________________
૪
‘અકર્મીના પડિયા કાણા' એમ કહેવત છે, તેમ હે નાથ ! આપના આશ્રિતોની અને તે દ્વારા આપની આ અપાત્ર બાળક ઉપર આટલી બધી કરુણા અને સમતા પ્રેરક મમતા છતાં આ અભાગિયા જીવનો પ્રમાદ, મોહનિદ્રા દૂર થતી નથી એ જ ખેદકારક છે !
પૂજ્યપાદ સ્વામી શ્રી મોટા મહારાજના (પ્રભુશ્રીજીના) દર્શનાર્થે પ.પૂ. સ્વામીશ્રી રત્નરાજ ફાગણ સુદ ચોથને શનિવારને દિવસે અત્રે પધારેલ છે. તેમના સમાગમમાં ઘણું સાંભળવાનું, સમજવાનું નિમિત્ત બને છે પણ સ્મૃતિદોષથી તે અવધારી શકાતું નથી. પણ હે કૃપાળુ ભગવાન ! તારી અને તારા આશ્રિતોમાંના કોઇની આશાતના, અવિનય, અભક્તિ, અબહુમાનપણું આદિ દોષોમાં આ ભારેકર્મી આત્મા ન આવી જાઓ એ અવશ્ય ઇચ્છું છુંજી. આ અપાર અને અનાદિકાળના પરિભ્રમણનો હવે અંત આવો અને તારા અચળ વિમળ આનંદપૂર્ણ અનંતપદમાં પ્રવેશ કરવાની તક પ્રાપ્ત થાઓ ! એ સિવાય સર્વ ઇચ્છાઓનો નાશ થાઓ !
સર્વ આગ્રહથી રહિત, અગમ્ય અકથ્ય શાંતસ્વરૂપ પરમ પ્રગટ થઇ તેમાં જ તન્મયતા રહો ! એ જ હેતુથી એ જ સાધનામાં સહાય કરે તેવી ચર્યા અહોરાત્ર રહો ! તારી કરુણા, તારા શુદ્ધ સ્વરૂપ અને આનંદપૂર્ણતાનું મારામાં સામર્થ્ય આવો અને બાવીસ પરિષહ માંહેના સ્ત્રીપરિષહને જીતવાનો મારો પ્રયત્ન સંપૂર્ણ સફળ થાઓ ! માયાજાળ કહો, અનાદિ અધ્યાસ કહો કે સંસારનું મૂળ કહો પણ ચિત્તની વૃત્તિ જ્યાં રહેવી જોઇએ ત્યાંથી ડગાવનાર ખુલ્લા દીવાને પવનના ઝપાટા જેવી સ્ત્રીની મૂર્તિ છે. તેનું અવલોકન, શબ્દશ્રવણ, વાર્તાલાપ આદિથી પણ હ્દય અડોલ અકંપ રહે, ફાનસના કાચથી દીવો સુરક્ષિત રહે તેમ તારું સ્મરણ નિરંતર મારી ચોમેર રક્ષણ કરતું રહો ! સર્વ વસ્તુ ભુલાઇ જાઓ ! જે કદી દૂર નથી તે સત્સ્વરૂપનો સદાય ઉપયોગ અખંડિત પ્રવાહરૂપે નિરંતર નિશદિન પ્રગટ પરમ જાગ્રત રહો !
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ (બો-૩, પૃ.૨૧, આંક ૬)
અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર હો ! નમસ્કાર હો ! નમસ્કાર હો !
अहो ! अज्ञान क्षेत्रेभ्य उखाता प्रतिरोपिताः । भक्तिपूर्णजलक्षेत्रे शिष्यास्ते कलमा ईव || અજ્ઞાનના ધરુવાડિયેથી ઉપાડી તુજ શિષ્યને, તેં ભક્તિજલ ભરપૂર ક્યારીમાં ફરી રોપ્યા હવે; ત્યાં પોષ પામી પ્રેમનો ગુણ કણસલાં ભારે નમે, પરિપક્વતા પામી પ્રકાશે હેમમય કરી ક્ષેત્ર તે.
અજ્ઞાનથી અંધ થયેલા આ દીન શિષ્યને દોરનાર અને ધન્વંતરિ સમાન દિવ્યચક્ષુ-વૃષ્ટિ દઇ અમિત ઉપકાર કરનાર આ અસાર ભવસમુદ્રમાંથી ઉપાડી ક્ષીરસાગરના નીરને વિસારી દે તેવી મધુર અલૌકિક વાણી વર્ષાવનાર ગગનવિહારી દેવ ! આ પામરની રમત તરફ પિતાતુલ્ય નજર કરી, તેની બાળક્રીડાભરી લાગણી અને તારા માર્ગ તરફ મોં ફેરવી આતુરતાથી જોનાર આ હૃદયની