________________
અન્ય પ્રમાણ પણ નોંધી શકાય. આનંદઘનજીના સમકાલીન એવા શ્રીયશોવિજયજીની રચનાઓની યાદી પાટણના ભંડારમાંથી પ્રાપ્ત થઈ છે, જે હાલ લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં મળે છે. એ એક જ પત્રમાં બે બાજુએ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજની રચનાઓની યાદી આપી છે. પત્રના પ્રારંભે આ પ્રમાણે નોંધ છે :
૧૭૬૭ વર્ષે કાતી શુદિ ૨ દિને પત્તનમણે પૂર્ણિમા પક્ષે ભ. શ્રી. મહિમાપ્રભસૂરિસન્ક ડાબડા ની ટીપ.
ઉપાધ્યાય શ્રી, યશોવિજયતા ગ્રંથાઃ ” કુલ ૪૨ નામ, તેમાં છેલ્લા (૪રમા) ગ્રંથનું નામ આ પ્રમાણે છે --
આનંદઘન બાવીસી બાલી, પત્ર ૩૪.”
આથી એમ લાગે છે કે શ્રીમદ્ આનંદઘનજીએ બાવીસ જ સ્તવનો રચ્યાં હતાં. એમના સમકાલીન એવા શ્રીયશોવિજયજીએ પણ માત્ર બાવીસ સ્તવનો પર જ બાલાવબોધ રચ્યો છે. આ રીતે શ્રી યશોવિજયજી, શ્રી જ્ઞાનવિમલસૂરિ, શ્રી દેવચંદ્રજી અને શ્રી જ્ઞાનસારજી એ તમામને બાવીસ જ સ્તવનો પ્રાપ્ત થયાં છે.
આ અંગે આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીએ એક પ્રચલિત દંતકથાની નોંધ આ પ્રમાણે આપી છે -
“શ્રીમની ચોવીશી સંબંધી એક દંતકથા સાંભળવામાં આવી છે અને તે નીચે મુજબ છે : શ્રીમદ્ એક વખત શત્રુંજય પર્વત પર જિનનાં દર્શન કરવા ગયા હતા. તેમની પાછળ શ્રીમદ્ ઉપાધ્યાય યશોવિજયજી અને શ્રી જ્ઞાનવિમલસૂરિ એ બે મુનિવરો ગયા. શ્રીમદ્ આનંદઘનજી એક જિનમંદિરમાં ભાતસ્તવના કરવામાં લીન થઈ ગયા હતા. ઉપાધ્યાયજી અને જ્ઞાનવિમલજી છાનીમાની રીત – શ્રીમના જાણવામાં ન આવે એવી રીતે – છુપાઈને તેમની ચોવીશી સાંભળવા લાગ્યા અને યાદી કરતા ગયા. શ્રીમદ્ આનંદઘનજીએ ઋષભદેવથી આરંભીને બાવીસમા શ્રી નેમિનાથ પર્યંત તીર્થંકરોની સ્તવના કરી, એટલામાં તેમણે કારણ પામી પાછળ જોયું તો ઉપાધ્યાય અને જ્ઞાનવિમલસૂરિને દીઠા; તેથી તેમની પૂંટીમાંથી નીકળતા ઊભરાઓ સંકોચાઈ ગયા અને તે ત્યાંથી નીકળી ગયા. તેથી શ્રી પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીનાં સ્તવનો બન્યાં નહીં. આ કિંવદત્તી જેવી શ્રવણગોચર થઈ છે તેવી અત્રે લખવામાં આવી છે.'
આ દંતકથાને કોઈ આધાર મળતો નથી. હકીકતમાં તો શ્રી આનંદઘનજીનાં બાવીસ જ સ્તવનો કેમ મળે છે એના ખુલાસા રૂપે આ દંતકથા પ્રચલિત બની હોય
મહાયોગી આનંદઘન
તેમ લાગે છે. શ્રી જ્ઞાનવિમલસૂરિ આનંદઘનજીએ જ્યારે સ્તવનોની રચના કરી ત્યારે એમની પાસે ઉપસ્થિત નહોતા એ પણ એક હકીકત છે, કારણ કે તેઓ પોતે જ બાવીસ સ્તવનોનો બાલાવબોધ લખ્યા પછી લખે છે –
લાભાનંદજી કૃત તવન એતલા ૨૨ દીસઇ છઇ. યદ્યપિ હસ્યું તોહઇ આપણ હસ્તે નથી આવ્યા.”
આવો જ વિવાદ આનંદઘનજીના બાવીસમાં સ્તવન અંગે પ્રવર્તે છે.
શ્રી નેમિનાથ જિન સ્તવન અંગે શ્રી મોતીચંદ કાપડિયાએ એવી શંકા ઉઠાવી છે કે આ સ્તવન આનંદઘનજી વિરચિત લાગતું નથી. એમના મંતવ્ય સામે વિરોધ પ્રગટ કરતાં શ્રી મહતાબ ચંદ ખારેડ કહે છે – “આ બાવીસમા સ્તવનમાં તો આત્મા વૈભાવિક દશામાંથી સ્વાભાવિક દશામાં કેવી રીતે અગ્રસર થાય તે દર્શાવ્યું છે. તેઓના માનવા પ્રમાણે જો યોગીરાજે રાજુલની વેદનાનું આવું વર્ણન ન કર્યું હોત તો આ અપૂર્વ સ્ત્રીરત્નને તેમનાથી અન્યાય થઈ ગયો હોત. વળી, આ સ્તવનમાં પ્રેમપ્રસંગના રસમય વર્ણનમાં આર્ત હૃદયનો પોકાર જ નથી; પરંતુ આઠ જન્મોના સંબંધને અખંડિત રાખવાનો અને સંપૂર્ણ આત્મસમર્પણનું અદ્ભુત અને અજોડ વર્ણન આપવાનો હેતુ રહેલો છે.”ર
આ રીતે શ્રી મહતાબ ચંદ ખારેડ નેમ-રાજુલના રોચક, ભાવપૂર્ણ અને ઉત્કૃષ્ટ ત્યાગમય જીવનમાં એટલી મહત્તા જુએ છે કે આનંદઘન સ્વાભાવિક રીતે જ આ વિષયને એટલે કે રાજિમતીની વેદનાને સ્પર્યા વિના ન રહે. તેઓ પોતાના અભિપ્રાયને કોઈ પ્રમાણથી પ્રગટ કરવાને બદલે સ્તવનમાં આવેલી વિગતોના આધારે રજૂ કરે છે.
તટસ્થ દૃષ્ટિએ જોઈએ તો આ બાવીસમું સ્તવન અન્ય સ્તવનો કરતાં કેટલીક લાક્ષણિકતા ધરાવતું લાગે છે. અગાઉનાં એકવીસ સ્તવનોમાં આનંદઘનજીએ સ્તવનનો પ્રારંભ તીર્થંકરના નામથી કર્યો છે, પણ ક્યાંય એમણે એક પણ તીર્થંકરનો જીવનપ્રસંગ આલેખ્યો નથી. ક્યાંય તીર્થકરના જીવનનું આડકતરું સૂચન પણ નથી. જ્યારે અહીં તો આખુંય સ્તવન તીર્થંકરના જીવનના એક પ્રસંગને આધારે જ આલેખાયું છે. પોતાની આઠ-આઠ ભવની પ્રીતને અળગી કરીને મુક્તિ નારી અને અનેકાંતિકી સાથે ભોગ ભોગવતાં નેમિનાથ ભરથારને આકરો ઉપાલંભ આપવામાં આવ્યો છે અને અંતે રાજિમતીનું હૃદયપરિવર્તન આલેખી એના જીવનનો એક વળાંક નિરૂપ્યો છે. જીવનનું આવું વેધક પરિવર્તન નિરૂપવા કોઈ ઊર્મિકવિનું મન તો આસાનીથી
રસ્તવનોની સંખ્યા
10]
100