________________
સંત-પરંપરા ભાવ પર નજર ઠેરવતી હતી, ભાષા પર નહિ. એ સમયે જુદાં જુદાં રાજ્યો વચ્ચે કોઈ નિશ્ચિત સીમા નહોતી. એમાંય વળી આ સંતોને તો સીમા ક્યાંથી સ્પર્શે ? આથી એમની રચનાઓ એ કોઈ એક જ પ્રદેશની ભાષાની મહોર ધરાવતી રહેવાને બદલે એમાં બીજા પ્રદેશની બોલીના અંશો આવી મળે તે સ્વાભાવિક હતું.
વળી, આ સંતોએ પોતે તો પોતાની રચનાઓ લખી જ નથી. એમના અંતરમાંથી સરેલી એ અમૃતધારા લોકકંઠમાં ઝિલાઈ અને એને આધારે બીજાઓએ લિપિમાં એને સંઘરી રાખવા પ્રયત્ન કર્યો. કબીર કે આનંદઘને કઈ ભાષામાં પોતાની કૃતિઓની રચના કરી હશે તેનો તાગ મળવો શક્ય છે. આપણે તો માત્ર એનું પ્રાચીનમાં પ્રાચીન ભાષાસ્વરૂપ મેળવીને મૂળ સ્વરૂપની નજીક પહોંચવાની મથામણ જ કરી શકીએ. વળી, આ પ્રતિ ક્યાં લખાઈ છે તે બાબત પણ અગત્યની બને છે. લહિયો પોતાને પરિચિત એવી ભાષા અથવા તો પોતાની આસપાસના સમાજ માં એ કૃતિઓ જે રીતે બોલાતી-ગવાતી હોય તે રીતે તેને આલેખવા યત્ન કરે છે. આમ, જ્યાં જ્યાં આ રચનાઓનો પ્રચાર થતો જાય છે ત્યાં ત્યાં એ પ્રદેશની ભાષાનો રંગ મૂળ કૃતિ પર ચડતો જાય છે. આ પદો કે સ્તવનો લોકકંઠમાં જીવતાં હોવાથી એ જે જે પ્રદેશમાં ગવાયાં તેની અસર ઝીલતાં ગયાં. આ કારણે જ મીરાંનાં પદો રાજસ્થાની, વજ, ગુજરાતી અને પંજાબી એમ ચાર ભાષા-સ્વરૂપમાં સાંપડે છે. આ સમયે સ્પષ્ટ ભૌગોલિક સીમાડાઓનો અભાવ હતો. વળી, રાજકીય સીમાડાઓમાં પણ સંકોચ યા વિસ્તાર થતો રહેતો હતો. સાધુ-સંન્યાસીઓ, યાત્રાળુઓ, સભ્ય વગેરેને કારણે એક ભાષામાં અન્ય ભાષાઓનું મિશ્રણ થતું.
આનંદઘનનાં સ્તવનોના ભાષાસ્વરૂપને પામવા માટે કેટલાક વિદ્વાનોએ પ્રયત્ન કર્યો છે. આમાં શ્રી મનસુખલાલ મહેતાએ “જૈન કાવ્યદોહન માં અને શ્રી મોતીચંદ કાપડિયાએ “આનંદઘનનાં પદો”માં સ્તવનોની ભાષાના સ્વરૂપ અંગે વિગતે ચર્ચા કરી છે. શ્રી મનસુખલાલ મહેતાએ “ભાષાવિવેકશાસ્ત્ર (philology)ની દૃષ્ટિએ " આનંદઘનનાં સ્તવનોને મૂલવવાનો પ્રયત્ન કર્યો છે અને એમણે આનંદઘનજીનાં સ્તવનોની ભાષા સૌરાષ્ટ્રની ઝાલાવાડી બોલીને મળતી છે એમ સાબિત કરવા પ્રયાસ કર્યો છે. શ્રી મનસુખલાલ મહેતાએ સ્તવનોની શુદ્ધ વાચના પરથી નિર્ણય તારવવાને બદલે પોતાને જે ભાષા-સ્વરૂપમાં સ્તવનો મળ્યાં, તે પરથી નિર્ણય તારવ્યો છે. આથી એમની તારવણી સ્વીકાર્ય બને તેમ નથી. જેમકે - “મળસું કંતને ધાય”, (૧ : ૩), “મેળો” (૧ : ૩) તેમજ “ધાર તલવારની સોયલી દોવલી” જેવા શબ્દપ્રયોગોમાં
“શું”, “મેલો” અને “સોયલી”, “દોવલી” સૌરાષ્ટ્રમાં વિશેષ વપરાશમાં છે એમ તેઓ કહે છે; પરંતુ આ શબ્દોમાં પ્રથમ શબ્દનો શુદ્ધ પાઠ “મિલસું” છે, જે જૂની ગુજરાતીમાં પ્રચલિત છે. “મેળો એને બદલે શુદ્ધ પાઠ “મેલો” છે, જ્યારે “સોયલી” અને “દોવલી ”ને બદલે શુદ્ધ પાઠ “સોહિલી”, “દોહિલી” છે. જ્યારે ક્યાંય “દોવલી” શબ્દ તો મળતો નથી. સૌરાષ્ટ્રમાં પણ “સોહ્યલું-દોહ્યલું ''માંથી “સોયલું-દોયલું” રૂપ થયેલું મળે છે. “દોવલું” જેવું રૂપ તો ક્યાંય મળતું નથી. શ્રી મનસુખલાલ મહેતા કહે છે કે “કાંણ માંડવી” એ શબ્દ સૌરાષ્ટ્રમાં વધારે બોલાય છે. તેઓના માનવા પ્રમાણે “કાંણ” શબ્દનો અર્થ “કથા” એવો થાય છે અને લાંબી લાંબી વાત કર્યા કરવી તેને “કાંણ માંડી બેસવું” એમ સૌરાષ્ટ્રમાં કહેવાય છે.
આ અંગે વિચારીએ તો જણાશે કે લાંબી લાંબી વાત કરવા સૌરાષ્ટ્રમાં જો કાંણ” શબ્દ વપરાતો હોય તો એ અર્થમાં શ્રી આનંદઘનજીએ શ્રી મલ્લિનાથ જિનસ્તવનમાં આ શબ્દ વાપર્યો નથી. વળી, રૂઢ અર્થમાં કોઈના અવસાન પછી પોક મૂકવામાં આવે ત્યારે “કાંણ માંડવી” એમ કહેવાય છે. એ અર્થમાં પણ આ શબ્દ આ સ્તવનમાં પ્રયોજાયેલો નથી, આ શબ્દનો શુદ્ધ પાઠ “કાંણિ ” છે અને અહીં એ શબ્દ “ખટકો” કે “વસવસોના અર્થમાં પ્રયોજાયો છે.
બાપડા” અને “દેદાર” શબ્દ ગુજરાત કરતાં સૌરાષ્ટ્રમાં વિશેષ બોલાય છે એમ શ્રી મનસુખલાલ મહેતા દર્શાવે છે. હકીકતમાં આ શબ્દો બધે જ પ્રચલિત છે. અરબી શબ્દ “દીદાર ”નું વિકલ્પરૂપ “દેદાર ” બન્યું છે. એ કોઈ પ્રાંતીય રૂપ નથી. આમ, આનંદઘનની ભાષાને ઝાલાવાડી બોલી ગણવી અને એ રીતે આનંદઘનનો જન્મ ઝાલાવાડમાં થયો હતો એવો શ્રી મનસુખલાલ મહેતાનો અભિપ્રાય સ્વીકારી શકાય તેવો નથી. એમનું આ તારણ અંગત છાપવાળું અને નક્કર પ્રમાણોના અભાવવાળું, છે, આમ છતાં આનંદઘનનાં સ્તવનોને ભાષાની દૃષ્ટિએ પારખવાના સૌ પ્રથમ પ્રયાસ તેમનું આ કાર્ય નોંધપાત્ર ગણાય.
આ પછી આનંદઘનનાં સ્તવનોના ભાષાસ્વરૂપને દર્શાવવાનો પ્રયત્ન શ્રી મોતીચંદ કાપડિયાએ કર્યો છે. એમણે આનંદઘનનાં પદ અને સ્તવનોને લક્ષમાં રાખીને આની ચર્ચા કરી છે. તેમાં સ્તવનોના શબ્દપ્રયોગો, ચરણો, કહેવતો તેમજ રાજસ્થાનીને અનુરૂપ લિંગવ્યત્યય બતાવીને આ સ્તવનોની ભાષા “મિશ્ર મારવાડીહિંદી” છે એમ સિદ્ધ કરવા પ્રયાસ કર્યો છે. એમનાં કેટલાંક વિધાનો ચર્ચાસ્પદ છે. ખરાં. જેમકે – “પંથ નિહાળશું”, “સગાઈ”, “કીધી”, “અલખ”, તેમજ “સાધે”
મહાયોગી આનંદઘન
120
સ્તવનોનું ભાષાસ્વરૂપ
121