________________
૫
લાગણી સાથે ત્રિકરણયોગે આજ સુધી થયેલા અપરાધ, આશાતના, અવિનય, અભક્તિની ક્ષમા યાચી તુજ ચરણકમળમાં મસ્તક મૂકી સાષ્ટાંગ દંડવત્ નમસ્કાર આ અજ્ઞ બાળ કરે છે તે સ્વીકારી કૃપાદૃષ્ટિ કરશોજી.
હે પ્રભુ ! કેટલી વિપરીતતા ! અનાદિથી આમ ને આમ જ ભૂલ ચાલી આવી છે. એક દેહ અને ઇન્દ્રિયોની ૨મતમાં જ આ જીવ પોતાને ભૂલી, નશ્વર વસ્તુમાં જ મોહ્યો ! ‘‘તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય.’' ‘‘આવે જ્યાં એવી દશા'' એ દશાય આવી નહીં, અને બોધેય પામ્યો નહીં તો વિચારણા ક્યાંથી આવે ? અનંતકાળ ગયો છતાં આ જીવ જાગ્યો નહીં, તો કુંભકર્ણની નિદ્રાનો ક્યાં ધડો રહ્યો ? આકાશમાં વાદળાં આવતાં હોય અને તેમાં જુદાં જુદાં પ્રાણીના આકાર બનતા હોય તે જોઇને છોકરાઓ વહેંચી લે કે પેલો ધોડો મારો અને પેલું ઊંટ તારું, અને પવનથી અફળાતાં વાદળાં બદલાઇ બીજાં રૂપ કરે તેને અવલંબીને છોકરાં કાળ ગાળે, કંકાસ કરે, લડી મરે; તેમ આ ઇન્દ્રિયોના વિષયોમાં હે પ્રભુ ! મારું, તારું, સારું, નરસું, ઘણું, ઓછું, આદું, પાછું કરી, આ જીવ કર્મના પોટલાં બાંધી મિથ્યા ભ્રમણમાં મોહ કરી રહ્યો છે, દુઃખનાં કારણોથી હજી ત્રાસ પામતો નથી, ઝેરને ઝેર જોતો નથી તો તેને વૈરાગ્ય, ઉદાસીનતા, નિજાનંદ, સહજ દશાનો સ્વાદ ક્યાંથી આવે ?
આ દેહને સુરક્ષિત રાખવાને અને ત્રાસથી મુક્ત થવાને એકેન્દ્રિયથી પંચેન્દ્રિય પ્રાપ્ત કરવા સુધીનો શ્રમ આ જીવે ઉઠાવ્યો. જો જીભ હોય તો જીવનને હાનિ કરતાં દ્રવ્ય તપાસી દૂર થાય એ ઇચ્છાએ જીભ પ્રાપ્ત કરી ત્યાં પોતાની પરીક્ષકશક્તિ તો ક્યાંય એક બાજુ રહી અને ઇન્દ્રવરણા જેવા પરિણામે દુઃખદાયક એવા સ્વાદના વિલાતની ગુલામગીરી વળગી. ત્રસપણું પ્રાપ્ત થયું તે જીભની ગુલામી ઉઠાવવામાં જ ગયું, અને નાની નખલી જેમ વીણાને ધ્રુજાવ્યા કરે તેમ ભય અને લોભથી ભવોભવ જીભ જીવને ધ્રુજાવતી જ રહી.
ઇચ્છારૂપી અગ્નિ ઇન્દ્રિયોના વિષયરૂપી દારૂગોળા સાથે ભળતાં જીવના સહજ સુખનો નાશ થવામાં શી વાર લાગે ? હે પ્રભુ ! આ પ્રથમ સ્પર્શેન્દ્રિય તો સદાની વળગેલી છે અને તેને મદદગાર આહાર તેમાં અનિયમિતપણું કરાવનાર જિન્ના છે. ‘તે સર્વ ઇન્દ્રિયોમાં પ્રથમ વશ કરવા યોગ્ય છે.' એ તારો ઉપદેશ કલ્યાણકારી છે અને તેને અનુસરવા ઇચ્છા થતાં શું કરવું ? કેમ કરવું ? તે વિચાર આપની આજ્ઞા માટે રજુ કરું છું. આ ઝાડ જેવા શરીરમાં આ જીભ જ ધણી વાર ઇચ્છાને અનિયમિત નિરંકુશપણે બહેકાવી દે છે. જિહ્ના જેમાં રસ લેવા લાગે તે પદાર્થો રોગનું કારણ છે તે રૂપે ચિતવવું કે તેને તુચ્છ ગણવા કે આહાર અટકાવવો કે ચોર પકડાય ત્યારે તેને શિક્ષા કરવી કે સમજાવવો ? પણ જીભ ઉપર જાગૃતિનો પહેરો તો જરૂર રાખવો કે તેની પ્રવૃત્તિ લક્ષ બહાર ન જાય તે ચિંતવવું; પણ ઊંઘમાંય આહારસંજ્ઞા, સ્વાદલોલુપતા તો કામ કર્યા કરે છે તેનું કેમ કરવું ? પ્રથમ જાગૃતિમાં જોર કરવું. ‘હિંમતે મરદા તો મદદે ખુદા.' તું ક્યાં દૂર છે ? આવો પ્રત્યક્ષ પરચા પૂરતો હાજરાહજૂર દેવ છતાં હવે વિજયની શંકા શી ? સમયે સમયે ચેતાવનાર ચતુરશિરોમણિ રાજરાજેન્દ્ર, આપના ચરણમાં નિરંતર પ્રવાહરૂપ મારી અખંડિત લક્ષની ધારા વહ્યા કરો.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ (બો-૩, પૃ.૨૨, આંક ૭)