________________
27
પૃથ્વીનો પ્રભુ
‘કર્મ અને પુરુષાર્થનો અમને સંબંધ સમજાવો. તત્ત્વની ચર્ચા વિશદતાથી કરો.” સભાજનોએ તત્ત્વજિજ્ઞાસા દાખવી.
રે તમારી નિર્માલ્ય તત્ત્વચર્ચા ! કરવા-ધરવાનું કંઈ નહિ, અને માત્ર તત્ત્વની ઘંટીએ બેસીને વિચારોને ભરડ્યા કરવાનું ! નસીબ અને પુરુષાર્થનો સંબંધ બીજ અને વડ જેવો છે. બીજ માંથી વડુ થાય છે, વડમાંથી બીજ પાકે છે. બોલો, રાજાની પાસે જઈને સાધ્વી સરસ્વતીને લઈ આવવાનું બીડું કોણ ઝડપે છે ?'
સભાજનોમાં સોપો પડી ગયો : ન કોઈ બોલે કે ચાલે ! સહુ માંહ્યોમાંહ્ય ગણગણવા લાગ્યા કે આ તો આકરી કસોટીનું કામ ! આવી ઉપાધિ કોણ ઉછીની લે!
જે પળ જાય છે, તે ભયંકર જાય છે. બોલો, તમે શું કરવા માગો છો ?' પણ કોઈ કશું જ ન બોલ્યું - જાણે બધાની વાચા હરાઈ ગઈ હતી.
કાયાને કાચની કહેનારા આજ એની માયા કેમ કરી રહ્યા ? શું કાચની શીશી તૂટવાની નથી એમ માનો છો ? કે આતતાયી રાજાનો માત્ર એક જ હુંકાર તમારી કાયાની શીશીને તોડી નાખશે, એ કારણે ડરો છો ?” આર્ય કાલકે સ્પષ્ટ વાતો કરવા માંડી હતી, એ તરતમાં જ નિર્ણય લેવા માગતા હતા.
એ વખતે સભામાંથી એક પ્રૌઢજન ઊભો થયો. એ સંઘનો આગેવાન હતો. એના ગળામાં નવલખો હાર હતો. કપાળ પર તિલક હતું. આંગળીઓ પર હીરાની મુદ્રિકાઓ દીપી રહી હતી.
‘જાઉં છું પ્રભુ ! એક ઉદર દરમાંથી નીકળી બિલાડીના ઘરમાં માથું મારવા જાય છે. હું તો પતંગિયું, પણ દીવાને ઠારવાની તમન્નાએ જાઉં છું.’
‘કલ્યાણ હો તારું !' આર્ય કાલ કે આશીર્વાદ આપ્યા.
‘કલ્યાણ કે એ કલ્યાણ હવે જોવાનું રહ્યું નથી. આજ સુધી આ સમાજનો આગેવાન બની ફૂલહાર પહેર્યા છે. આજ એ ગળામાં તલવારનો ઘા પડે તોય ચિંતા નથી. આશીર્વાદ આપો કે સત્તાનો ભૂકંપ ભાળી હું ઢીલો પડી ન જાઉં !'
‘આશીર્વાદ છે મારા ! વીરધર્મના પૂજારી ! મારું અંતરબળ તારી સાથે છે.” મહાગુરુએ આશીર્વાદ આપ્યા.
સંઘના આગેવાન કલ્યાણદાસે આગળ ડગ ભર્યા; એક પારેવું લોહી તરસ્યા બાજને સમજાવવા ચાલ્યું હોય તેમ સૌને લાગ્યું.
કલ્યાણદાસ જોતજોતામાં ઉજ્જૈનીની વીથિકાઓમાં અદૃશ્ય થઈ ગયો. આર્ય કાલકના અંતરમાં ત્યારે અશાંતિનો સાગર તોફાને ચડ્યો હતો !
કલ્યાણદાસે રાજ પ્રાસાદ તરફ કદમ બઢાવ્યા. રાજાના પ્રાસાદો, જે પહેલાં વસ્તીની વચમાં રહેતાં, અને દેવમંદિરોની જેમ જેનાં દ્વાર ચોવીસે પ્રહર અખંડ રહેતાં, એ પ્રાસાદોએ હવે એકલવાયાપણું સ્વીકાર્યું હતું.
પ્રજાએ જેમ જેમ રાજાઓને પૃથ્વીના પ્રભુ માની એની ભક્તિ આદરી, એની પૂજા શરૂ કરી, એની બધી જરૂરિયાતો પૂરી કરવા માંડી તેમ તેમ રાજાઓ પ્રજાને માથે ચઢતા ગયા હતા. પ્રજાના રક્ષક' તરીકેનું એમનું બિરુદ હાથીના બતાવવાના બહારના દાંત જેવું નકલી બની ગયું હતું, અને હાથીના ચાવવાના દાંતની જેમ એ પ્રજાના ભક્ષક’ બની ગયા હતા.
રાજાઓએ પ્રજાના ઘરમાં પરિશ્રમનું જે ધન રહેતું, એ ત્યાંથી લાગ-ભાગને નામે ખેંચી લઈ, પ્રજાને સુખદુઃખે કામ આવે એ બહાને તિજોરીઓ ભરી હતી અને એ ધનબળથી રૂપને આશરો આપવા અંતઃપુર સજ્ય અને પ્રજાને ધક્કા મારવા સૈન્ય ખડાં ર્યો.
પૃથ્વીનો પ્રભુ આમ સંસારનો પશુ બન્યો. એણે પોતાના મહેલો કિલ્લાથી સુરક્ષિત કર્યા. એ કિલ્લાઓ કાળાં કામોથી ખદબદી રહ્યા. ત્યાં ભય, ત્રાસ ને દંડનું એવું સામ્રાજ્ય પ્રસરી ગયું કે વન કેસરીની ત્રાડે વનનાં શિયાળો ધ્રુજી ઊઠે, એમ રાજાઓથી પ્રજા દબાઈ ગઈ. રાજાઓની સ્વતંત્રતા આખરે સ્વછંદમાં પરિણમી !
રાજાએ ખુશામતખોરોનું પોતાનું આગવું મંડળ ખડું કર્યું, એમને લક્ષ્મી આપીને પોતાના દાસ બનાવ્યા. કુશળ શિકારી નાનાં પંખીઓને પકડવા જેમ બાજ પંખીને પાળે અને એના હાથે નબળાં પંખીઓનો સંહાર કરાવે એવો ઘાટ રચાયો. આ બાજ પંખીઓ ચકલીના માળા ચૂંથવામાં જેટલા કુશળ, એટલી એમને આગળ વધવાની તકે !
24 D લોખંડી ખાખનાં ફૂલ