________________
૧૭૮ ત્રીજા ગણધર - વાયુભૂતિ
ગણધરવાદ અભિન્ન માનવામાં આવે તો તેવા પ્રકારનો તે દેવદત્ત બારી (ગવાક્ષ) સ્વરૂપ થશે. અને જો એમ થાય તો તે કોઈપણ એક વિષયનું જ સ્મરણ કરી શકે. પણ પાંચેનું સ્મરણ ન કરી શકે. તેથી અભિન માનવામાં તે દેવદત્ત પણ એક ગવાક્ષ માત્ર (એ પણ એક પ્રકારની બારી) જ છે એમ માનવાનો પ્રસંગ આવે. અર્થાત્ બારીઓ દ્વારા વિષયને જાણનારાને જો બારીઓથી અભિન માનો તો તે પણ એક બારી જ છે એવો અર્થ થશે. પણ આવું નથી. આવા પ્રકારની તમને બાધા (દોષ) આવશે.
પ્રશ્ન - ભૂતોની બનેલી ઈન્દ્રિયો જ વિષયને જાણે છે એમ માનીએ પણ તે ઈન્દ્રિયો દ્વારા ઈન્દ્રિયોથી ભિન્ન એવો આત્મા જાણે છે એમ ન માનીએ તો શું દોષ ?
ઉત્તર - જો ઈન્દ્રિયો જ જાણનારી હોય, તો ઈન્દ્રિયો દ્વારા વિષય જાણ્યા પછી ઈન્દ્રિયો ચાલી જાય અથવા ઈન્દ્રિયનો વ્યવહાર ન હોય તો પણ તે જાણેલા વિષયનું જે અનુસ્મરણ થાય છે તે ઘટે નહીં. કારણ કે જે ઈન્દ્રિય જાણનારી હતી તે તો ચાલી જ ગઈ. હવે તેનું સ્મરણ કોને થાય ? આંખે જોયેલું રૂપ આંખ બંધ કર્યા પછી કોને સ્મરણમાં આવે ? અને સ્મરણ તો થાય છે. માટે આંખ જોનારી નથી. પરંતુ આંખ દ્વારા દેવદત્ત જોનારો છે તથા ઈન્દ્રિયોનો વ્યવહાર ચાલુ હોય, છતાં પણ ક્યારેક વિષય જણાતો નથી. જેમકે આંખ ખુલ્લી હોય, વિષય સામે જ હોય છતાં જીવનો ઉપયોગ બીજે હોય તો વિષય જણાતો નથી. ત્યાં જો ઈન્દ્રિય જ જાણનારી છે આમ માનીએ તો વિષય જણાવો જોઈએ. પણ જણાતો નથી. માટે ઈન્દ્રિય પોતે જાણનારી નથી. પરંતુ ઈન્દ્રિયો દ્વારા આત્મા જ જાણનારો છે. તેથી ભૂતાત્મક જે શરીર કે ઈન્દ્રિયો છે તે આત્મા નથી. પરંતુ સ્વતંત્ર અને તેનાથી ભિન્ન એવો આત્મા છે. ll૧૬૫૭ll
ભૂતોથી ભિન્ન એવા આત્માની સિદ્ધિ માટે બીજાં અનુમાન પણ સમજાવે છે. तदुवरमे वि सरणओ, तव्वावारे वि नोवलंभाओ । इंदियभिन्नस्स मई, पंचगवक्खाणुभविणोव्व ॥१६५८॥ (तदुपरमेऽपि स्मरणतस्तद्व्यापारेऽपि नोपलम्भात् ।
इन्द्रियभिन्नस्य मतिः, पञ्चगवाक्षानुभविन इव ॥)
ગાથાર્થ - ઈન્દ્રિયોનો ઉપરમ થવા છતાં પણ વિષયોનું સ્મરણ થાય છે માટે, તથા ઈન્દ્રિયોનો વ્યાપાર ચાલુ હોવા છતાં પણ (ઉપયોગ ન હોય ત્યારે) બોધ થતો નથી. માટે, આ બન્ને હેતુથી ઈન્દ્રિયોથી ભિન્ન એવા આત્મતત્ત્વને જ બોધ થાય છે. પરંતુ ઈન્દ્રિયોને બોધ થતો નથી. જેમકે પાંચ બારી દ્વારા અનુભવ કરનારો દેવદત્ત. /૧૬૫૮ll