Book Title: Lokhandi Khakhna Ful
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 243
________________ છે. કર્મ કરે એ કોઈ ન કરે. માણસ તો નિમિત્તમાત્ર છે.’ આર્યગુરુના ક્રોધનો પારો ચઢતો જતો હતો. એમણે કહ્યું, ‘હું જાણું છું, પૂરેપૂરો પિછાણું છું તારા આવા હાલહવાલ કરનારને ! એ પાપીને હું અહીં ને અહીં પૂરો કરી નાખીશ. ત્યારે જ પ્રતિશોધનો મારો અગ્નિ શાંત થશે, બહેન.' ‘પછી સાધુની ક્ષમા ક્યાં રહેશે ?’ સરસ્વતી પ્રશાંત સ્વરે સ્વસ્થતાપૂર્વક બોલી. જાણે ધખધખતી ધરતી ઉપર આકાશનાં શીતળ જળનો છંટકાવ થયો. | ‘રે ! આતતાયી માટે ક્ષમા કેવી ? સરસ્વતી ! મારા દોષના પોટલાનું વજન ભારે છે., ભલે એમાં આટલું બધું વજન ભરાતું. આઘી જા ! ને આર્ય ગુરુ રાજા દર્પણસેન તરફ ધસ્યા. અત્યારે ગુરુનો દેહ વિરાટ બન્યો હતો ને એની સામે રાજા જાણે વામણો બની ગયો હતો. ગુરુએ રાજાને આખો ને આખો પોતાની ભુજાઓમાં તોળી લીધો. “વાહ, સમય સમય બળવાન છે, નહિ પુરુષ બળવાન.' પ્રજા આ દૃશ્ય જોઈને ગણગણી. ‘ગુરુદેવ ! તમે વ્યર્થ શ્રમ શા માટે લો છો ? આજ્ઞા આપો, એક ઘા ને બે કટકા કરી દઉં.' શકરાજ પોતાની તલવાર ખેંચી આગળ આવ્યા, ને બોલ્યા. સરસ્વતી નજીક દોડી ગઈ, ને ભાઈને ઉદ્દેશીને બોલી, “ભાઈ ! એ પાપી મને કાંઈ કરી શક્યો નથી.” શું કહે છે તું ?' ‘હા, એ પાપી મને દેહથી ઇચ્છતો રહ્યો ને મનથી પૂજતો રહ્યો, બાકી મારો સ્પર્શ પણ કરી શક્યો નથી. એને માફ કરો ! પાપીના હૃદયમાં પણ પુણ્યનાં પ્રભાતકિરણોની ઝાંખી થવા દો. ક્ષમાનો ધર્મ તમારો હો ભાઈ ! એને માનવીય સદ્દગુણોની ઝાંખી થવા દો ! ભાઈ ! તમે સાધુ પહેલા છો, રાજા પછી.’ સરસ્વતી વીનવી રહી. આ સમયનું દશ્ય ખરેખર અપૂર્વ હતું. ઊંચે ઉપાડેલા રાજા દર્પણસેનને ગુરુએ નીચે પછાડ્યો. નીચે પડેલો રાજા તરત ખડો થઈ ગયો ને સ્વસ્થતાથી ઊભો રહ્યો. એના મોં પર અવિજેયતા હતી, ક્ષોભ નહોતો, પશ્ચાત્તાપ નહોતો. આર્યગુરુનું અંતર હજી શાંત થયું ન હતું. એમના મુખ પર ભયંકર કોપની લાલિમા ઝગમગી રહી હતી. એમણે દર્પણસેનના વીખરાયેલા વાળના ગુચ્છને ફરીથી પકડતાં કહ્યું, ‘બોલ રે દુષ્ટ ! ભલે તું મારી ભગિનીને અડી ન શક્યો, પણ પવિત્ર સાધ્વીનું તેં અપમાન તો કર્યું જ છે. તેં ધર્મની છેડતી કરી છે. તો કહે, તને એની કેવી સજા આપું ?” ‘મરજી પડે તે આપ ! કાલક, ગઈ કાલ મારી હતી, આજની ઘડી તારી છે. કાલે મારી મરજી પ્રમાણે હું વર્યો, આજે તારી મરજી મુજબ તું વર્તી લે. આવતીકાલ વળી ન જાણે કેવી ઊગશે ! પૃથ્વી છે, પ્રતિસ્પર્ધા છે, મનુષ્ય છે. સમય છે, હારજીત છે, અહીં તો વારાફરતી વારો છે.” ‘ભાઈ ! ભાઈ ! ખોટો રાજા દર્પણ સાચું કહે છે. આજની રળિયામણી ઘડીને ઉજાળી લો, બંધુ ! પાપીને હવે પૂરતી સજા થઈ ગઈ છે, અને શેષ શિક્ષા ભોગવવા એને જીવતો છોડી દો. સાપના મુખમાંથી કોથળી કાઢી લીધી, પછી એનો ડર શો? ભાઈ ! તમારી સાધુતાની મને મારા શીલ જેટલી જ કિંમત છે. આપના સોધુત્વના એ મહામેઘને ફરી વાર જગત પર અમૃતસંજીવની છાંટતો હું જોવા ઇચ્છું છું. જ્યાં જીવન કરતાં મૃત્યુ વધુ સુંદર હતું. એવી દુર્દશામાં પણ હું જો પ્રાણ ટકાવી રહી હોઉં તો તે કેવળ એક ધન્ય પળ જોવાને ! મારા જોગંદર ભાઈના જગની મારે પુનઃસ્થાપના જોવી છે ! આપણા તારણહારનો સંદેશ ! ક્ષમા વીરસ્ય ભૂષણમુ. વેરનો બદલો વેર નહિ, અવેર, એટલું જગતને જાણવા દે. એક માણસના અનિષ્ટમાંથી ભલે એક ઇષ્ટની સ્થાપના થઈ જાય. લડાઈનો જુસ્સો યોગ્ય છે, લડાઈનો ગુસ્સો અયોગ્ય છે.' ‘માફ કરું એને ?” આર્યગુરુએ પ્રશ્ન કર્યો. ‘હા, બંધુ ! આત્મશુદ્ધિમાં માને તે આર્ય !' ‘સરસ્વતી ! હું તને નથી પૂછતો; મારા મનને પૂછું છું. સંસારને સમજાવવો સહેલ છે, મનને સમજાવવું મુશ્કેલ છે.' | ‘કાલક ! અવન્તીના સિંહાસને બેસી જા, પછી મન અને ચિત્તની વાત કરજે ! સંન્યાસી થવું કેટલું સહેલું છે, ને રાજા થવું કેટલું અઘરું છે, તે તને પછી ખબર પડશે. તું અહીં સિંહાસન પર બેસીને યોગી રહેવા માગીશ, તો બધા તને ભોગી બનાવીને છોડશે. એક વાર થોડા દિવસ સિંહાસન સ્વીકાર અને પછી મને સજા કર.' રાજા દર્પણસેને વચ્ચે કહ્યું. જાણે પોતાના જીવનને માટે એને લેશ પણ ભય કે તમાં ન હોય એમ એ સ્વસ્થતાથી બોલતો હતો. ‘સિહાસન સ્વીકારું ? દર્પણ ! પછી તું જીવતો નહિ રહી શકે. રાજાનો ધર્મ પાપીને સજા, યોગીનો ધર્મ પાપીને ક્ષમા. સિંહાસને બેઠેલો સિંહ કદી પોતાના પ્રતિસ્પર્ધી સિંહને જીવતો રહેવા દેતો નથી, એ જાણે છે ને ?' આર્ય કાલકે રાજા દર્પણસેનનું હૃદય ખોજવા માંડ્યું. સંકલ્પની સિદ્ધિ 465 464 D લોખંડી ખાખનાં ફૂલ

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249