________________
પદોની ભાવવાહી વાણીમાં ભક્તિ અને વૈરાગ્યના ઉલ્લાસની છોળો ઊછળે
છે. સ્તવનોમાં અનુભવી ભક્ત ને શાસ્ત્રજ્ઞની વાણી છે, તો પદોમાં કવિની વાણી છે. સ્તવનોમાં વિચારગાંભીર્ય છે, તો પદોમાં પરમતત્ત્વ સાથેના અનુસંધાનનું ઊછળતું આનંદસંવેદન છે. સ્તવનની ભાષા જૈન પરિભાષાનો લિબાસ ધરાવે છે, તો પદોમાં પ્રેમલક્ષણા ભક્તિનો ઉદ્ગાર સંભળાય છે. સ્તવનમાં જૈન શાસ્ત્રની દૃષ્ટિએ આલેખાયેલા આત્મજ્ઞાનવિષયક વિચારો છે, જ્યારે પદોમાં શાસ્ત્ર કે સિદ્ધાંતના વર્તુળને ઘણુંખરું દૂર રાખી હૃદયમાંથી નીકળતા સહજ આનંદાનુભવના ઉદ્ગારો ઝિલાય છે.
સ્તવનમાં ઠરેલ જ્ઞાનીની સ્વસ્થતા છે, તો પદમાં મરમી સંતના હૃદયની વેદના છે; જોકે ગહન અનુભૂતિનો સ્પર્શ તો બંનેમાં છે. રસિકતા અને ચોટદાર આલેખનની દૃષ્ટિએ આનંદઘનનાં પદો સ્તવનોના મુકાબલે ઊંચું સ્થાન ધરાવે છે. આનંદઘનનાં સ્તવનો જૈન પરંપરામાં ગૌરવભર્યા સ્થાને બિરાજે છે, તો આનંદઘનનાં પૌ બીર, નરસિંહ અને મીરાંનાં પદોની હારમાં બેસે તેવાં છે, આનંદઘનનાં સ્તવનો પર ગુજરાતી ભાષાનો ઢોળ ચડાવેલો દેખાય છે, જ્યારે પદોનું કાઠું અને છટા મુખ્યત્વે રાજસ્થાની ભાષાનાં દેખાય છે.
સ્તવનો અને પદોનાં વસ્તુ, ભાવ, વિચાર અને આલેખનની આ ભિન્નતાને કારણે સ્વાભાવિક રીતે જ પ્રશ્ન થાય કે આનંદઘનજીએ પહેલાં સ્તવનો રચ્યાં હશે કે પદો ? આ અંગે આચાર્ય શ્રી બુદ્ધિસાગરસુરીશ્વરજી, મુનિ જિનવિજયજી અને શ્રી અગરચંદજી નાહટાનો મત એવો છે કે આનંદઘનજીએ પહેલાં સ્તવનો અને પછી પદો રચ્યાં હશે, જ્યારે શ્રી મોતીચંદ કાપડિયાને મતે પહેલાં પદો રચાયેલાં અને પછી સ્તવનો.
:
આનંદઘનજીએ પહેલાં સ્તવનો રચ્યાં એવા પોતાના મંતવ્યના આધારરૂપ શ્રીમદ્ બુદ્ધિસાગરસુરીશ્વરજી કહે છે : “શ્રીમદ્ની રચેલી ચોવીશી અને પદો છે, તેમાં જે આદ્ય ઠરે તેના અનુમાને જન્મદેશના નિર્ણય ઉપર આવી શકાય. શ્રીમદે પહેલી ચોવીશી રચી એમ કેટલાંક અનુમાનોથી સંભાવના કરી શકાય છે. તે સમયમાં ચાલતી એવી ગુજરાતી ભાષાના શબ્દોમાં તેમણે ચોવીશી રચેલી છે. તે સમયના ગુર્જર ભાષાના સાક્ષરોએ જે ગુજરાતી ભાષાના શબ્દો વાપર્યા છે તે શબ્દો, શ્રીમદ્ભા હૃદયની સ્ફુરણા સાથે પરિણત થયા છે.... અનુમાન પર આવીએ તો ગુર્જર દેશના હોવાથી તેમણે પહેલી ગુર્જર ભાષામાં ચોવીશી રચી અને પશ્ચાત્ હિન્દુસ્તાન, મારવાડ વગેરે દેશના લોકોના ઉપયોગાર્થે તેમનાથી વ્રજ ભાષામાં આત્મા અને સુમતિ વગેરે પાત્રના ઉદ્ગારોમય પદો બન્યાં હોય, ગુર્જર દેશમાંથી મારવાડ અને મહાયોગી આનંદઘન
54
મેવાડ તરફ તેમનો વિહાર થતાં એ તરફના વિદ્વાનોની પેઠે હિન્દુસ્થાની-મિશ્રિત ભાષામાં, પદોના ઉદ્ગારો કાઢ્યા હોય એવું અનુમાન કરી શકાય છે. જોકે આ અનુમાન આનંદઘન ગુજરાતના વતની હતા એ અનુમાન પર આધારિત હોવાથી કેટલું વિશ્વાસપાત્ર ગણાય તે પ્રશ્ન છે.
મુનિશ્રી જિનવિજયજીએ એક પ્રત્યક્ષ મુલાકાતમાં આ અંગે કહ્યું હતું કે આનંદઘન બાવીસીમાં જૈન તિની શરૂઆતની દૃષ્ટિ દેખાય છે. એમાં એમની ધર્મનિષ્ઠા પ્રગટ થાય છે, પરંતુ એ પછી એમની દૃષ્ટિ વ્યાપક બની તેનું પ્રતિબિંબ પદોમાં પડે છે. પદો અને સ્તવનોનું વક્તવ્ય તપાસતાં આ મંતવ્ય સતર્ક લાગે છે, પરંતુ તેના સમર્થનમાં કોઈ નક્કર પ્રમાણ મળતું નથી.
શ્રી અગરચંદજી નાહટા પણ માને છે કે સ્તવનો એમના અધ્યાત્મ-અનુભવની પ્રાથમિક દશામાં રચાયેલાં અને પદ્મ પક્વ વયે ઉત્તરકાળમાં રચાયેલાં પ્રતીત થાય છે. પદોમાં તેઓ સાંપ્રદાયિકતાથી ઘણા ઉપર ગયેલા પ્રતીત થાય છે, જે સ્તવનોમાં નથી.
આનંદઘન સગુણ ભક્તિમાંથી નિર્ગુણ ભક્તિ તરફ વળ્યા એમ દર્શાવવા માટે કેટલાંક સ્તવનોને પહેલાં અને પદોને પછી મૂકે છે. હકીક્તમાં આનંદઘનજીનાં પદોમાં પણ ઋષભ જિનેશ્વર, અરિહંત અને જિનચરણે ચિત્ત લાવવાની વાત આવે છે. એમાં પ્રભુપ્રીતિનો એક પ્રકારનો તલસાટ અનુભવાય છે, પરંતુ એવાં પદો રચવાની પરંપરા જૈન રચિયતાઓમાં જોવા મળે છે. આથી સગુણ ભક્તિમાંથી નિર્ગુણ ભક્તિનો ક્રમિક વિકાસ દર્શાવી શકાય એટલો સ્પષ્ટ ભેદ બે વચ્ચે બતાવી શકાય તેમ નથી. તેથી તે મત ભાગ્યે જ સ્વીકાર્ય ઠરે તેમ છે.
શ્રી મોતીચંદ કાપડિયા માને છે કે આનંદઘનજીએ પહેલાં પદો રચ્યાં હતાં
અને પછી સ્તવનોની રચના કરી હતી. પોતાના આ અભિપ્રાયને તેઓ ત્રણ પ્રમાણોથી સમર્થિત કરે છે. સ્તવનોની ભાષા, સ્તવનોની વિચારપ્રૌઢિ અને અધૂરાં રહેલાં સ્તવનોને તેઓ લક્ષમાં લેવાનું કહે છે. તેમના માનવા પ્રમાણે આનંદઘનજીની મૂળ ભાષા રાજસ્થાની હતી. આથી એ ભાષામાં પદોની રચના ભાષાદષ્ટિએ ઘણી વૈધક બની છે, જ્યારે પાછળથી રચાયેલાં સ્તવનોમાં ગુજરાતી ભાષાનો વધુ સ્પર્શ છે, પરંતુ પદો જેવું ભાષાસામર્થ્ય તેમાં જોવા મળતું નથી.
આનંદઘનજીનાં પદોમાં કોઈ અનુક્રમ જોવા મળતો નથી. દરેક પ્રતિમાં પદો જુદો જુદો ક્રમ ધરાવે છે. શ્રી મોતીચંદ કાપડિયા પદોની ક્રમબદ્ધતાના અભાવને પણ
વન 55