________________
0.
અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર હો ! નમસ્કાર હો ! નમસ્કાર હો !
ચલાવો મોક્ષને માર્ગે. ભેદો કર્મગિરિ મહા; જણાવો વિશ્વનાં તત્ત્વો, વંદું એ ગુણ પામવા.
પરમ વીતરાગી, અસંગસંગી. સર્વગુણસંપન્ન, પરમોપકારી, પરમકૃપાળુદેવની પવિત્ર ચરણકમળની રજમાં આ અધમ નિગુણા નિર્લજ્જ બાળકનું શિર સદાય નમ્રીભૂત રો ! અનંત કરુણાધન આ રંક હૃદયને ભાવદયાથી સદાય આર્દ્ર કર્યા કરો ! આપની અમૃતમય વાણીના સિંચનની ધારા અખંડિત નિરંતર ઝરણારૂપે મુજ મનના માર્ગમાં વહ્યા કરો !
અહો પ્રભુ ! આ બાળકે અનેક સંકલ્પો કર્યા અને અનેક તરંગોમાં તણાઇ ગયો, પણ આપના ચરણનું શરણ એક આધારરૂપ છે અને પતંગ ગમે તેટલે ઊડે પણ ઉડાવનારને ખેંચવો હોય ત્યારે ખેંચાઇ આવે તેમ હે પ્રભુ ! તારા કરકમળમાં મારી વૃત્તિરૂપી પતંગનું ભક્તિરૂપ દોરથી દૃઢ બંધન હો !
સર્વ સંકલ્પ-વિકલ્પથી પર પરમાત્મા ! નિસ્તરંગ સમુદ્રની ગંભીર શાંતિના સ્વામી ! અનંત વીર્યવંતા છતાં એક નિશ્ચલ સ્વસ્વરૂપ પરિણામી નાથ ! તારા અનંત ગુણના વારસાને યોગ્ય આ ઇચ્છાવંત બાળક બને, જ્ઞાતપુત્ર નીરાગી, નિઃસ્પૃહ પરમાત્મા સિવાય કંઇ ઇચ્છે નહીં એમ કર.
: સહજાત્મસ્વરૂપ પરમગુરુ :
અનંત કીર્તનનું કીર્તન, પરમ શુદ્ધ સ્વરૂપનું વર્ણન અને સર્વ સ્તોત્રોનો સાર હે પરમ કૃપાળુ ! તેં આ મહામંત્રમાં પૂર્યો છે. અલ્પમતિ અને અનેક આવરણને લઇને તે ઊકલતો નથી પણ અવશ્ય તે જ સંસા૨થી તારી સર્વોત્તમ પદમાં સ્થિતિ કરાવશે એવી અતૂટ શ્રદ્ધા વૃદ્વિગત થતી જાય છે, એ જ તારી સમીપ આવવાનું સાધન અને નૌકાનો શઢ દૂરથી દેખાય તેવું આશાકેન્દ્ર છે.
સર્વ હિંસા ટાળનાર એવું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જે અવિનાશી પરમપદ તેની સ્મૃતિ અમરતા અર્પણ કરનાર છે, તે સહજાત્મસ્વરૂપ પરમગુરુ પદ પ્રથમ અહિંસાવ્રતનો આધાર છે. જડભાવે જડ પરિણમે, ચેતન ચેતનભાવ; કોઇ કોઇ પલટે નહિ, છોડી આપ સ્વભાવ.'' આ વચનામૃતમાં મરણની ભીતિને ભાંગી નાખી હે પ્રભુ ! આપે અભયપદ અર્ધું છે. એ ભાવ દૃઢ થયે મરણપ્રસંગે પણ ચિત્તમાં ક્ષોભ થવો ઘટતો નથી અને એ જ ખરેખરી અહિંસા છે. જો મરણપ્રસંગે પણ ક્ષોભ ન થાય તો તેથી ઓછાં દુઃખકર અને રાત્રિના સ્વપ્ન જેવાં બીજાં દુઃખ તો નજીવાં છે, આંખ ઊઘડતાં વિલય થાય તેવાં છે, તેમાં પરમ સહનશીલતા આપની પ્રસાદીથી પ્રાપ્ત થવા યોગ્ય છે.
સ-અસત્ને સમજાવી સત્યસ્વરૂપમાં સ્થિર કરવામાં સમર્થ એવો આ મહામંત્ર, બીજું સત્ય મહાવ્રત, તેનું મૂળ છે. જે જે શુદ્ધ સહજ આત્મસ્વરૂપ પરમગુરુની ભાવનાથી રહિત છે તે સર્વ વિભાવભાવવાળું અથવા અસત્ય અને મિથ્યા છે તો જેની નિરંતર વૃત્તિ આ મહામંત્રમાં રોકાઇ હોય તે સત્યમૂર્તિ કહેવા યોગ્ય છે. જેટલું આ સહજાત્મસ્વરૂપની સન્મુખ રહેવાતું નથી તેટલું અસત્ય પ્રવર્તન છે. જૂઠેજૂઠું જગત કુટાય છે અને ખરું મરણ કે ખરી હિંસા વા આત્મઘાત પણ એ જ છે. હે પ્રભુ ! આ આત્મધાત અને અસત્ય સ્થાનમાંથી તારે આશરે બેઠેલા આ બાળકનો ઉદ્ધાર કરી તારા સત્યસ્વરૂપમાં નિરંતર ટકી રહેવાય તેમ સ્થાપજે.