________________
આજ રાજકુમાર ઊઠ્યો ત્યારે સુનયના હજી સૂતી હતી. કાલકની નજર એના દેહ પર મૃદુ રીતે ફરી ગઈ.
પ્રભાતની ઠંડી હવાની લહેરો વાઈ રહી હતી. એમાં સુંદરીની કેસર જેવી રોમજિ ધીમી ધીમી કંપતી હતી‚ ઉરપ્રદેશ પરથી ઉત્તરીય ખસી ગયું હતું. સુંદરી રાત કરતાં અત્યારે વધુ સુંદર લાગતી હતી. એનાં બિડાયેલાં પોપચાં પર જાણે કામદેવ ઊભો હતો અને જોનારના કાળજાને વીંધે તે રીતે તીર ચલાવતો હતો. એના પુષ્ટ ઉરપ્રદેશ પર જાણે રતિ નૃત્ય કરતી હતી અને કેલિ માટે આમંત્રણ આપતી હતી.
મારવિજયી કાલકનો કિલ્લો અજેય નીવડ્યો હતો. કામ અને રતિ રાજ કુમાર કાલક પૂરતી પોતાની કામગીરી પૂરી થયેલી માનતાં હતાં. સંસારમાં કોઈક જ કામવિજેતા જન્મે છે. કીર્તિવિજેતા અને કાંચનવિજેતા ઘણા મળશે, પણ કામવિજેતા ઠેર ઠેર મળવા સુલભ નથી.
કાલક કામવિજેતા ઠર્યો હતો, એને સંસારવિજેતા થવું હવે હાથવેંતમાં હતું.
ઉરદેશ પર વસ્ત્ર ઓઢાડતાં કાલકનો હાથ સુંદરીને સ્પર્શી ગયો. સંચાની પૂતળીની જેમ એ જાગી ગઈ. એણે આંખો ઉઘાડી. સામે કાલક હતો, એનો કાલક હતો, હૃદયસ્વામી કાલક હતો ! એ સ્વપ્નમાં હતી ને સ્વપ્નમાં એના પર સર્વત્ર ન્યોચ્છાવર કરી ચૂકી હતી, તો જાગ્રત અવસ્થામાં હવે એ શા માટે પડી રહે ? પોતાના આખા દેહને મરોડ આપતી સુંદરી ઊભી થઈ. રૂપનું વાદળ જાણે માથા પર ઝળુંબી રહ્યું. નૂપુર ને કંકણ જાણે મેઘગાન કરી રહ્યાં.
‘કાલક ! આત્મપ્રિય કાલક ! હું તને અર્પણ છું.'
‘તારું અર્પણ સ્વીકારું છું.”
‘શું તું મને સ્વીકારે છે ?' નારીના હૃદયમાં થોડીએક આશંકા હજીય રહી
હતી.
‘અવશ્ય. પણ તું મને સ્વીકારીશ ?' કાલક બોલ્યો.
‘જરૂર. તું કહીશ તો તારી પાછળ જોગણ બનીને ચાલી નીકળીશ.' સુનયના મુગ્ધભાવે બોલી.
‘તો વચન આપ કે પતિવ્રતા સ્ત્રીની જેમ પુરુષ તરીકે મારા સિવાય અન્યને તું સ્વીકારીશ નહિ.' કાલકે કહ્યું. સ્વાભાવિક વાત કરતો હોય તેવો એનો અવાજ હતો.
‘જરૂર, વચન આપું છું. સુનયના બોલી ગઈ, પણ બીજી ક્ષણે ઢીલી પડી ગઈ 156 – લોખંડી ખાખનાં ફૂલ
અને બોલી : ‘અરે કાલક ! તારા સિવાય હું કોઈને ન સ્વીકારું ? કે તને ન સ્વીકારું ? જાણે છે કે મારો સ્વીકાર એટલે જીવંત મોત ! શું હું મારા પ્રિયને મારે હાથે સંહારું"
‘શા માટે મારે મને કે બીજાને ? કોઈની હત્યા કરવાની ઇચ્છા થાય ત્યારે મને યાદ કરજે, સુભાગી નારી !'
“એટલે હું અહિંસક બની જાઉં, એમ ?' સુનયના કાલકની વાતનો મર્મ સમજી
ગઈ.
‘હા, મારા અહિંસા-વિજયનો તારાથી પ્રારંભ થવા દે. સંસારના થોડા વિષયી જીવો ભલે બચી જાય.’ કાલકે કહ્યું.
‘વિષયી જીવોને બચાવવાથી શું ફાયદો ? જેટલા એ ઓછા, એટલો સંસાર સારો.' સુનયના દાંત કચકચાવતી બોલી.
‘સુનયના ! જીવો બધા કર્મને વશ છે. મને વિષયો તરફ નફરત છે; વિષયી તરફ નહીં. આત્મામાં જ પરમાત્મા વસે છે.’
મને એવી વાતમાં શ્રદ્ધા નથી. પાપ અને પાપી જુદાં એ વાત કેમ સમજાય ?’ ‘માણસને સમજ ! માણસમાં શ્રદ્ધા રાખ અને તને બધું સમજાશે.’ ‘બાળપણથી બળેલી છું. મને માણસ કરતાં સાપ-વીંછી સારા લાગ્યા છે. છતાં તું કહે છે, તો માણસમાં શ્રદ્ધા રાખતાં શીખીશ.' સુનયના શ્રદ્ધા પ્રગટ કરતી બોલી.
૧ પ્રાચીનકાળમાં સુંદર છોકરીઓને વિષકન્યા બનાવવામાં આવતી. આમાં સર્પોનો પણ ઉપયોગ થતો. પ્રથમ વિષકન્યાને માટે માતાના ગર્ભમાં પુત્ર છે કે પુત્રી-એનો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે નિર્ણય થતો, જ્યોતિષશાસ્ત્રના પ્રામાણિક ગ્રંથ મુહૂર્ત-માર્તણ્ડમાં પંડિતપ્રવર નારાયણ દૈવશે લખ્યું છે કે શનિ, રવિ યા મંગળ આમાંથી કોઈ દિવસ હોય : શતભિષા, કૃતિકા અથવા આશ્લેષા-આમાંથી કોઈ નક્ષત્ર હોય : દ્વિતીયા, સપ્તમી યા દ્વાદશી - આમાંથી કોઈ તિથિ હોય, ને બે શુભ ગ્રહ શત્રુક્ષેત્રના થઈને લગ્નમાં હોય અથવા જન્મલગ્નમાં એક બલવાન પાપગ્રહ શત્રુક્ષેત્રનો હોય, લગ્નમાં શનિ બળવાન હોય, સૂર્ય પંચમ સ્થાનમાં હોય, મંગલ નવમામાં હોય, તો આ કન્યા વિષકન્યા થઈ શકે છે. આ વિષકન્યાઓને પ્રસ્વેદ બહુ વળે છે. ને એને સ્પર્શ કરનારના પ્રસ્વેદ સાથે સંપર્ક થતાં તેની અસર થાય છે. અથવા એવી સ્ત્રીના સંપર્કથી ધીમું વિષ પુરુષના શરીરમાં દાખલ થાય છે ને અંગેઅંગ સડી જઈને પુરુષ મૃત્યુ પામે છે.
રાજશાસન-રાજાશાહીના વખતમાં વ્યક્તિના નાશ માટે વિષકન્યા જેવા પ્રયોગો થતા. લોકશાસનમાં વ્યક્તિના બદલે સમૂહનું મહત્ત્વ વધી જવાથી સામૂહિક નાશ અર્થે અણુબૉમ્બ વગેરેની આયોજના થઈ રહી છે. વસ્તુતઃ ભાવરૂપમાં બંને સમાન છે. સત્તા, સંપત્તિ માટે આ પ્રયોગ તરફ માણસની આદિકાળથી આજ સુધી એકસરખી રુચિ રહી છે. માટે જ શું ગૃહસ્થ, શું રાજા કે શું જોગી-સહુ માટે સંયમ ને ત્યાગ તરફ પ્રાચીન ઋષિઓનો ઝોક હતો, સામાજિક સ્વાસ્થ્ય માટે એ જરૂરી હતું.
એ રાતને પ્રભાત ન હોત તો - E 157