________________
૬૫
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ સંસારી-મુક્ત, સ્થાવર અને ત્રસાદિ ભેદવાળો જીવ નામનો પદાર્થ છે એમ તમે જાણો. //૧૫૮ll
વિવેચન - આ પ્રમાણે હે ઈન્દ્રભૂતિ ગૌતમ ! તમે “જીવ છે” એમ સ્વીકારો. તે જીવ કેવો છે ? તેનો ઉત્તર ત્રણ વિશેષણોથી જણાવે છે. ઉપયોગ છે લક્ષણ જેનું એવો જીવ છે. ઉપયોગ એટલે સામાન્ય અને વિશેષ ધર્મોને જાણવાની જ્ઞાનશક્તિ, ચેતનાશક્તિ અર્થાત્ બોધાત્મકશક્તિવિશેષ. આવા પ્રકારની ચેતનાશક્તિ છે લિંગ જેનું તે જીવ છે. જ્યાં જ્યાં જીવ હોય છે ત્યાં ત્યાં અલ્પ અથવા અધિક માત્રાએ ચેતનાશક્તિ હોય જ છે અને જ્યાં જ્યાં જીવ હોતો નથી ત્યાં ત્યાં ચેતનાશક્તિ હોતી જ નથી. તેથી ઉપયોગ અર્થાત્ ચેતનાશક્તિ એ જીવનું લક્ષણ છે.
તથા ગાથા ૧૫૫૪ થી ૧૫૬૩ માં કહ્યા પ્રમાણે જીવ પ્રત્યક્ષપ્રમાણથી સિદ્ધ થાય છે. ગાથા ૧૫૬૪ થી ૧૫૭૬ માં કહ્યા પ્રમાણે જીવ અનુમાનથી સિદ્ધ થાય છે અને ગાથા ૧૫૭૭ થી ૧૫૭૯ માં કહ્યા પ્રમાણે સર્વજ્ઞના વચનસ્વરૂપ આગમપ્રમાણથી જીવ સિદ્ધ થાય છે. આ રીતે પ્રત્યક્ષ-અનુમાન અને આગમ એમ સર્વપ્રમાણોથી આત્મતત્ત્વની સિદ્ધિ થાય છે. તેથી સર્વ પ્રમાણસિદ્ધ એવા આત્મતત્ત્વને તમે સ્વીકારો.
તથા આ જીવના સંસારી અને મુક્ત એમ બે ભેદ છે. જે જીવો કર્મવાળા હોય છે, જન્મ-મરણવાળા હોય છે તે સંસારી કહેવાય છે અને જે જીવો કર્મ વિનાના હોય છે, જન્મ-મરણ વિનાના હોય છે તે મુક્ત કહેવાય છે. સંસારી જીવોના ત્ર-સ્થાવર એમ બે ભેદો છે. સુખ-દુઃખના સંજોગોમાં જે જીવો ઈચ્છા મુજબ હાલે ચાલે તે ત્રસ, અને ગમે તેવાં દુઃખ-સુખ આવે તો પણ પોતાની ઈચ્છા પ્રમાણે ગમનાગમન ન કરી શકે તે સ્થાવર કહેવાય છે તે સ્થાવરના પૃથ્વીકાય-અષ્કાય-તેઉકાય-વાઉકાય-વનસ્પતિકાય એમ પાંચ પ્રભેદ છે. ત્રસના બેઈન્દ્રિય-તેઈન્દ્રિય-ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય ઈત્યાદિ ભેદ-પ્રભેદો છે તથા સૂક્ષ્મ-બાદર-પર્યાપ્તા અને અપર્યાપ્તા ઈત્યાદિ અનેક ભેદ-પ્રભેદવાળો આ જીવ નામનો પદાર્થ છે.
અહીં અનેક ભેદ-પ્રભેદવાળું આ જીવદ્રવ્ય છે એમ કહ્યું એટલે કોઈક વેદાન્તવાદી પ્રશ્ન કરે છે કે - આત્માના ત્રણ-સ્થાવર-મુક્ત-સંસારી-સૂક્ષ્મ-બાદર-પર્યાપ્ત-અપર્યાપ્ત ઈત્યાદિ અનેક ભેદ તમે જે કહો છો તે ખોટા છે. તમારી વાત અસિદ્ધ છે. કારણ કે તે આત્મા સર્વત્ર એકરૂપ જ છે. અમારા શાસ્ત્રમાં કહ્યું છે કે -