________________
ધાર્મિક ભાવનાને સતેજ રાખતા હતા. જૈન સાધુઓના વિહારને કારણે આ ધર્મભાવનાની સુવાસ જુદા જુદા પ્રદેશોમાં પ્રસરતી. તેઓ એક સ્થળે ચાતુર્માસ ગાળીને ધર્મભાવના અને ધર્મઅનુષ્ઠાન વિશેષ રૂપે પ્રવર્તાવતા હતા. આમ, ભારતના સાધુ સંતોની વાણીમાં વિવિધ પ્રદેશોની પ્રજાના સંપર્કને કારણે જુદી જુદી ભાષા કે બોલીનાં તત્ત્વોનો છંટકાવ સ્વાભાવિક રીતે જ થઈ જતો અને એ વાણીને વિવિધ પ્રદેશના લોકો આત્મસાત્ કરતા. પરિણામે સંતવાણી પર પ્રાદેશિક બોલીનો રંગ ચડ્યા વગર રહેતો નહિ. સતત વિહારી જૈન સાધુનો જુદા જુદા પ્રદેશના લોકો સાથે મેળાપ થતો. એમનાં વ્યાખ્યાનોને જે તે પ્રદેશની બોલીનો પાસ જાણ્યે અજાણ્યે લાગી જતો.
મીરાં ગુજરાતની, રાજસ્થાનની કે વ્રજ પ્રદેશની અથવા તો આનંદઘન ગુજરાતના કહેવાય કે રાજસ્થાનના ગણાય તેવો પ્રશ્ન આ વિશાળ સાંસ્કૃતિક સંદર્ભમાં વરવો લાગે છે. સંતો દેશ સમસ્તની સહિયારી સાંસ્કૃતિક સંપત્તિ છે. આપણે એને સ્થળ, પ્રદેશ કે ભાષાની સીમામાં બાંધવા ઇચ્છીએ છીએ. ઉત્તર હિંદના સંત કબીરના ભાવ માત્ર ગુજરાત કે મહારાષ્ટ્ર સુધી નહિ, પણ છેક બંગાળ, આસામ અને ઓરિસ્સા સુધી ફેલાયેલા મળે છે. બંગાળના ગોપીચંદનું સંગીત છેક સિંધ અને કર્ણાટકમાં ગુંજે છે. મહારાષ્ટ્રના પ્રસિદ્ધ સંત નામદેવની હિંદી કવિતા પણ મળે છે.
આ પરિપ્રેક્ષ્યમાં આનંદઘનનાં સ્તવનોના ભાષા સ્વરૂપનો વિચાર કરવો જોઈએ. આ સમયે મિશ્ર ભાષાની પરંપરા પ્રવર્તમાન હતી. આમાં મુખ્યત્વે એક ભાષા હોય અને એની સાથે અન્ય ભાષા કે બોલીની એમાં છાંટ મળતી હોય. મુખ્યત્વે ગુજરાતી ભાષા હોય અને તેમાં રાજસ્થાની અને વ્રજ ભાષાના શબ્દોનું મિશ્રણ આવતું હોય અથવા તો મુખ્યત્વે રાજસ્થાની કે વ્રજ ભાષા હોય અને એમાં ગુજરાતી ભાષાના શબ્દોનું મિશ્રણ થાય. આ ભાષાસ્વરૂપની ખૂબી એ હતી કે એમાં જે ભાષા પાયારૂપ હોય અને જે ભાષાનાં તત્ત્વોનો ઉપર ઉપરથી છંટકાવ થયો હોય એ બધા પ્રદેશમાં લગભગ એકસરખી પ્રચલિત હોય.
આ મિશ્ર ભાષા એ કોઈ પ્રદેશવિશેષની માતૃભાષા નહોતી; પરંતુ એક વ્યાપક પ્રદેશ પર વપરાતી ભાષા હતી. એ સમયનો શ્રોતાવર્ગ પણ આ ભાષાથી સારી રીતે પરિચિત હતો. અનેક સંતોએ પોતાનાં દર્શન-સંવેદનને પ્રગટ કરવા માટે આ મિશ્ર ભાષાનો આશ્રય લીધો હતો. મિશ્ર ભાષાની આ ભૂમિકાને નહીં સમજનારા કેટલાક ભાષાઓના આવા મિશ્રણને ખીચડી કહે છે. ડૉ. શ્યામ સુંદરદાસે કબીરની
મહાયોગી આનંદઘન
118
ભાષાને “પંચમેલ ખીચડી" કહી છે.' હકીકતમાં કબીરની ભાષા એ ખીચડી ભાષા નથી, પણ અનેક ભાષાઓના સંપર્કથી સ્વયમેવ બંધાયેલી મજબૂત કાઠાવાળી ભાષા છે. મીરાંનાં ભજનોમાં આ જ રીતે રાજસ્થાની, ગુજરાતી અને વ્રજ ભાષાનાં તત્ત્વો એકરૂપ થયેલાં જોવા મળે છે.
આ જ અરસામાં એક બીજી ભાષા-પરંપરા પણ ઊભી થયેલી નજરે પડે છે. કવિ એક ભાષામાં રચના કરતો હોય; પરંતુ એ જ રચનામાં થોડાંક પદ અન્ય ભાષામાં પણ રચ્યાં હોય. ભાલણનો “દશમસ્કંધ” ગુજરાતી ભાષામાં છે, પણ એ “દશમસ્કંધમાં જ અલગ તરી આવે તે રીતે વ્રજ ભાષાનાં પાંચ પદ આપ્યાં છે; “દશમસ્કંધની અમુક પ્રતિઓમાં વ્રજ ભાષામાં ભાલણના નામવાળાં વધુ બે પદ પણ મળે છે. કેશવદાસે રચેલા “દશમસ્કંધ”ના ચૌદમા અને સોળમા સર્ચમાં વ્રજ ભાષામાં રચના કરી છે. નયસુંદરના “નળ દમયંતી રાસ”માં આવતા રેખતાની ભાષા ઉર્દૂ જેવી છે . શામળની પદ્યવાર્તાઓ ગુજરાતી ભાષામાં છે, પણ તેમાં આવતા દુહા, સમસ્યાઓ વગેરે વ્રજ ભાષામાં છે. આમ એક કૃતિમાં બે ભાષા પ્રયોજાયેલી જોવા મળે છે, જોકે એ બંનેનો ઉપયોગ જુદી તારવી શકાય તે રીતે થયેલો હોય છે.
મધ્યકાલીન સમયમાં એક ત્રીજી પરંપરા વિશેષ પ્રચલિત છે. સર્જક પોતાની માતૃભાષા ઉપરાંત અન્ય ભાષાઓમાં પણ કૃતિઓ રચતો હોય છે. અખો, યશોવિજયજી, પ્રીતમ, નિરાંત, મુક્તાનંદ, નિષ્કુલાનંદ અને દયારામ જેવા ગુજરાતી કવિઓએ વ્રજ ભાષામાં સ્વતંત્ર રચનાઓ કરી છે. આ પરંપરા દલપતરામમાં પણ જોવા મળે છે. દલપતરામે વ્રજ ભાષામાં સ્વતંત્ર ગ્રંથો રચ્યા છે.
યોગી આનંદઘનનાં સ્તવનોમાં મિશ્ર ભાષાની પરંપરાનો પ્રથમ પ્રકાર જોવા મળે છે. આમાં પાયા રૂપે એક ભાષા પ્રયોજાયેલી છે. એની સાથોસાથ અન્ય ભાષાની છાંટ દેખાઈ આવે છે. મિશ્ર ભાષાનું આ વલણ જૈન સાધુઓમાં એમના વિહારને કારણે પણ આવ્યું હોય. આનંદઘનની વિહારભૂમિ ગુજરાત અને રાજસ્થાન છે અને તેથી એમની ભાષામાં આ બંને પ્રદેશની ભાષાઓનું મિશ્રણ છે. આ સમયના જૈન સાધુઓમાં ગુજરાતી અને રાજસ્થાની ભાષાના મિશ્ર સ્વરૂપની પરંપરા જોવા મળે છે, તો જૈનેતર સાધુ-સંતોમાં ગુજરાતી અને વ્રજ ભાષાના મિશ્ર સ્વરૂપની પરંપરા નજરે પડે છે.
આ મિશ્ર ભાષાસ્વરૂપને પારખતાં પહેલાં કેટલીક બાબતો વિચાર માગી લે છે. એ સમયે ભાષાઓના કોઈ વાડા નહોતા કે ન તો ભાષાને કોઈ ‘લેબલ’ હતું. આ સ્તવનોનું ભાષાસ્વરૂપ
119