________________
પરમાત્મસ્વરૂપ બને ત્યારે આવી અપૂર્વ સ્થિતિ સર્જાય છે. આ સ્તવનમાં આનંદઘનજીએ ઘણા સંક્ષેપમાં શાંતિસ્વરૂપની વિશેષતા દર્શાવી છે.
જેણે મન સાધ્યું એણે સઘળું સાધ્યું. આનંદઘન શ્રી કુંથુનાથ જિન સ્તવનમાં આવા મનોવિજય માટે પરમાત્માને પ્રાર્થ છે. આનંદઘને રમતિયાળ શૈલીમાં મનની ચંચળતાનું હૂબહૂ આલેખન કર્યું છે. મનને પ્રભુમાં ઠેરવવા પ્રયત્ન કરું છું પણ એ તો જેમ પ્રયત્ન કરું તેમ પ્રભુથી વધુ ને વધુ દૂર થતું જાય છે. એ રાત-દિવસ અહીંતહીં, વસ્તીમાં કે નિર્જન પ્રદેશમાં, આકાશમાં કે પાતાળમાં ફર્યા જ કરે છે, એમ છતાં એને ક્યાંય નિરાંત થતી નથી. ધ્યાન અને જ્ઞાનનો અભ્યાસ કરનારાઓના આ મન બૂરા હાલ-હવાલ કરે છે. આગમનો અભ્યાસી પણ એને અંકુશમાં રાખી શકતો નથી અને જો હઠ કરીને રોકી રાખે તો સાપની પેઠે વાંકુંચૂકું થઈને છટકી જાય છે. આ મન ઠગારું છે, છતાં કોઈને છેતરતું દેખાતું નથી; બધામાં છે છતાં કોઈને હાથ આવતું નથી. એની જાતિ નાન્યતર છે, છતાં ભલભલા મરદને ધક્કે ચડાવે છે. મનની માયાનું કવિએ સુંદર નિરૂપણ કર્યું છે. એ દેખાતું નથી, છતાં આખા જગતને દોરે છે. એ પકડાતું નથી, છતાં આખા જગતને પકડી રાખે છે. આનંદઘન વીતરાગ પ્રભુને પ્રાર્થના કરે છે કે આ મન વશમાં રહે એવું કરજો. આ સ્તવનમાં આનંદઘનજીએ આત્મસાધના માટે મનોવિજય કેટલો મહત્ત્વનો છે તે દર્શાવ્યું છે.
પરમાત્માનો માર્ગ જોયો, પૂજનના પ્રકાર જોયા, શાંતિનું સ્વરૂપ પામ્યા, મનને અંકુશમાં લીધું અને હવે સાચા દર્શનની જરૂર રહે છે. શ્રી અરનાથ જિન સ્તવનમાં સ્વ-સિદ્ધાંતની સમજ અને પરિસદ્ધાંતની સમજ આપવામાં આવી છે. જ્યાં આત્માની વાત હોય ત્યાં સ્વસિદ્ધાંત સમજવો. તે પછી નિશ્ચય અને વ્યવહાર બંને નયની દૃષ્ટિએ પરમધર્મ જાણવાની જિજ્ઞાસા દાખવી છે. દ્રવ્યદૃષ્ટિથી આત્માનુભવ એક છે અને એ આત્માના અનેક પર્યાય છે. દૃષ્ટિથી જોઈએ તો સુવર્ણ પીળું, ભારે અને લીસું લાગે; હકીકતમાં સુવર્ણના આ બધા પર્યાયો છે. એ જ રીતે દર્શન, જ્ઞાન અને ચારિત્રથી એક જ આત્માના અનેક પર્યાયો જોવા મળે છે. આત્માના એક અને નિત્ય રૂપને ઓળખવું અને પર્યાયષ્ટિ (વ્યવહારનય) છોડીને દ્રવ્યદૃષ્ટિ ધારણ કરવી જોઈએ. પર્યાયદૃષ્ટિ હશે ત્યાં સુધી ભવભ્રમણના ફેરા રહેશે. કવિ આનંદઘન નિશ્ચયદૃષ્ટિથી આત્માને ઓળખીને નિર્વિકલ્પ રસનું પાન કરી આનંદની મસ્તીમાં રમમાણ રહેવાનું કહે છે.
ઓગણીસમા શ્રી મલ્લિનાથ જિન સ્તવનમાં અઢાર દોષોના નિવારણની
વાત કરવામાં આવી છે. સાચો મુનિજન આ અઢાર દોષોથી રહિત હશે. કષાય અને નોકષાયનાં નિરૂપણ કરીને કવિ કહે છે કે આ અઢાર દોષોથી મુક્ત હોય તે જ મહાયોગી આનંદઘન
94
સાચો “મન વિસરામી' કહેવાય.
વીસમા સ્તવનમાં પરમાત્મા પાસેથી આત્મતત્ત્વની ઓળખ મેળવવામાં આવી છે. આવા ગહન વિષય પર આનંદઘન થોડી પંક્તિઓમાં સચોટ પ્રકાશ પાડે છે. અદ્વૈત, દ્વૈતાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, બૌદ્ધ, લોકાયતિક વગેરેના મત દર્શાવી પોતાની શંકા પ્રગટ કરે છે. એ પછી વીતરાગ પ્રભુ એ શંકાનું નિરાકરણ કરે છે. જે સાચો આત્મજ્ઞાની છે, એ જ ભવના ફેરા ભાંગે છે. આ સિવાય બીજી બધી વાત વાજાળ સમજજો. આત્માને ઓળખવા માટે રાગ અને દ્વેષ ત્યજવા પડશે. એ પછી એક વાર સર્વ કર્મોમાંથી મુક્તિ મળે તો તે માનવી ફરી જન્મમરણની જંજાળમાં જકડાતો નથી. આથી આત્માના નિશ્ચયનય ગુણોને પ્રગટ કરવા એ જ સાચો આત્મધર્મ છે.
શ્રી નેમિનાથ જિનના એકવીસમા સ્તવનમાં કવિએ જૈનદર્શનની વ્યાપકતા દર્શાવી છે. અન્યના દર્શનને ઉતારી પાડવા અથવા તો હીણા બતાવવા તે મતવાદીઓનો સામાન્ય ઉપક્રમ ગણાય છે, જ્યારે અનેકાંત-દૃષ્ટિમાં માનતો જૈન ધર્મ સર્વ દર્શનોનો આદર કરે છે. છયે દર્શનને જિનવરનાં છ અંગો તરીકે દર્શાવવામાં આવ્યાં છે. સાંખ્ય અને યોગ એ પગ છે, તો બૌદ્ધ અને વેદાંતીમીમાંસકો જિનવરના કર છે, લોકાયતિક એ જિનવરની કૂખ છે અને મસ્તક એ જૈનદર્શન છે. આ રીતે અન્ય દર્શનોને જિનવરનાં અંગ કહ્યાં છે અને આમાંથી કોઈ પણ દર્શનની ટીકા કરનારને દુર્ભવી કહ્યો છે. જૈનમતની વિશાળતા સમુદ્ર સમાન છે અને એમાં નદીરૂપ જુદાં જુદાં દર્શનોનો સમાવેશ થયો છે. આ પછી જ્ઞાન, દર્શન અને ચારિત્રની ઉપાસનાની વાત કરી છે અને અંતમાં શ્રુત અનુસાર યોગ્ય ગુરુ મળતા નથી, એનો વિષાદ પણ કવિએ પ્રગટ કર્યો છે. આ વનમાં જૈનદર્શનની વ્યાપકતાને કવિએ મનોરમ રીતે પ્રગટ કરી છે.
એકવીસ સ્તવનોમાં તત્ત્વવિચારણાનો સળંગ આલેખ જોઈ શકાય છે. બાવીસમા સ્તવનમાં એ તત્ત્વવિચારણા નેમ-રાજુલના હૃદયવેધક પ્રસંગના સંદર્ભમાં પ્રગટ થઈ છે. રાજુલનાં દુન્યવી મેણાંનો ઉલ્લેખ કરીને અંતે એનું હૃદયપરિવર્તન બતાવી નેમનાથ પ્રભુને માર્ગે જતી રાજુલને દર્શાવી છે. અહીં રાજુલની પ્રીતિનાં જુદાંજુદાં રૂપ આલેખવામાં આવ્યાં છે અને ઋષભ જિન સ્તવનમાં જેમ પ્રભુપ્રીતિથી કવિએ આરંભ કર્યો હતો એ જ રીતે આ બાવીસમા સ્તવનમાં ધ્યેય અને ધ્યાતાનું અદ્ભુત બતાવી મનોહર સમાપન કર્યું છે.
સ્તવનોની તુલનાત્મક ચર્ચા
જૈન સ્તવનોમાં સામાન્ય રીતે એક યા બીજા સ્વરૂપે તીર્થંકરનો ગુણાનુવાદ કરવામાં આવતો હતો. આમાં તીર્થંકરની સ્તુતિ હોવાને લીધે આ સ્તવનો ભક્તિપ્રધાન પરંપરા અને આનંદઘન 95