________________
દર્શનની મહત્તા આનંદઘનજીએ ગાઈ છે. આ સમ્યક દર્શનની વચ્ચે ઘણા અવરોધ ઊભા છે, દરેક મતવાદી તો પોતાનો જ મત શ્રેષ્ઠ એવી સ્થાપના કરે છે. એથીય વિશેષ બીજાનો મત તદ્દન કનિષ્ઠ છે એવું મમતથી કહે છે. ક્યાંય નિષ્પક્ષ કે વિશુદ્ધ દૃષ્ટિ જોવા મળતી નથી, બધે જ મતાંધતા નજરે પડે છે અને આ સમયે પ્રભુદર્શનનો પાકો નિર્ણય ક્યાંથી થાય ? બંધનમાં પડેલો અંધ માનવી રવિ-શશીનું રૂપ કઈ રીતે બતાવી શકે ? એમાં વળી પરમાત્માનાં દર્શનની આડે ઘાતકર્મરૂપી ડુંગર ઊભા છે અને આથી કવિ આનંદઘને પરમાત્માના દર્શનનો તલસાટ અને એમાં આવતા અવરોધોનું બયાન કરતાં કહે છે :
દરસન દરસન રટતો જે ફિરું તે રનિ રોઝ સમાન, જેહનેં પિપાસા હો અમૃતપાનની કિમ ભાજૅ વિસપાન.”
(સ્તવન : ૪, ગાથા : ૫) દર્શનનો તલસાટ કેટલી બધી તીવ્રતાથી વ્યક્ત થયો છે !તરસ તો એવી છે કે જેવી રોઝને ઉનાળામાં પાણીની તરસ લાગે અને “પાણી" “પાણી"ના પોકાર પાડતું ઠેર ઠેર ફરવા લાગે. પોતે પરમાત્મ-દર્શન માટે તલસે છે, તરફડે છે, પણ પરિસ્થિતિ કેવી છે ? ઇચ્છા છે અમૃતપાનની અને મળે છે વિષનો કટોરો ! જન્મમરણના ફેરામાંથી છૂટવા પ્રભુકૃપાની માગણી કરે છે. પ્રભુકૃપા વગર ક્યાંથી પ્રભુદર્શન સાંપડે ?
પરમાત્મ-દર્શન માટે આત્મસમર્પણ જોઈએ; જે મમત્વ અને મારાપણાથી અળગો થતો નથી એ એના સાચા સ્વરૂપને ક્યાંથી પામી શકે ? આથી પાંચમા સ્તવનમાં આનંદઘન સુમતિનાથના ચરણમાં આત્મસમર્પણ કરવાની વાત કરે છે. આત્માનાં બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એ ત્રણ સ્વરૂપ દર્શાવે છે. બાહ્ય વસ્તુમાં જે આત્મા ડૂબેલો રહે તે બહિરાત્મા, જે અંતરંગ વિશુદ્ધ દર્શન કરે અને જ્ઞાનમયી ચેતનામાં આત્મબુદ્ધિ કરે તે અંતરાત્મા અને જે સર્વ કર્મોનો ક્ષય કરી કૈવલ્ય પ્રાપ્ત કરે તે પરમાત્મા, એવા પૂર્ણ, પવિત્ર અને જ્ઞાનાનંદમય પરમાત્માની ઉપાસના કરવાનું આનંદઘન કહે છે. જે બહિરાત્માને તજીને અંતરાત્મામાં તન્મય થઈ જાય છે તે જ પરમાત્મભાવ પામે છે.
પરમાત્મા સાથે પોતાને આટલું બધું અંતર કેમ પડ્યું એવા પ્રશ્નથી આનંદઘનજી શ્રી પદ્મપ્રભુજિન સ્તવનનો પ્રારંભ કરે છે અને સ્તવનમાં એ અંતર દૂર કરવાનો ઉપાય બતાવીને સ્તવનને અંતે અંતર દૂર થતાં પ્રાપ્ત થતી આનંદમય દશાનું ઉલ્લાસસભર ગાન કરે છે. પ્રભુની અને પોતાની વચ્ચે જે અંતર પડયું એનું કારણ કર્મનો વિપાક છે. કર્મની પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશથી આ અંતર પડ્યું છે.
મહાયોગી આનંદઘન
90
યુજનકરણને લીધે જ આ અંતર પડ્યું છે અને હવે આત્માના મૂળ ગુણને પ્રગટ કરીને એટલે કે ગુણકરણથી એ અંતરને અળગું કરવું છે. ગુણકરણ એ જ અંતર ભાંગવાનો અમોઘ રસ્તો છે અને જ્યારે આ અંતર ભાંગશે ત્યારે સાધકનો આત્મા સાધ્યમાં લીન બની જશે, મંગલ વાજિંત્રોનો મધુર ગુંજારવ થશે, હૃદયમાં આનંદની ભરતી ઊછળતી હશે.
જેની સાથે એકરૂપ થવું છે એ પરમાત્મા કેવો છે ! આત્માની ઓળખ તો મેળવી, પણ હજુ પરમાત્માની ઓળખે બાકી રહી હતી. શ્રી સુપાર્શ્વજિનના સાતમાં સ્તવનમાં આનંદઘન એ પરમાત્માની ઓળખ આપે છે. સંસારસમુદ્રમાં સેતુસમાન સાત મહાભયને ટાળનાર શિવશંકર અને ચિદાનંદ જેવા આ તીર્થકર જ્યોતિ-સ્વરૂપ છે અને આ રીતે અનેક વિશેષણોથી કવિ પરમાત્માના ભવ્ય સ્વરૂપની ઝાંખી કરાવે છે અને એકાગ્ર ચિત્તે એની સેવા કરવાનું કહે છે.
આવા પરમાત્માને જોવા માટે સાધકને કેવી કેવી શોધ કરવી પડે છે ! આઠમા શ્રીચંદ્રપ્રભજિન સ્તવનમાં ચંદ્રપ્રભુ “મુખચંદ્ર "ને જોવા માટે એણે ક્યાં ક્યાં શોધ કરી તે દર્શાવવામાં આવ્યું છે. સૂક્ષ્મ નિગોદ, બાહ્ય નિગોદ અને એ કેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીનાં અનેક સ્થાનોમાં ઘૂમવા છતાં જિનવરનો ક્યાંય મેળાપ થયો નહીં. એ મેળાપ માટે તો યોગાવંચક થવું જોઈએ, પછી ક્રિયાવંચક બનીને અને અંતે ફળાવંચક થવાનું કહે છે. આમ થાય તો જ સર્વ ઇચ્છાઓને પૂરનાર જિનવરનો મેળાપ થાય.
પ્રભુની પૂજાના અનેક ભેદો કવિ એ પછીના સુવિધિનાથ જિન સ્તવનમાં દર્શાવે છે. અહીં પૂજનકાર્ય અને પૂજનફળ વિશે તેઓ કહે છે. પૂજાનું તાત્કાલિક ફળ આજ્ઞાપાલન છે અને પરંપરા-ફળ મુક્તિ છે. તેઓ ભાવપૂજા અને પ્રતિપત્તિ પૂજાનું ગૌરવ સ્થાપે છે. યોગ્ય રીતે થયેલી આવી પરમાત્માપૂજાથી આનંદઘનનું પદ એટલે કે મોક્ષ સાંપડે છે.
આ પરમાત્મા પણ કેવા છે ! કરુણા, તીણતા અને ઉદાસીનતાની પ્રથમ નજરે વિરોધી જણાતી ત્રિભંગી એમનામાં એકસાથે વસે છે. સર્વ જનોનું કલ્યાણ કરનારી કરુણા છે, તો કર્મના સમૂહને કાપનારી તીક્ષ્ણતા છે અને એથીય વધુ ઉદાસીનતા રહેલી છે. ત્રિભુવનના સ્વામી હોવા છતાં નિગ્રંથ છે ! આવું પરમાત્માનું વિચિત્ર અને આશ્ચર્યજનક ગુણોથી યુક્ત ચરિત્ર બતાવીને કવિ આનંદઘને કુશળતાથી પરમાત્માની મહત્તા પ્રગટ કરી છે.
આવા વિરાટ પરમાત્માની પ્રાપ્તિ માટે અંતરમાં અધ્યાત્મદશા ધારણ કરવી પડે. શ્રી શ્રેયાંસનાથ જિનના અગિયારમા સ્તવનમાં આનંદઘન સાચા અધ્યાત્મીની
પરંપરા અને આનંદથન
9]