________________
સમજાવવા ઘણો પ્રયત્ન કર્યો, પણ આખરે મને લાગ્યું કે કદાચ પૃથ્વીનો છેડો પ્રાપ્ત કરી શકાય, પણ રાજ કારણી પુરુષોના મનનો છેડો કોઈથી જાણી શકાતો નથી. રાજકાજમાં એક વાર અવિશ્વાસ પેદા થઈ જાય, પછી સમજ માટેના તમામ પ્રયત્નો વિશેષ ગેરસમજના કારણ બને છે; અને આપણે વધુ ને વધુ નિર્બળ લેખાઈએ છીએ એ વધારામાં.’
‘મેં તો મારી પ્રજા અને મારા શહેનશાહ-બંનેનું હિત કર્યું છે.' શકરાજે હૈયાવરાળ કાઢી.
મહાત્માએ કહ્યું, ‘એ જ આપણી મુસીબતનું કારણ છે. રાજાનું હિત કરનારો લોકમાં દ્વેષપાત્ર થઈ પડે છે, અને દેશનું હિત કરનારાઓનો રાજાઓ ત્યાગ કરે છે. હાથી મદોન્મત્ત થાય તો વશ કરી શકાય છે, પણ રાજા મદોન્મત્ત થાય તો એને વશ કરતાં ઘણું ગુમાવવું પડે છે, સુકા ભેગું ઘણું લીલું બાળવું પડે છે.’
અરે ! શહેનશાહના દરબારમાં તો હું એમનો મિત્ર લેખાતો હતો.' શકરાજનો લાગણીતંતુ હજી શાંત થયો ન હતો.
રાજન્ ! સ્વદેશયાગનો વિચાર કરતાં જે વેદના તમે અનુભવો છો, એવી હું પણ અનુભવી ચૂકેલો છું. બધા રાજાઓની હું વાત કરતો નથી, પણ કેટલાક રાજાઓ વિશે તો હું માનું છું કે અગર કાગડામાં પવિત્રતા સંભવે, સર્પમાં ક્ષમા સંભવે, મદ્ય પીનારામાં તત્ત્વવિચાર સંભવે, તો રાજામાં મિત્રતા સંભવે. રાજા કોઈનો મિત્ર નથી. એ મિત્ર ન હોય તો, શત્રુ જરૂર છે પણ શત્રુ ન હોય ત્યારે મિત્ર હોવાનો સંભવ નથી.' મહાત્મા શકરાજને સ્વદેશયાગ માટે તૈયાર કરી રહ્યા હતા.
‘આખા જીવનમાં આ દેશમાંથી થોડા સમય માટે પણ હું પરદેશમાં ગયો નથી, હવે એ કેમ શક્ય બનશે ? મહાત્માજી ! શહેનશાહની આ છરીને મારા મસ્તકની ભેટ ચઢાવી લેવા દો. મારા વારસો સુખે રાજ ભોગવશે.’ શકરાજે કહ્યું.
અરે રાજન્ ! પોતાના હાથે પોતાનું મસ્તક ઉતારી દેવા જેટલા શુરવીર હોવા છતાં, આટલા બધા નાસીપાસ કેમ થાવ છો ? શું સિંહ પોતાના જંગલમાં જ સત્તા જમાવી શકે ? બીજા જંગલમાં એ સંચરી ન શકે ? રે ! દાઢ, ન ન પૂછનાં આયુધવાળો પરાક્રમી સિંહ તો જે વનમાં જાય ત્યાં એને માટે સ્વદેશ સર્જે છે. ધીર, સમર્થ ને બુદ્ધિશાળીને સ્વદેશ કેવો ને વિદેશ કેવો ? એ તો જે દેશમાં વાસ કરે, તે દેશ પર પોતાના બાહુબળથી વિજય મેળવે છે.”
મહાત્માએ શકરાજને બરાબર પાનો ચઢાવ્યો. એમને એક પંથ અને દો કાજ જેવું હતું. શકરાજ બોલ્યા, ‘હું મારા શાહીઓનો સ્વતંત્ર મત જાણવા માગું છું. એમની
354 3 લોખંડી ખાખનાં ફૂલ
પાસેથી આજે નિર્ણય લઈશ કે દેશયાગ કાં પ્રાણત્યાગ, બેમાંથી શું પસંદ કરવા યોગ્ય છે ?”
શાહીઓ અને ધનુર્ધરો મહાત્માની વાણી સાંભળી રહ્યા હતા. તેઓએ ખૂબ ઊંચા અવાજે કહ્યું,
‘અમે યદ્ભવિષ્ય મત્સ્યની જેમ બાપના કુવામાં બૂડી મરવા માગતા નથી. પરદેશ જઈને પરાક્રમ પ્રસારીશું. આપણને માર્ગદર્શક તરીકે મહાત્મા જેવા મહાપુરુષ મળ્યા છે. શા માટે હાથે કરીને જીવ કાઢી નાખવો ? દેશ તો હજીય ફરી ફરી મળશે, પણ ગયેલો પ્રાણ ફરી ફરી નહિ મળે.'
શાબાશ, મારા વીરો ! તમે સાથે હશો તો આપણે સ્વર્ગ પણ જીતી લઈશું.’ શકરાજ ઉત્સાહમાં આવી ગયા.
‘મહાનુભાવો ! મારી એક વાત સાંભળી લો. હું તમને હંમેશને માટે પરદેશમાં ઘસડી જવા માગતો નથી. એ તો ગાયથી વાછરડું છોડાવવા જેવી વાત છે. અને મારું શાસ્ત્ર તો વળી એમ કહે છે કે કોઈ પણ જીવ કોઈનો પણ નિતાંત વેરી કે નિતાંત મિત્ર નથી. પરિસ્થિતિ મિત્ર યા શત્રુ બનાવે છે ને પરિસ્થિતિ પલટાતાં બધું પલટાઈ જાય છે. યાદ રાખો કે આજે તમારું મસ્તક માગનાર એ જ શહેનશાહ એક વાર તમને સ્વદેશ પાછા ફરવાનું માનભર્યું નિમંત્રણ પાઠવશે, સત્ય કદી પણ છૂપું રહેતું નથી !'
| ‘અમે મહાત્માજી કહે ત્યારે ને કહે ત્યાં પ્રસ્થાન કરવા તૈયાર છીએ. એ અમારા મિત્ર, ગુરુ ને વડીલ છે.’ બધેથી એકસરખો અવાજ આવ્યો.
મહાત્માએ કહ્યું, ‘હું તો અહીં તમને નિમંત્રણ આપવા જ આવ્યો હતો. સમય વગર સારું કામ પણ વણસી જાય, એ રીતે યોગ્ય તકની રાહ જોતો હતો. મારું તમને ભારત આવવાનું આમંત્રણ છે. બાકી તો મિત્ર અને શત્રુની બાબતમાં એક નીતિવાક્ય યાદ રાખજો કે ઘણીવાર માણસ શત્રુ દ્વારા થાય છે ને મિત્ર દ્વારા માર ખાય છે. મારા માટે તો મિત્ર કે શત્રુનો કોઈ સવાલ નથી, પણ અનુભવ કહું તો મારા મિત્ર મારા શત્રુની ગરજ સારી છે, ને જે શત્રુ જેવા લેખાય તેઓએ મિત્રનું કામ કર્યું છે. ભારત આવવાનું તમને મારું નિમંત્રણ છે.’
‘અમે તૈયાર છીએ, આપની આજ્ઞાની જ વાર સમજો !' બધા એક સાથે બોલી
ઊઠ્યા.
‘હું પણ તેયાર છું.’ મઘા બોલી ઊઠી. એ અત્યાર સુધી ચૂપ બેઠી હતી.
મઘા ! મઘા ! તારું ભાવિ અહીં રહેવાનું છે.' મહાત્માએ તેના તરફ નેહભરી નજર નાખતાં કહ્યું.
આખરી નિર્ણય 355