________________
‘આતતાયીનો નાશ જરૂર કરવો, પણ એનો ઉદ્ધાર થાય એ રીતે કરવો. શાસ્ત્રવચન છે, કાલક ! કે સત્યની આજ્ઞાથી સમરાંગણે ચઢેલા મેધાવીની મુક્તિ નક્કી જ છે.* નિઃશંક થા ! ચાલ્યો આવ ! કાલક ! સંસારનું કોઈ માયાબંધન તને છે ખરું ?” મુનિરાજે મુદ્દાનો પ્રશ્ન કર્યો.
‘માયામાં માયા બહેન સરસ્વતીની ! સંસારનું એ સર્વોત્તમ નારીપુષ્પ છે. વળી એ સુકોમળમાં સુકોમળ પણ છે. મને ચિંતા હોય તો એની !' કાલકે કહ્યું.
‘ભાઈ ! મારી ચિંતા છોડી દે.’ સરસ્વતી બોલી. ‘તારો રાહ એ મારો રાહ.
આ ભવમાં આપણો વિજોગ નથી. તું પરણીશ તો હું ભાભીની સેવા કરીશ, તું સંન્યાસી થઈશ, તો હું તારા ઇષ્ટની સેવા કરીશ.'
‘સરસ્વતી તો સમર્પણમૂર્તિ છે. એવી સમર્પણશીલા સ્ત્રીઓ સંસારમાં હોય, તો શિકારી મૃગને મૂકી દે; વ્યભિચારી વનિતામાત્રને તજી દે. આ બધી સ્ત્રીઓ નથી, પ્રેમહવાની લેરખીઓ છે,' મુનિજન સરસ્વતીને જાણે લાંબા વખતથી પિછાણતા હોય તેમ બોલ્યા.
સરસ્વતી ભાઈના પગલાને અનુસરવા થનગની રહી. એ બોલી : ‘ગુરુદેવ ! ભાઈ એક સ્ત્રી સાથે વચનથી બંધાયેલા છે.’
‘કોની સાથે ! કેવા વચનથી ?'
‘એક નવયૌવના છે. એણે વસંતવિહારે ભાઈને નોતર્યા છે. ભાઈ કહે છે કે સંસારમાં મોટો રાગ કામદેવનો છે. જો અને જીતીશ તો વિરાગને પંથે પળીશ. નહિ જીતું તો જેવો સામાન્ય છું તેવો સામાન્ય બની રહીશ. વિરાગ વર્ગોવાય તેવું નહિ
‘વાહ રે કાલક ! ધન્ય તારો વિવેક !' મુનિરાજ આ સાંભળી ખુબ રાજી થયા. ‘ખીણવાળા મુનિએ જે ભાખ્યું એ ખરેખર સત્ય છે. સમતુલા તો કાલકની ! સાચ તો કાલકનું ! આજ તો વંચનાનો – છલનો વેપાર ચાલે છે. શસ્ત્ર પર જેટલી શ્રદ્ધા છે, એટલી શસ્ત્ર ગ્રહણ કરનાર કરયુગલ પર નથી. કરયુગલ પર જેટલી આસ્થા છે, એટલી હૈયા પર નથી. ને જેટલી હૈયા પર છે, એટલી એમાં વસતી પ્રેમહવા પર નથી. કામધેનુ અને કલ્પવૃક્ષ આ યુગમાં સંભવે કેવી રીતે ?’
‘આજે તો પોતાનો નામો કૂબો, નાની હાટડી, નાનો સ્વાર્થી સમાજ અને સર્પના દર જેવા ઘરમાં માનવીનું સર્વસ્વ સીમિત થઈ ગયું છે.' સરસ્વતી બોલી. એના આત્માને આ વાતો ખૂબ રુચિકર લાગતી હતી.
* सच्चरस आणाए उपओि मेहावी भारं तरई ।
134 D લોખંડી ખાખનાં ફૂલ
‘મુનિજન ! મને આજે નિર્મોહીનો મોહ થયો છે : તમને જોયા ને જાણે મેં અરીસામાં મારા આત્માના પ્રતિબિંબને નિહાળ્યું, અંદરથી હાકલ પડે છે : ઊઠ, ઊભો થા ! દોડ, તારા ધ્યેયને સિદ્ધ કર ! મન જાણે આત્માની સાથે ગોઠડી માંડીને બેઠું છે. ક્ષત્રિય છું, એટલે વચનભંગ નહિ થાઉં. જાઉં છું મહારાજ !'
‘જા ! રાજ કુમાર ! સુખેથી જા ! આત્માની પરીક્ષા વિના વૈરાગ્યનો અંચળો ન ઓઢીશ. નહિ તો અંચળો ગંધાશે અને અંચળાનો આપનાર વર્ગાવાશે. વહેલો વળજે. મારી પાસે સમય નથી !'
‘શું આપની પાસે સમય નથી ?'
‘હા, દેહનું પિંજર ડોલી રહ્યું છે. હંસલો માનસરોવર ભણી જવા પાંખો ફફડાવી રહ્યો છે, જલદી પાછો વળજે ! જય તારો છે. અમર તો એ તારી પરીક્ષારાત્રિ !'
મુનિએ આટલું બોલી આંખો મીંચી લીધી.
કાલક અને સરસ્વતી નમન કરી પાછાં ફર્યાં, પણ અંતરમાં એક નવીન પ્રકાશ લઈને પાછાં વળતાં હતાં. અંધારામાં જાણે અજવાળાં પ્રગટ્યાં હતાં.
કાલક ! કુહાડીનો હાથો થા ! – 135