________________
૧: પ્રાસ્તાવિક
૪) મથુરા શૈલીનાં ઘણાંખરાં શિલ્પો ભરહુત જિલ્લાની ખાણોના ક્ષારવાળા લાલ રવાદાર પથ્થરના બનેલાં છે.
૫) ગંધાર શિલ્પોનો પથ્થર અફઘાનિસ્તાનની સ્વાતની ખીણમાંથી લવાયો છે. આ પથ્થર સ્લેટ જેવા ભૂખરા રંગનો (blue slate) તેમજ પારેવા (schist) પથ્થરની જાતને છે. પારેવા પથ્થર અફઘાનિસ્તાન ઉપરાંત પૂર્વ ગુજરાત તેમ જ માળવાના પ્રદેશમાંથી મળી આવે છે. ગુજરાતમાં બહુ પ્રસિદ્ધિ પામેલ, શામળાજી, ડાકોરજી, દ્વારકાધીશ વિગેરે મંદિરોની મુખ્ય મૂર્તિ પારેવા પથ્થરની બનેલી છે. આ પથ્થર કોતરવામાં નરમ પણ વજનમાં સીસા જેવો ભારે હોય છે. વળી તેને લીલાશ પડતો રંગ ધી જેવા ચીકણા પદાર્થ દ્વારા તદ્દન કાળા રંગમાં પલટાવી શકાય છે.
૬) કુષાણકાલીન કેટલાંક શિલ્પમાં સ્લેટિયા રંગને આછા ભૂરાશ પડતા રંગને પોચો પથ્થર (soft stone) વપરાયેલો જોવા મળે છે. આ પથ્થર ઘણું કરીને વાયવ્ય સરહદની ખાણોનો છે.
૭) ગુપ્તકાલીન શિલ્પોમાં કાળી આછી છાંટ વાળો સફેદ પથ્થર વપરાયેલો છે, જે ઉત્તર પ્રદેશમાં મોટા પ્રમાણમાં મળે છે.
૮) ઉત્તર ભારતમાં ૭મી સદીથી ઘણેઅંશે સફેદ પથ્થરનાં શિલ્પો બનવા માંડયાં. આ સાદો રેતિયો પથ્થર બિહાર અને બંગાળની પાલ શૈલીનાં શિલ્પોમાં મોટે ભાગે વપરાયેલો જોવામાં આવે છે. ઉલટ પક્ષે દક્ષિણ ભારતનાં શિલ્પ તનકાળા પથ્થરનાં બનેલાં છે. આ પથ્થરને અંગ્રેજીમાં basalt તરીકે ઓળખવામાં આવે છે.
૯) ગુજરાત અને રાજસ્થાનનાં શિલ્પ સફેદ કે લાલ રેતિયા પથ્થરનાં છે. આ પથ્થર સ્થાનિક ખાણોના છે. વળી કેટલાંક શિલ્પ શ્વેત આરસ પથ્થરનાં બનેલાં પણ છે. એની ખાણો આબુ અને જોધપુર પાસે મકરાણામાં આવેલી છે.
ભારતમાં શિલ્પો બનાવવાની એક બીજી પ્રાચીન પરંપરા અસ્તિત્વમાં હોવાનું જણાય છે. પથ્થર અગર માટી પર ચૂના વગેરેનું પ્લાસ્ટર કરી તેમાં મૂર્તિઓ કોતરી કાઢવામાં આવતી. આ પ્રકારની મૂર્તિઓને “પ્રસ્તર' મૂર્તિ તરીકે ઓળખવામાં આવતી. આ પરંપરા ઘણી પ્રાચીન હોવાનું જણાય છે. કારણ કે હડપ્પા અને મોહેજો-દડોમાંથી આવી ઘણી મૂર્તિઓ મળી આવે છે. શિશુનાગ વંશના અજાતશત્રુ અને તેના ભત્રીજા ઉદાયી તથા પુત્ર નંદિવર્ધનની આવી પ્રસ્તર મૂર્તિઓ મળી આવી છે. અશોકના ધર્મલિપિવાળા તંભે આ પ્રસ્તર કલાના સુંદર નમૂના છે.