________________
દક્ષ
ઠંડા પદાર્થો, પંખા, કપૂર કે ચંદનનો ઘોળ શા માટે લાવે છે ? આ શરીરનો તાપ નથી. આ તો આત્માનંદના વિરહનો અગ્નિ છે, એને તો આ પદાર્થો ટાઢક આપવાને બદલે વધુ તપાવનાર બને છે. આ રીતે આનંદધન અને યશોવિજયજી સમકાલીન હતા. પરસ્પરને મળ્યા હતા. એમની ભાવના અને અધ્યાત્મપ્રવૃત્તિ ઘણાં સબળ હતાં. આમ છતાં બંનેનો આત્મવિકાસનો માર્ગ જુદો હતો. આનંદઘનજી અધ્યાત્મયોગી હતા, તો યશોવિજયજી કર્મયોગી પણ હતા. આનંદઘનજી દુનિયાની સહેજે દરકાર રાખતા નહીં, જ્યારે યશોવિજયજી તત્કાલીન વાતાવરણને સમજીને પોતાના લક્ષ્યની સાધના કરતા હતા.
આનંદઘનજી આત્મલકી, સંયમી, ત્યાગી અને અધ્યાત્મી હતા. યશોવિજયજી ‘ન્યાયવિશારદ’ અને ‘ન્યાયાચાર્ય "ની પદવીથી વિભૂષિત થયેલા પંડિત હતા. આનંદઘનજી
“વેદ ન જાનું કિતાબ ન જાનું, જાનું ન લચ્છને છંદા,
તર્ક, વાદ, વિવાદ ન જાનું, ન જાનું કવિ ફંદા.” ૧૩ કહેનાર મસ્તકવિ હતા, જ્યારે યશોવિજયજી ‘વાણી વાચક જશ તણી, કોઈ નયે ન અધૂરી રે.’ (શ્રીપાલ રાસ : ૪-૧૨ની છેલ્લી પંક્તિ) એવો હિંમતથી દાવો કરનાર અધ્યાત્મ, યોગ, કથા આદિ વિષયો પર સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતીમાં પદ્યરચના કરનાર વિદ્વાન કવિ હતા, યશોવિજયજીમાં અને આનંદઘનજીમાં જ્ઞાનની ગંભીરતા, શાસ્ત્રોની પારંગતતા અને અધ્યાત્મનો તલસાટે વ્યક્ત થાય છે. ખરી વાત એ છે કે ઉપાધ્યાય યશોવિજયજીએ બધાં શાસ્ત્રોમાં પારંગતતા પામ્યા પછી પણ આત્મસંતોષ માન્યો નહીં. એમણે અધ્યાત્મયોગના માર્ગે જવાનું સ્વીકાર્યું અને આમાં આનંદઘનનો સંપર્ક કારણભૂત હશે. ઉપાધ્યાય યશોવિજયજીના ‘અધ્યાત્મસાર ' જેવા ગ્રંથોમાં અને સ્તવનોમાં અધ્યાત્મરસની ઝલક જોવા મળે છે. બંનેનાં કવનને જોઈએ તો આનંદઘન જેવી ભાવની ગહનતા, વ્યાપકતા તેમજ ઊર્મિનો તીવ્ર ઉછાળો અને અલખનાં રહસ્યોને પામવાની ઝંખના યશોવિજયજીના કવનમાં એટલા પ્રમાણમાં દેખાતી નથી, એનું કારણ આનંદઘનજી કવિની સાથે મર્મી સંત પણ છે એ કહી શકાય.
આનંદઘન : કબીર, મીરાં અને અખાના સંદર્ભમાં
નવૈક્રમની પંદરમી સદીમાં સંત કબીરે જાતિ, જ્ઞાતિ, સંપ્રદાય, બાહ્યાચાર, અને ધાર્મિક મતાંતરોથી પર એવી સાધકની સત્યમય અનુભવવાણી વહેવડાવીને જ્ઞાનનો નવીન પ્રકાશ રેલાવ્યો. એ પછી વિક્રમની સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં થયેલાં આનંદઘનજીનાં પદોમાં સંત કબીરનાં પદોની ભાવનાઓનો પ્રતિધ્વનિ સુમધુર રીતે ગુંજતો સંભળાય છે. કબીર અને આનંદઘન એ બંને પોતાની સુરતાની મસ્તીમાં મસ્ત રહેનારા સાધક હતા. કબીરે તો જડ રૂઢિ, અંધશ્રદ્ધાયુક્ત રિવાજો, પરંપરાગત કુસંસ્કારો અને એથીય વિશેષ ઢોંગી ધર્માચરણો સામે પ્રચંડ વિદ્રોહ કર્યો. આનંદઘનમાં વિદ્રોહની ઝલક છે, પણ એની માત્રા સંત કબીર જેટલી નથી. આ બંને સાધક મસ્તરામ છે. આધ્યાત્મિક અનુભવના દૃઢ આધાર પર એમની સાધના ટકેલી છે. જગત તરફ તો બંને સાવ બેપરવા છે. કબીર કે આનંદઘન બેમાંથી એકેય અજ્ઞાનના અંધકારમાં કે રૂઢિગત બંધનોમાં જકડાયેલા માનવીને જોઈને સહાનુભૂતિ દર્શાવતા નથી. એમની અકળામણ આવા જીવો પ્રત્યે અનુકંપાના રૂપમાં પ્રગટ થતી નથી. તેઓ તો આ મિથ્યા બાબતો પર તીવ્ર પ્રહાર કરે છે. આવા રૂઢાચારોને જડમૂળથી ઉખાડી નાખવાની ધગશ આ બંને સાધકોમાં છે અને એથી જ એને સાંખી લેવાને બદલે કબીર એને કટાક્ષથી અને આનંદઘન એને ઉપહાસથી વખોડી નાખે છે.
મહાયોગી આનંદથન
156