________________
૧૧૧
ગણધરવાદ
બીજા ગણધર - અગ્નિભૂતિ દષ્ટફળવાળી છે. તેની જેમ દાનાદિ ક્રિયા પણ ફળવાળી ભલે હો, પરંતુ પ્રત્યક્ષ દેખાતા મનની પ્રસન્નતા અને હર્ષ-આનંદાદિ ફળ સ્વરૂપ દૃષ્ટફળવાળી જ માની લોને ? શા માટે અષ્ટ એવા કર્મલક્ષણ ફળને માનવું ? તેવા પ્રકારના અદષ્ટ ફળને માનવાની શી જરૂર ? એવી જ રીતે હિંસાદિ ક્રિયાનું મનનો આનંદ-તાડન-કારાવાસ-લોકનિંદા આદિ દષ્ટફળ જ છે પરંતુ પાપબંધ રૂપ અદૃષ્ટફળ માનવાની શી જરૂર ? તેથી દાનાદિ શુભ ક્રિયા અને હિંસા આદિ અશુભ ક્રિયા એ પણ ક્રિયા હોવાથી ખેતીની ક્રિયાની જેમ જરૂર ફળવાળી તો છે જ. પરંતુ દષ્ટ ફળવાળી છે આમ જ માનોને ? અદૃષ્ટ એવા કર્મફળને આપનારી છે આમ માનવાની શી જરૂર ? આ રીતે તમારો આ હેત દેખકળ હોવા છતાં તેનાથી વિરુદ્ધ એવા અદૃષ્ટ ફળની જે કલ્પના કરે છે તેના કારણે તમારો આ હેતુ વિરુદ્ધ છે.
ઉત્તર - તમારો પ્રશ્ન ઠીક છે. ધારો કે દાનાદિ ક્રિયાનું પ્રત્યક્ષ દેખાતું એવું મનની પ્રસન્નતા આદિ સ્વરૂપ દષ્ટફળને જ ફળ માનીએ અને હિંસા આદિ અશુભ ક્રિયાનું મનનો આનંદ આદિ દૃષ્ટફળ માનીએ તો તે પ્રથમ ક્રિયામાં થતી મનની પ્રસન્નતા અને બીજામાં થતો મનનો આનંદ એ પણ એક પ્રકારની માનસિક ક્રિયાવિશેષ છે. એટલે કે તે ક્રિયાનું પણ કંઈક ફળ હોવું જોઈએ. તેનું જે ફળ છે તે જ કર્મ છે. આ રીતે જેમ ખેતીની ક્રિયા એ ક્રિયા છે, દાનાદિની ક્રિયા એ પણ ક્રિયા છે અને હિંસાદિની ક્રિયા એ પણ ક્રિયા છે તેથી તેનાં ફળો અનુક્રમે ધાન્યની પ્રાપ્તિ, મનની પ્રસન્નતા અને મનનો આનંદ-હર્ષ વગેરે ફળ છે. તેવી જ રીતે મનની પ્રસન્નતા અને મનનો આનંદ આ પણ એક પ્રકારની ક્રિયા જ છે તેથી તે ક્રિયાનું પણ અવશ્ય કંઈક ફળ હોવું જોઈએ તે ક્રિયાનું જે ફળ છે તે જ પુણ્યપાપ નામનું કર્મ છે. તેથી કોઈપણ જાતનો વ્યભિચારદોષ આ બાબતમાં આવતો નથી.
દાનાદિ શુભ ક્રિયા કરવાથી મનની પ્રસન્નતા થાય છે અને તે મનની પ્રસન્નતાથી પુણ્યકર્મ બંધાય છે. તેના ઉદયથી જીવને સુખની પ્રાપ્તિ થાય છે. આ જ પ્રમાણે હિંસાદિ ક્રિયા કરવાથી મનનો હર્ષ, તેનાથી પાપકર્મનો બંધ અને તેનાથી દુઃખની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે દાનાદિ ક્રિયાથી બંધાયેલ જે પુણ્યકર્મ અને હિંસાદિ ક્રિયાથી બંધાયેલ જે પાપકર્મ છે તે કર્મોનું ફળ સુખ અને દુઃખનો અનુભવ થવો તે છે. જે જે કર્મો જ્યારે જ્યારે ઉદયકાળને પામે છે ત્યારે ત્યારે તે તે કર્મો આ જીવને સુખનો અને દુઃખનો અનુભવ કરાવવા રૂપ ફળને આપનારાં બને છે. વળી તેનાથી (એટલે કે સુખ-દુઃખના અનુભવથી) રાગ-દ્વેષ કરવા દ્વારા આ જીવ નવાં નવાં કર્મો બાંધે છે. આમ વારંવાર કર્મ બાંધતાં અને તેનું ફળ ભોગવતાં જીવોનો સંસાર ચાલે છે.