરાબમાંથી સારું શોધવા મન ઝંખે છે. જુઓને ! આ ઝાડવાં, આ હરિયાળી, આ નવાણનાં નીર - એ બધાં આપણા જીવ લેવા માટે સજ્જ થઈને ખડાં છે. આ હરિયાળીમાં વિષનો છંટકાવ છે. માણસ
જરા વિરામ કરવા એના ઉપર બેઠો કે બિચારો ખણતો મરે, આ વૃક્ષનાં ફળોમાં ઝેરની શલાકાઓ ઘોંચેલી છે, ખાનારનાં આંતરડાં જ કાપી નાખે., આ નવાણનાં નીરમાં ચૂર્ણ ભળેલાં છે; થોડુંક પણ પીધું કે ઝાડા-ઊલટીથી એ સૈન્યને હતાશ કરી નાખે.” આર્યગુરુએ કહ્યું.
અરે, આ તો અજબ જેવી લડાઈ !' શકરાજને આશ્ચર્ય થયું. ‘તો આપણે સેનાને સાવધ કરીએ.’
| ‘અવશ્ય , અને સેનાને કહી દેવાનું કે હવે કોઈએ ઉર્જનીના સીમાડા સિવાય અશ્વથી નીચે ઊતરવાનું નહિ. માર્ગમાં ક્યાંય ખાવાનું નહિ કે કંઈ પીવાનું નહિ.'
સેનામાં આ વાતની તુરતાતુરત જાણ કરવામાં આવી. ઢીલા સૈનિકો પર આ વાતની જરા માઠી અસર થઈ; પણ આ તો યુદ્ધ માટેની કૂચ હતી, એટલે સહુએ મૂંગે મોંએ આજ્ઞાનું પાલન કરવા માંડ્યું.
પણ હવે કૂચ વધુ કપરી બની હતી અને માર્ગ વધારે અટપટો આવતો હતો. માર્ગમાં ઠેરઠેર પ્રત્યવાયો પણ આવતા હતા. અને જેમ જેમ સમય વધુ જતો હતો તેમ તેમ સેના પાસે ખાવા-પીવાનું ખૂટતું જતું હતું. વળી ઘોડા પરથી નીચે ઊતરવાની આજ્ઞા નહોતી. બેઠાં બેઠાં કેડ તૂટતી હતી, અને ઘોડાના જીન પર તો ઊંઘ કેવી રીતે આવે ? ઊંઘ વિના શરીર નબળાં થતાં હતાં.
આખરે વૃક્ષનાં ફળ ને ખાવાની શરતે વૃક્ષ પર સૂઈ રહેવાની રજા મળી, અથવા માર્ગની વચ્ચોવચ આરામ લેવાની પરવાનગી મળી. સેનામાં જરા આશાયેશ પ્રસરી.
થોડોક આરામ મેળવીને તેના આગળ વધી, પણ કેટલાક ભૂખ્યા રહેવાને ન ટેવાયેલા સૈનિકો વાડીઓમાં ઘૂસીને ફળ આરોગી આવ્યા. તેઓ થોડીવારમાં વૃક્ષ પરથી ફળ પડે એમ ઘોડા પરથી ટપોટપ નીચે પડવા લાગ્યા.
બહાદુર શક સૈનિકો આથી ખૂબ ખિજાઈ ગયા; અને શત્રુ મળે તો રાઈ રાઈ જેવડા કટકા કરી નાખીએ એમ બોલવા લાગ્યા, ને તલવારો ફેરવવા લાગ્યા, પણ સામે કોઈ પરાયો માણસ મળે તો તલવારનો વાર થાય ને ! કેટલાકોએ ઝનૂનમાં વૃક્ષના થડ પર તલવારના વ્યર્થ ઘા કર્યા !
‘ઝનૂન વીરત્વથી વિરોધી છે, વીર પુરુષ હંમેશાં ધીર હોય.' આર્યગુરુએ કહ્યું.
હવે શકરાજે કડક હાથે કામ લેવા માંડયું, એમણે સૈનિકોને ફરી સાવધ કર્યો. આર્યગુરુ પણ બધે ફરીને બંદોબસ્ત રાખવા લાગ્યા.
પણ સૈનિકોની ગતિ બાળકની ગતિની જેમ પાપાપગીની થઈ ગઈ હતી. હવે રાત ને દહાડો સમાન થઈ ગયાં હતાં. ન ઊઘાતું, ન આરામ લેવાતો.
આશા-નિરાશા | 437