Book Title: Lokhandi Khakhna Ful
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 215
________________ ‘ભલે ગમે તે વંશનાં લેખાય. આપણે તો રાજ અને ભૂમિ સાથે નિસબત છે. બાકી શક કન્યાઓ શકદેશને કદી વીસરતી નથી.’ શકરાજે કહ્યું. એનું નીતિશાસ્ત્ર સાવ અવનવું હતું. ‘વાસુકિના સાથીદારો આપણી સાથે રહીને આપણા બની ગયા છે. તેઓ ઇષ્ટદેવના શપથ લઈને આપણા સેવકો બન્યા છે. આપણી ફરજ તેઓને નિયમિત વેતન મળે તે જોવાની છે. વેતન મળે તો અહીંના નાના રાજાઓ સાથે તેઓ આપણી વતી લડવા તૈયાર છે.' - “બસ, તો તકની રાહ જુઓ. વખત આવ્યે જેની છરી એનું જ ગળું !” શકરાજે અંદરના રહસ્યને પ્રગટ કર્યું. યવન-ગ્રીકોએ પંજાબમાં જે રીતે રાજ્યો જ માવ્યાં છે , એ રીતે આપણે પણ કરવાનું છે. યવનોએ પણ જેની છરી એનું ગળું કર્યું છે.* શક સામંતોને પણ આ વાત ગમી ગઈ. ‘આ રાજાઓ તો કૂબા જેવડા ગામના ધણી છે, પણ એમની પદવીઓ ને બિરુદો ચંદ્રસૂરજ જેવડાં છે. દરેક પોતાને જગતમાં સર્વથી શ્રેષ્ઠ ક્ષત્રિય માને છે. આપણા ક્ષાત્રત્વનો તો તેઓ તિરસ્કાર કરે છે. કહે છે, અમારા ઉપાસ્ય દેવ સૂરજ જુદા, તમારા ઉપાય સૂરજ જુદા.’ સામંતે ત્યાંનાં જનકુલોના અભ્યાસનું તારણ શકરાજ પાસે રજૂ કર્યું. ‘ચિંતા નથી. આર્યગુરુ જ્યાં સુધી આપણી પડખે છે ત્યાં સુધી કોનો સૂરજ મોટો, એ પ્રશ્ન જ કરવા જેવો નથી. બાકી જાણો છો કે ઝેરનો જથ્થો મોંમાં સંઘરનાર સર્પ જમીનને અડીને ચાલે છે, ને ઝેરનું બિંદુમાત્ર પૂછડીમાં રાખનાર વીંછી પોતાનો આંકડો ચડાવીને ચાલે છે. હું આર્ય ગુરુની અને મઘાની રાહ જોઉં છું. તમે બને તેટલા પ્રદેશ સર કરતા જાઓ. યાદ રાખો કે એમના જ લડનારા અને એમના જ હારનારાઓ, એવી નીતિ આપણે રાખવાની છે. એક સૌનિકોની જેટલી ઓછી ખુવારી થાય તેટલી કરવાની. ભારતીય સૈનિકોની નવી ભરતી થઈ શકશે, આપણી નવી ભરતી શક્ય નથી.' ‘નિશ્ચિત રહો, મહારાજ ! આ પ્રજા ભલી છે, ભોળી છે. ઉદાર છે, આતિથ્યવાળી છે. સાથે બધી વાતોમાં અતિ કરનારી મુર્ખ છે. ભૂતકાળની પ્રશંસાની ખૂબ રસિયણ છે. એમના વડવાઓનાં પરાક્રમની વાતો કરો, એમને મોટાં કહીને ચઢાવો, એટલે આગમાં જવા તૈયાર ! શૃંગાર અને વીર સિવાય બીજા રસને એ જાણતી નથી, આપણી શકસુંદરીઓ પણ અહીં એક સેના જેટલું કામ કરશે. આપણી * આ વખતે પંજાબમાં યવન-ગ્રીકોના રાજ્ય હતાં. એ રાજ્યોનો નાશ શકે લોકોએ કર્યો. આજ નાં ઘણાં ક્ષત્રિય-કુળ શકના વંશજો લેખાય છે. 408 | લોખંડી ખાખનાં ફૂલ સ્ત્રી ગમે તેટલો જુલ્મ બરદાસ્ત કરતાં સ્ત્રીત્વ ખોતી નથી. અહીંની સ્ત્રી સહેજ જુલ્મનો ભોગ બનતાં જીવનથી તો ઠીક સ્વત્વથી પણ હારી જાય છે. હું જાઉં છું. અહીંથી આગળ પ્રસ્થાનની તિથિ મહારાજ ?” ‘તિથિ આપણી પાસે નથી. આપણે તો અતિથિ છીએ. આપણને તેડી લાવનાર યજમાન હજી ક્યાં આવ્યા છે ? એ લઈ જાય તેમ જવાનું છે. પણ આર્યગુરુના આગમનમાં જેમ જેમ વિલંબ થતો જાય છે, એમ એમ મને ચિંતા વધતી જાય છે.’ શકરાજે કહ્યું. ‘આર્યગુરુ તો યમ સાથે હાથ મિલાવી પાછા ફરે તેવા છે. તેમની ચિંતા શા માટે ?’ શકસામંતે કહ્યું. શકરાજે એ તરફ બહુ લક્ષ ન આપતાં દરિયા પર નજર ફેરવવા માંડી. આર્યગુરુ ન હોય તો આ ભૂમિ પર પરાક્રમ ફોરવવું ભારે પડી જાય. સાવ અજાણી ભૂમિ ! અહીં એમનું કોણ ? ‘સામંત ! આર્યગુરુના દિલમાં એક વાતનું ભારે દર્દ ભર્યું છે. એ વાતનો નિકાલ થાય, તે પછી જ બીજો વિચાર કરી શકાય.' શકરાજે કહ્યું. ‘સાતી વાત છે કે એમની તપસ્વિની બહેનને ઉજ્જૈનના રાજાએ અટકમાં રાખી છે. ઘણી વિનંતીઓ કર્યા છતાં ન આપી. એનું વેર લેવા આપણને અહીં તેડી લાવ્યા છે. તો શું અહીં એમને મદદ કરનાર કોઈ નહીં મળ્યું હોય ?” સામંત મનની વાત બહાર કાઢી. ‘નહિ જ મળ્યું હોય ત્યારે ને ! નહિ તો સાધુપુરુષ આમ રખડે ખરા ? સિદ્ધ કોટીનો પુરુષ કોડીનો થઈને ઘૂમે છે. કહે છે કે ઉજ્જૈનીનો રાજા જબરો મંત્રધારક છે. પોતે અમુક પ્રકારનો અવાજ કાઢી જાણે છે. એ અવાજ ભયંકર હોય છે. એનાથી લશ્કરોને બેભાન બનાવી દે છે.’ એવા રાજાને આપણે પહોંચી શકીશું ?’ સામંતે ચિંતા વ્યક્ત કરી. ‘એ આપણે જોવાનું નથી. સેનાપતિ આર્યગુરુ થવાના છે. આપણે તો તેઓ કહે તેમ વર્તવાનું છે. એ કહેશે કે આમ કરો તો આપણે તેમ કરવાનું. આપણે તો ઉજ્જૈનીની ચડાઈમાં ચિઠ્ઠીના ચાકર.' શકરાજ ભોળા ભાવથી બોલતા હતા. ‘એ આપણને આગળ કરે, ને આપણો સર્વનાશ કરાવી નાખે તો ? વેરી જેવો અંધ માણસ બીજો નથી.' ‘આપણે આપણી અક્કલ ક્યાં ગીરો મૂકી છે ? મરવું હોત તો શકદ્વીપમાં મોત સામે જ હતું. અહીં તો આપણે જીવવા આવ્યા છીએ. ગુરુ આપણને જિવાડવા ને રાજ કર્તા બનાવવા લાવ્યા છે.” અમને સુવર્ણ આપો ! [ 409,

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249