________________
હવે એણે હેમની દીવી જેવા કંકુવર્ણા હસ્તમાં કેસર અને કસ્તુરીથી મઘમઘતી મીઠાઈની થાળી લીધી. રે ! સ્વર્ગની આ અપ્સરા ક્યાં ચાલી ભલા? આજ એ કોને રીઝવવા માગતી હતી ?
કોણ એનો આરાધ્ય દેવ હતો ? કંઈ ન સમજાયું. મઘા જેવી પ્રતાપી સ્ત્રીની આ છોકરમત ન સમજાઈ. એકદમ સમજવી સહેલ પણ નહોતી.
અજબ સિંગારમાં સજ્જ મઘા એક ખંડ વટાવી આગળ વધી. નૂપુરની ઘંટડીઓ મીઠી રણઝણતી હતી.
એણે બીજો ખંડ ઓળંગ્યો ! હવે આગળના ખંડમાં તો મહાત્મા નકલંક બેઠા હતા. શ્યામ વાદળમાં વીજ ઝબૂકે, એમ મઘા મહાત્માના ખંડમાં દાખલ થઈ. ઘરમાં શૂન્યશાંતિ હતી,
ગુલ્મ ઊંઘતો હતો, નોકર-ચાકર પણ નિદ્રામાં હતાં. મેઘા ખંડમાં દાખલ થઈ, દ્વાર ભિડાવી દીધું.
મહાત્મા નિઃશંક હતા, વાઘણ જેવી મઘા પોતે પણ નિઃશંક હતી. જિંદગીમાં જેટલાં સરસંધાન કર્યા એટલાં સફળ જ થયાં હતાં, એના સૌંદર્યવિજયે પરાજય જોયો નહોતો.
મહાત્મા નકલંકે અંધારા આભને ચીરતી વીજળી આવે એમ મઘાને આવતી જોઈ. સદાકાળ બીજાના પગને ધ્રુજાવનારીના પગ આજે પોતે ધ્રુજતા હતા. એના દેહમાં કંપ હતો, એનાં નયનમાં જુદુ તેજ હતું.
અરે મઘારાણી ! આ કેવો વેશ કાઢડ્યો ? બધું બદલાય છે, ત્યારે શું મળી પણ બદલાય છે ? ઓહ, અણુપરમાણુમાં પણ કેવી તાકાત છે ! જડ ચેતનને નચાવે છે.' મહાત્મા જરાક રમૂજમાં બોલ્યા.
મહાત્મા સ્વાભાવિક રીતે બોલી રહ્યા ને મઘાને નેહભરી એક નજરથી નીરખી રહ્યા.
મઘા કશું ન બોલી શકી. ભલભલાની જબાન બંધ કરાવનારીની જબાન આજે ખુદ બંધ થઈ ગઈ.
‘મઘા ! અભિસારે નીકળી છે કે ?' મહાત્મા આગળ બોલ્યા, “ઓહ, સ્વર્ગની અપ્સરા ઈષ્યમાં આપઘાત કરે એવું તારું રૂપ છે.'
મઘા તોય ન બોલી.
મહાત્માને આશ્ચર્ય થયું. એ બોલ્યા, ‘કામ-રાગની કાંચકી તો તારે ગળે બાઝી નથી ને ? તારું રૂપ સદા શીતળતા પ્રસરાવતું, અત્યારે એ દાહક કાં લાગે? શું પાણીમાં આગ લાગી છે ?”
334 લોખંડી ખાખનાં ફૂલ
મઘાના હાથમાંથી થાળી સરી ગઈ, એ થરથર કંપી રહી. એ સ્વસ્થ થવા મહેનત કરતી, અસ્વસ્થ ભાવે બોલી,
‘ચંદા સૂર્યના તેજને સંગ્રહી નવા ગર્ભને જન્મ આપવાના નિરધાર સાથે અહીં આવી છે. આ સર્વ પરિશ્રમ એ કાજે છે.’
‘હું ન સમજ્યો, મારી સરસ્વતી !”
“તમારી સરસ્વતી નથી; હું તો સાગરની મત્સ્યગંધા છું. સ્વાતિનું જળ લેવા આવી છે. બેનમૂન મોતી પકવવું છે. મને બત્રીસલક્ષણો પુત્ર જોઈએ છે, મહાત્માજી! દાન દો, અભિસારિકાને !
મહાત્માને મઘાના શબ્દો કાંટાની જેમ ચૂભી રહ્યા. એ બોલ્યા, “શું ગુલ્મ ગમતો નથી ?'
‘ગમે છે, પણ એ કંઈ મહાત્માના અંશનો અવતાર થોડો છે ? અગ્નિથી દીવ થાય, એનાથી રંધાય-સંપાય, પણ એ જગતને જળહળાવનાર, સુરજ તો ન થઈ શકે ને ! ચલાચલીવાળા આ સંસારમાં સ્થિર કશું નથી. તમે ચાલ્યા જશો એમ મારું મન કહે છે. સંસારનો યોગ જલ-કાષ્ઠનો છે. આજે બે કાષ્ઠ મળ્યાં, કાલે છૂટાં ! રાજ કાજની હવા ભારે છે. વંટોળિયો સહુને વિખેરી નાખે એ પહેલાં આ કુક્ષિમાં તમારો અંશ સંગ્રહી લેવા માગું છું. એક બત્રીસલક્ષણો પુત્ર આપો. તમારું સંભારણું.'
‘મારું સંભારણું અને તે પણ આવું ? શું વાત કરે છે તું મઘા ?' મહાત્મા ચમકી ઊઠ્યા, ‘મઘા, મારી બહેન, મને બચાવ ! તું બચી જા ! હું નકલંક ! મને ન-કલંક રાખ.' | ‘ઝાઝી લપ ન કરો. હું જાણું છું. ભારતના મહાયોગીઓ પોતાના રજ વીર્યનાં દાને યોગ્ય પાત્રમાં કરે છે. તમારે ત્યાં ગમે તે સ્ત્રી-પુરુષનો ધર્માર્થે નિયોગ પાપ લેખાતો નથી. નિયોગની પ્રથા ભારતની તેજ -અંશોના દાનની પ્રથા છે.” મઘા બોલી. એ ધ્રૂજતી હતી, છતાં એના હોઠ દૃઢતામાં બિડાયેલા હતા. એ કૃતનિશ્ચય દેખાતી હતી.
“મવા ! ભલું ભણી તું આજ ! ભારતીય ગ્રંથોના શ્રવણનું મધુ તેં અપૂર્વ તારવ્યું !' મહાત્માના અવાજમાં સંયમ હતો, સ્વરમાં સ્નેહ હતો, ‘કોઈપણ નારીને પત્નીભાવથી જોવી, એ મારે માટે જીવનવિકૃતિ છે, જીવતું મોત છે.'
‘વિકૃતિ ? ખોટી રીતે તમારા ચિત્તને વિચલિત ન કરો. ઝાડની કલમ થાય છે, સ્વજાતિ મૂકી પરજાતિ સાથે વૃક્ષોનો સંયોગ થાય છે ને એક નવીન પ્રકારના ફળનો જન્મ થાય છે. મહાત્મા ! એમ ન માનતા કે હું વિકારથી કે વિલાસની વૃત્તિથી તમારી પાસે આવી છું. હું એક રસાયણ લેવા આવી છું.”
કસોટી 1 335