________________
II અગ્નિભૂતિ નામના બીજા ગણધર || હવે બીજા ગણધર શ્રી અગ્નિભૂતિની સાથે થયેલી પરમાત્માની ધર્મચર્ચા જણાવે
तं पव्वइअं सोउं, बीओ आगच्छइ अमरिसेणं । वच्चामि णं आणेमि, पराजिणित्ता ण तं समणं ॥१६०६॥ (तं प्रव्रजितं श्रुत्वा द्वितीय आगच्छत्यमर्षेण । व्रजाम्यानयामि, पराजित्य तं श्रमणम् ॥)
ગાથાર્થ - તે ઈન્દ્રભૂતિને દીક્ષિત થયેલા સાંભળીને બીજા અગ્નિભૂતિ ક્રોધપૂર્વક ભગવાન પાસે આવે છે અને ત્યાં જતાં જતાં કહે છે કે હું જાઉં છું અને તે શ્રમણનો પરાભવ કરીને (મારા ભાઈને) તુરત પાછો લાવું છું. /૧૬૦૬/l
વિવેચન - ભગવાન શ્રી મહાવીર પ્રભુએ સમજાવેલી યુક્તિઓ વડે અને નજીકમાં જ કલ્યાણ થવાની ભવિતવ્યતા બહુ જ પાકી ગઈ હોવાથી શ્રી ઈન્દ્રભૂતિ પ્રભુથી પ્રભાવિત થયા. પ્રભુ પ્રત્યે અહોભાવવાળા અને પૂજ્યભાવવાળા બન્યા તથા વૈરાગ્ય પામ્યા અને દીક્ષિત થયા. આ વાત જતા-આવતા લોકો વડે તેમના બીજા ભાઈઓએ સાંભળી. તેઓના મનમાં પ્રથમ તો ઘણું જ આશ્ચર્ય થયું. મારો ભાઈ કોઈનાથી પરાભવ પામે નહીં અને આ શું થયું? બોલવા-બોલવામાં કોઈ શબ્દથી મારો ભાઈ બંધાઈ ગયો હશે અને પરાભવ પામ્યો હશે એમ લાગે છે. તથા સામે પણ આ કોઈ મહાધૂતારો ઠગવિદ્યામાં કુશલ શ્રમણ આવ્યો હોય એમ લાગે છે. તેઓની વચ્ચે જે કંઈ ધર્મચર્ચા થઈ હશે તે તો હવે તેઓ જ જાણે. હું જો ત્યાં હાજર હોત તો મારા ભાઈનો પરાભવ ન થવા દેત. છતાં હવે હું તુરત ત્યાં જાઉં છું અને તે ધૂતારા શ્રમણનો પરાભવ કરીને મારા ભાઈને પાછો લઈને તુરત આવું છું. આવા પ્રકારના રોષ અને અભિમાનપૂર્વક શિષ્યો દ્વારા બિરૂદાવલી બોલાવતા બોલાવતા આકુળ-વ્યાકુલ ચિત્તવાળા અગ્નિભૂતિ પરમાત્માના સમવસરણ તરફ આવે છે. મૂલમાં આ શબ્દ વાક્યાલંકારમાં છે.
ભગવાનના સમવસરણ તરફ આવતાં મનમાં અનેક પ્રકારના તર્ક-વિતર્કો ચાલી રહ્યા છે. મારા મોટા ભાઈ ઈન્દ્રભૂતિ ગજરાજ જેવા કોઈ મોટા વાદીથી પણ હારે નહીં