________________
ગણધરવાદ
છઠ્ઠા ગણધર - મંડિક
૩૮૫
તેવાં શરીરોની રચના કરે છે. આમ આ દેહની અને તેના દ્વારા થતી કર્મના બંધની પરંપરા અનાદિકાલીન છે. (આ પ્રતિજ્ઞા સમજવી). કારણ કે આ દેહનો અને કર્મોનો પરસ્પર હેતુ-હેતુમદ્ ભાવ છે. (હેતુ એટલે કારણભાવ અને હેતુમ એટલે કાર્યભાવ, અર્થાત્ કારણ-કાર્ય ભાવ છે માટે.) દેહથી કર્મો બંધાય છે અને બાંધેલા કર્મોના ઉદયથી દેહની રચના થાય છે. જેમ બીજમાંથી અંકુરા ફૂટે છે અને તે જ અંકુરાઓમાંથી શાખા-પ્રશાખાફૂલ અને ફળ નીપજવા દ્વારા બીજની ઉત્પત્તિ થાય છે. પુનઃ તે બીજમાંથી (વાવણી દ્વારા) અંકુરા ઉત્પન્ન થાય છે. આમ ધારાવાહી પરંપરા અનાદિની છે, પણ “આદિવાળી” નથી.
આ પરંપરા “આદિવાળી” નથી એટલે મૂલ બે પક્ષોમાંથી પ્રથમ પક્ષનો અને તેના પેટભેદરૂપ “જીવ પહેલો અને કર્મ પછી, કર્મ પહેલું અને જીવ પછી અને બન્ને યુગપ” એવા ત્રણ પક્ષો પાડીને તમે જે ગાથા ૧૮૦૫ થી ૧૮૧૦ માં ખંડન કર્યું છે તે પાણીને વલોવવાની જેમ નિષ્ફળ છે. અર્થાત્ “આદિવાળો” પ્રથમ પક્ષ અને તેના પેટાભેદ રૂપ ત્રણ પક્ષો નૈવર્ત પુર્વ = ઉડી જ જાય છે. પલાયન જ થઈ જાય છે, ટકતા જ નથી, ઘટતા જ નથી. અમે માનતા જ નથી, તેથી તેનો ઉત્તર આપવાનો પણ રહેતો જ નથી. અહીં મૂલગાથામાં “બીજ-અંકુરા”નું એક ઉદાહરણ આપ્યું છે છતાં તેને અનુસારે “કેરી અને ગોટલો”, “મરઘી અને ઈડું”, “રાત્રિ અને દિવસ” વગેરે ઉદાહરણો પણ સ્વયં સમજી લેવાં. આ પરંપરા પણ અનાદિકાલીન છે.
પ્રશ્ન - જો “દેહ અને કર્મનો સંબંધ” અનાદિનો છે. તો તે અનંતકાલ કાયમ રહેશે જ. કોઈનો પણ ક્યારેય મોક્ષ નહીં થાય. આવો બીજા મૂલપક્ષવાળો પ્રશ્ન તો હજુ ઉભો જ રહેશે.
ઉત્તર - આ બીજા મૂલપક્ષના પ્રશ્નનો ઉત્તર ૧૮૧૭ મી ગાથામાં જરૂર કહેવાશે. જે અનાદિ હોય છે તે અનંત હોય છે તેવો નિયમ નથી. અનાદિ હોવા છતાં “પિતાપુત્રની પેઢીની જેમ” તેનો અંત પણ હોઈ શકે છે. તે વાત ૧૮૧૭ મી ગાથાના અવસરે સમજાવીશું.
પ્રશ્ન - દેહ અને કર્મની પરંપરા અનાદિકાલીન છે એમ હે ભગવાન ! તમે સમજાવો છો. પરંતુ તે પરંપરા અનાદિકાલીન છે તે કેવી રીતે સમજવું? આવા પ્રશ્નનો ઉત્તર હવે પછીની ગાથામાં જણાવે છે. ૧૮૧૩.