________________
૧૯૮ ત્રીજા ગણધર - વાયુભૂતિ
ગણધરવાદ ભવમાં આવતાં સર્વથા નષ્ટ થતો હોય એમ બનતું નથી. આ ભિન્નકાલ આશ્રયીનું ઉદાહરણ જાણવું. તેવી જ રીતે ગુજરાતમાં અથવા માલવ દેશના મધ્યમાં (ઉજજૈણી આદિ નગરીમાં) જન્મ પામીને ૩૦/૩૫ વર્ષનો થયેલો યુવાન પુરુષ, અર્થાદિની પ્રાપ્તિ વગેરેના પ્રયોજનના વશથી મુંબઈ-
દિલ્હી આદિ ગામોમાં અથવા યુરોપ-અમેરિકામાં પણ જાય. છતાં ભૂતકાલીન પોતાના દેશના ચરિત્રને દેશાત્તર જવા છતાં સ્મરણ કરે છે તેથી પોતાના દેશમાંથી દેશાન્તરમાં જતા પુરુષો દેશાત્તરગામી બન્યા છે પણ સર્વથા નષ્ટ થયા નથી, તેમ એક ભવથી બીજા ભવમાં જતા જીવો ભવાન્તરયાયી બન્યા છે. પરંતુ સર્વથા નષ્ટ થતા નથી. અર્થાત્ પર્યાય પલટાવા છતાં પણ દ્રવ્યથી ધ્રુવ છે. અન્યથા = (જો આમ ન માનીએ અને સર્વથા જીવ નાશ પામીને નવો જ આવે છે આમ જો માનીએ તો) જેમ દેવદત્તે અનુભવેલ અર્થ યજ્ઞદત્તને સ્મરણમાં આવતા નથી. તેમ બાલ્ય અવસ્થાનું યુવાવસ્થામાં, ગયા ભવનું આ ભવમાં અને એક દેશમાં અનુભવેલું બીજા દેશમાં સ્મૃતિગોચર થવું જોઈએ નહીં. કારણ કે બન્ને અવસ્થામાં જીવ ભિન્ન-ભિન્ન છે માટે, પરંતુ તેમ થતું નથી તેથી જીવ સર્વથા ક્ષણિક નથી જ, કથંચિત્ અનિત્ય અને કથંચિત્ નિત્ય છે.
જે સર્વથા નષ્ટ થાય છે તે કંઈ પણ સ્મરણ કરી શકતો જ નથી. જેમકે બાળક જન્મ પામતાંની સાથે જ મૃત્યુ પામી જાય છે. તે બાળકે બાલ્યાવસ્થામાં કંઈ કાર્ય કર્યું જ નથી અને તુરત જ મૃત્યુ પામ્યો છે. તેથી તેને નવા ભવમાં આ ભવનું કંઈ સ્મરણ થતું નથી. કારણ કે કંઈ પણ નવો અનુભવ કર્યા વિના જ તે જીવ મૃત્યુ પામ્યો છે. માટે તેને સ્મરણ થતું નથી.
પ્રશ્ન - “આત્મા ક્ષણિક જ છે” એક ક્ષણથી કોઈપણ દ્રવ્ય વધારે સ્થિર રહેતું જ નથી. આમ માનીએ તો શું દોષ ? સ્મૃતિ ન ઘટે એમ નહીં પણ સ્મૃતિ ઘટશે. કારણ કે પૂર્વ પૂર્વ ક્ષણમાં જે જે અનુભવો કર્યા હોય છે તેના તેના સંસ્કારો ઉત્તર ઉત્તર ક્ષણમાં આવે છે, ઉમેરાય છે. તેથી આહિત સંસ્કારવાળા (આવ્યા છે પૂર્વકાલીન ક્ષણના સંસ્કારો જેમાં) એવા ઉત્તરકાલીન ક્ષણો પૂર્વકાલીન અનુભવોનું સ્મરણ કરી શકશે, જેમ પિતાએ પુત્રમાં પોતાના ધંધાના, ઉઘરાણીના, દેવું હોય તો દેવાના અને લેણું હોય તો લેણાના અને માલ ક્યાં છે ? કેટલો છે ? વગેરે સંસ્કારો નાખ્યા હોય છે તો પિતાથી પુત્ર ભિન હોવા છતાં પણ તે પુત્ર તમામ વિષયોનું અનુસ્મરણ કરે જ છે. તેથી શરીરના નાશની સાથે આત્મા પણ ક્ષણિક હોવાથી નાશ પામે જ છે. છતાં પૂર્વેક્ષણ ઉત્તરક્ષણમાં સંસ્કારો નાખતો જાય છે તેથી પ્રાપ્ત સંસ્કારવાળો ઉત્તરક્ષણ પૂર્વક્ષણોનું અનુસ્મરણ કરી શકે છે. માટે આહિત સંસ્કારવાળી ઉત્તર-ઉત્તર ક્ષણ પરંપરા પૂર્વ-પૂર્વ અનુભવેલા વિષયોનું અનુસ્મરણ