Book Title: Lokhandi Khakhna Ful
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 230
________________ એક રાતે બધા જાગતા રહીને આગળ વધતા હતા, ને ત્યાં તો જંગલની બંને બાજુઓ સળગી ઊઠી. અગ્નિની જ્વાળાઓની પાછળથી ભયંકર પોકારો આવવા લાગ્યો. સેના ગભરાઈ ગઈ. અરે આગ ! ધીરે ધીરે બંને બાજુથી આગ નજીક આવવા લાગી. બધાને લાગ્યું, ‘વગર લડ્યે બળીને ભડથું થઈ જઈશું.’ સેનામાં ગભરાટ પ્રસર્યો, ‘શું કરવું ? ક્યાં જવું ?” કેટલાક સૈનિકો બાવરા બનીને પાછળ પગ ભરવા લાગ્યા. એક અકળ ભય બધે વ્યાપી ગયો. આર્યગુરુએ વીરગર્જના કરી અને કહ્યું, ‘સૈનિકો, મારા વીરો ! પાછળ પગ ન દેશો. આ આગ નથી, આ તો માત્ર મણિ-ચૂર્ણના ભડકા છે. અઘોરીઓ ને તંત્રધારકો પોતાની જ ગ્યાને સુરક્ષિત રાખવા આ વિજ્ઞાનનો પ્રયોગ કરે છે.” પણ ગુરુની આ વિજ્ઞાન-વાત બધા પૂરેપૂરી સમજી રહે એ પહેલાં સામેથી ભયંકર ચિત્કાર સંભળાયો. સહુએ એ દિશામાં જોયું તો પ્રગટેલા અગ્નિને ઓળંગીને હાથીઓનું એક મોટું ટોળું ધસ્યું આવતું હતું. એમની નાની પાંગળી આંખોમાંથી ખૂની ઝેર વરસતું હતું. અરે, મર્યા કે મરશું ? આ તો યમરાજની સેના આપણા મુકાબલે આવી ! આખી સેના એક અજ્ઞાત ભયમાં કંપી રહી. બે બાજુ અગ્નિ અને સામે ગાંડા હાથીનું ટોળું ! આગળ ગયે મોત. બાજુમાં સર્યું મોત. તો હવે ક્યાં જવું? ભાનુમિત્ર ઘોડેસવાર થઈને થઈને આગળ આવ્યો. ‘મામા ! આશીર્વાદ આપો. આ ગાંડાઓને ડાહ્યા કરવા જાઉં છું.' એક ભારતીય સૈનિકની આ વીરત્વભરી હાકલ સાંભળી વધારે પડતા ઉત્સાહી શક સામંતો હાથીઓ તરફ ધસી ગયા. પણ ગાંડા પહાડો સામે માનવીનું શું ગજું ? બેચાર શુરવીર શકસામંતો ત્યાં તળ રહ્યા. ભાનુમિત્ર મામાની આજ્ઞાની રાહ જોઈ રહ્યો, પણ મામા આજ્ઞા આપતા નહોતા, એણે જોયું કે એમનો ચહેરો ધીરે ધીરે વિર્વણ થતો જતો હતો, ગળું મશકની જેમ ફૂલતું જતું હતું. જડબાં વિકસિત થતાં હતાં. થોડીવારે ગુરુના ગળામાંથી એક વિલક્ષણ નાદ નીકળ્યો. એના પડછંદા પહાડોમાં ને ટેકરીઓમાં પડ્યા અને ગાંડા હાથી આગળ વધતા એકાએક થંભી ગયો. જાણે કોઈ ભયંકર અટવીમાં હાથીઓનાં ગંડસ્થળ પર ચઢીને કેસરીસિંહ ગર્જના કરતા હોય એવો એ નાદ હતો. 438 D લોખંડી ખાખનાં ફૂલ આગળ ધસતા હાથીઓ એકાએક રસ્તબ્ધ બનીને ઊભા રહ્યા. ગુરુના ગળામાંથી હજી કેસરીસિંહની ગર્જના સંભળાતી હતી. હાથીઓએ સુંઢ મોંમાં નાખી દીધી, પાછલા પગે એ પાછા હઠ્યા, અને પીઠ ફેરવીને નાઠા, જાણે કાળી રાતનાં કાળાં વાદળો નાઠાં, મોતનો અવતાર બનીને આવેલા મોત જોઈને ભાગ્યા, મરવું કોને ગમે છે ? શક સૈનિકો ખૂબ ઉત્સાહમાં આવી ગયા અને હાથીઓની પાછળ ધસ્યા. આગળ હાથીસેના નાસે, પાછળ શકસેના પીછો પકડે. એ રીતે છેલ્લી કૂચ ઝડપી બની ગઈ. અને હવે તો ઉજ્જૈનીનો સુંદર પ્રદેશ પણ શરૂ થઈ ગયો. ગુરુએ આજ સવારથી જ સૈનિકોને જે મળે તે ખાવાની છૂટ આપી. પણ તેઓએ કહી દીધું હતું કે અત્યાર સુધી તમે જડ બળોનો સામનો કર્યો, હવે ચેતનબળ તમારી સામે વપરાશે, માટે ખૂબ સાવધ રહેજો ! ભૂખ્યાં ડાંસ જેવા સૈનિકો ચારે તરફ ફરી વળ્યા. જે ખાવા જેવું હતું એ ખાધું, સુંદર મિષ્ટ જળ પીધું. ઘોડાની પીઠ પર બેઠાં બેઠાં અંગો અકડાઈ ગયાં હતાં. તે દોડાદોડી કરીને કે પરસ્પર કુરતીના દાવ ખેલીને ઠીક કરી લીધાં. - નાદ-પ્રયોગ કર્યા પછી આર્યગુરુ કંઈક થાક્યા જેવા લાગતા હતા. એ ગયેલી શક્તિ ફરી કુદરતમાંથી એકત્ર કરવા પ્રયત્ન કરી રહ્યા, છતાં કૂચ થંભાવવાની તેમની ઇચ્છા નહોતી. સૈન્યમાં મહામહેનતે ઉત્સાહ આવ્યો હતો. હવે એ ઉત્સાહમાં જ ઉજ્જૈનીના કાંગરા જોઈ લેવા જરૂરી હતા. કૂચ આગળ ચાલી, પણ માર્ગનો પ્રત્યેક અણુ-પરમાણુ પ્રતિકૂળ બનીને બેઠો હતો. મારગમાં જે ગામ-નગર આવતાં, એ ઉજ્જૈનીના રાજાની મેલી વિદ્યાનાં અને અતુલ બળની અજબ વાતો કરતાં. શક સૈનિકો ધીરે ધીરે એ વાતોથી અસરમાં આવતા ગયા. કૂચે ઢીલી પડતી ચાલી. ત્યાં તો શકસૈન્ય અધવચ્ચે જ હાથ જોડીને બેસી ગયું. એના સામંતોએ કહ્યું, ‘ઉજ્જૈની જીતવું સહેલું નથી. અન્યને આરામ લેવા દઈને તાજું થવા દો. એના દિલોમાંથી શંકાનું વાતાવરણ દૂર થવા દો.’ શક સેનાપતિએ સામંતોની વાતને ટેકો આપતાં કહ્યું, ‘સૈન્ય અંદરખાને ડરેલું છે. એનામાં શ્રદ્ધા આવવા દો. એ વિના યુદ્ધમાં કંઈ વળશે નહીં.” એમણે ગુરુને વિનંતી કરી : ‘બલમિત્ર ઉજ્જૈનીમાંથી પાછા આવે ત્યાં સુધી ચઢાઈ મોકૂફ રાખીએ તો ? શત્રુ બહારથી શાંત છે, પણ અંદરની તૈયારી ઘણી હોય એમ લાગે છે.' આશા-નિરાશા D 439

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249