________________
લોકોએ ભારે કિકિયારી કરી અને બૈરૂતનું મસ્તક ઉતારી લેવા માગતા હોય તેમ ધસારો કર્યો.
મઘા આડી ફરી. એણે બૈરૂતનું સંરક્ષણ કર્યું ને બોલી : ‘કોઈ માણસને મારી નાખવાથી કંઈ ફાયદો થતો નથી, પણ એ માણસનું માથું ઉપયોગમાં લેવાથી જ ખરો ફાયદો થાય છે, એમ મારા ગુરુનું કહેવું છે. હું મહાત્માની શિષ્યા છું. હું બૈરૂતનું માથું કાપી લેવા માગતી નથી, પણ શહેનશાહ પાસે આપણી વતી એનો ઉપયોગ કરવા માગું છું. એ શક શહેનશાહ સામે આપણા વતી બોલશે. કહો એનો આનાથી વિશેષ સારો ઉપયોગ શો હોઈ શકે ?”
મઘા ! હું તૈયાર છું. મને એક તક આપો. હું શક શહેનશાહને સાચેસાચી વાતો કહીને એની આંખો ખોલી નાખીશ.' બૈરૂત ઉત્સાહમાં આવી ગયો. શહેનશાહ તારા પર કોપ કરશે તો ?
‘તો મારું માથું ડૂલ કરીશ. મને પ્રાયશ્ચિત્ત કરવાની એક તક મળશે. હું ભયંકર રીતે પસ્તાઈ રહ્યો છું.' બૈરૂતે કહ્યું.
‘મઘા ! તું અમારી આગેવાન છે. તું શકરાજની વિશ્વાસુ અને મહાત્માની શિષ્યા છે. તને રુચે તે કર.' લોકોએ મઘાને પોતાનું પ્રતિનિધિત્વ આપી દીધું. મઘાએ કહ્યું, ‘ચાલો, આપણે જલદી ઊપડીએ. શહેનશાહને મળીએ, એમનો ભ્રમ દૂર કરી, લશ્કરી કુમક લઈને ભારત તરફ ઊપડી જઈએ.’
બૈરૂત આગળ થયો. મઘા એની પાછળ ચાલી. લોકસમુદાય એમને અનસર્યો.
382 – લોખંડી ખાખનાં ફૂલ
52
સૌરાષ્ટ્રની ધરતી પર
લીરિકાધીશનુ ગગનચુંબી દેવાલય. જેના જળ-અરીસામાં પોતાનું મોં નિહાળીને મલકાતું ખડું છે, એ સાગરદેવના ક્ષિતિજ સુધી પહોંચતા જળતરંગો પર કોઈ બે પક્ષી ઊડતાં આવતાં નજરે પડતાં હતાં.
સાગરપટ પર ઊડતાં એ બે પંખી, ધીરે ધીરે મોટો આકાર ધરી રહ્યાં હતાં. આખરે એ થોડે દૂર રહ્યાં ત્યારે કળાયું કે એ બે પંખી નથી, પણ બે વહાણો છે. સાગરકાંઠે ઊભેલા ચોકિયાતોએ નાની સરખી સાવધાનીની બૂમ પાડી, પણ દ્વારામતીના દ્વારમાંથી કોઈ બહાર ન આવ્યું.
દ્વારામતીના દેવાલયની ધજા એમ ને એમ ફરકી રહી, અને આરતીની ઝાલરો એમ ને એમ રણઝણતી રહી.
ભૂખ્યા પેટના માણસોને દરિયા સામે જોવાની હામ નહોતી, કારણ કે દરિયાને તો કેટલાક લડાયક લોકો ઘેરીને બેઠા હતા.
એક રાજાને જેમ બે પ્રકારની પ્રજા હોય - લશ્કરી ને શહેરી, એમ આ દેવાલયનો ભક્તગણ બે પ્રકારનો હતો. એક યાત્રાળુઓને રીઝવી, ધંધો-ધાપો ને ખેતી કરી આ દેવને ભજતો. બીજો સાગરમાં ધાડ-લૂંટ પાડી જે મળે તેનાથી દેવને પૂજતો.
બન્ને પ્રકારના ભક્તો પૂરા આસ્થાવાન હતા. પણ વર્ચસ્વ અહીં, સંસારમાં હંમેશાં બનતું આવ્યું છે તેમ, લડાયક મિજાજના લોકોનું હતું.
ચોકીદારના સાવધાની સૂચક અવાજ સાથે દેવાલયમાંથી તો કોઈ બહાર ન આવ્યું, પણ આજુબાજુના સાગરકાંઠાની ઝૂંપડીઓ અને સાદાં મકાનોમાંથી કેટલાક લોકો બહાર નીકળી આવ્યા, ને કાંઠા પર પડેલી નાની-મોટી નાવડીઓમાં ચડી બેઠા,