Book Title: Anandghan Jivan Ane Kavan
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 49
________________ ચાર સ્તવનોની સંખ્યા પરંપરા સર્જે છે. આનંદઘનનાં આ સ્તવનો વિશે આચાર્ય ક્ષિતિમોહન સેન કહે છે કે આમાં તેઓ “માનસિક સમસ્યાઓને લઈને વ્યસ્ત” જણાય છે.૧૫ જો કે આનંદઘન આવી સમસ્યા-વ્યસ્ત લાગતા નથી. તેઓ તો આ સ્તવનમાં અધ્યાત્મમાર્ગમાં આવતી સમસ્યાઓનો ઉકેલ આપે છે અને એમની શ્રદ્ધા જૈનદર્શનમાં દૃઢપણે રોપાયેલી જણાય છે. એ દર્શનનું જ તેઓ આલેખન કરે છે. આથી જ યોગ કે અધ્યાત્મ, વૈરાગ્ય કે તત્ત્વજ્ઞાન એ દરેક વિષયમાં તેઓનો તત્ત્વવિચાર ઉચ્ચ કોટિનો પ્રતીત થાય છે. યોગમય અનુભવપૂર્ણ વિચારો, નૈસર્ગિક લાઘવયુક્ત વાણી અને ઉચ્ચ કોટિના તત્ત્વવિચારને કારણે આનંદઘનનાં આ સ્તવનો જૈનપરંપરામાં અળગાં કરી આવે છે અને એ પ્રકારના સાહિત્યમાં ઉચ્ચ સ્થાને બિરાજે છે. આનંદઘનજીનાં સ્તવનો એ આધ્યાત્મિક પ્રક્રિયાના અહેવાલરૂપ છે, તો એમનાં પદોમાં સત્યશોધકની વિહ્વળતા જોવા મળે છે. સ્તવનોમાં તીર્થંકરોની સ્તુતિ નહીં, કિંતુ અધ્યાત્મ અનુભવની અભિવ્યક્તિ છે, પદોમાં દેશ, કાળ અને સંપ્રદાયની સંકુચિત સીમાઓને ઓળંગીને આલેખાતો ભાવ-વૈભવ છે. સ્તવનોની જેમ પદોથી પણ આનંદઘનજીએ જૈનપરંપરામાં આગવી ભાત ઉપસાવી છે. આનંદઘનજીએ ભક્તિમાર્ગનું અવલંબન લીધું છે અને જીવનમાં ક્યાંક ઝળકતી એ ભક્તિ પદોમાં ઘૂઘવાટભર્યા ઉછાળા મારી રહી છે. આ પદોમાં એમણે મતાંધતાનો વિરોધ કર્યો છે. સાધનાના વિચારોને પ્રણયની પરિભાષામાં મૂક્યા છે. રામ અને રહીમ, મહાદેવ અને પાર્શ્વનાથને સમાન માનનારા આનંદઘન સાંપ્રદાયિક ભાવોથી ઘણા આગળ નીકળી ગયા છે. આ સમયે ગચ્છની તકરારમાં ઘણા સાધુઓ ડૂબેલા હતા. ચોપાસ સાંપ્રદાયિક ઝઘડાઓ ચાલતા હતા. ધર્મના અને માનવીના મનના વાડા વધુ ને વધુ સંકુચિત બનતા હતા. સત્યવિજયજીની ક્રિયોદ્ધારની પ્રવૃત્તિ વેગ પકડતી હતી, તો બીજી બાજુ ઉપાધ્યાય યશોવિજયજીની વિદ્વત્તાનો પ્રખર પ્રકાશ પથરાઈ ગયો હતો. કબીર, મીરાં અને દિગંબર કવિ બનારસીદાસનાં પદો ગુંજતાં હતાં ત્યારે કવિ આનંદઘનની સાધનાએ મધ્યયુગમાં એક નવો જ પ્રકાશ પાથર્યો. આનંદઘેનમાં સાધકની મસ્તી, શોધકની પ્રયોગશીલતા અને આત્મજ્ઞાનીની અનુભવખુમારી ઝળકે છે. એમનાં સ્તવનો જૈનદર્શનની મનોરમ અભિવ્યક્તિ સમાન છે, તો એમનાં પદો સત્યશોધકની રમણીય યાત્રાનાં તીર્થસ્થાનો છે. આ સ્તવનો અને પદો એ કોઈ સંપ્રદાયવિશેષની સંપત્તિ રહેવાને બદલે પ્રત્યેક આત્મજ્ઞાનીને માટે પથદર્શક બની રહ્યાં છે. આનંદઘનજીએ એમનાં આ સ્તવનો અને પદોથી મધ્યયુગના સાહિત્યમાં અને એના સાધનાપ્રવાહમાં અવિસ્મરણીય ફાળો આપ્યો છે. આનંદઘનજીનાં સ્તવનોમાં તેવીસમા અને ચોવીસમા સ્તવનો મળે છે, તે આનંદઘનજીને બદલે અન્ય કોઈ વ્યક્તિને હાથે રચાયેલાં લાગે છે. “ચોવીસી” પૂર્ણ કરવાના આશયથી આની રચના થઈ છે. આનંદઘનજીએ બાવીસ જ સ્તવનો લખ્યાં છે, એના આધાર રૂપે અન્ય હકીકતો પણ મળે છે. હસ્તપ્રતોના સંશોધન દરમિયાન જે સૌથી જૂની બે પ્રતિ મળી છે, તેમાં આનંદઘનજીનાં બાવીસ સ્તવનો મળે છે અને એ બાવીસ સ્તવન પછી એની પુષ્મિકા આપવામાં આવે છે. આથી અધ્યાત્મયોગી શ્રીઆનંદઘનજીએ બાવીસ સ્તવનોની જ રચના કરી છે એમ નિઃસંદેહ કહી શકાય. વળી, એક બીજી નોંધપાત્ર બાબત એ છે કે આનંદઘનજીનો દેહોત્સર્ગ આશરે સં. ૧૭૩૦માં થયો, જ્યારે જ્ઞાનવિમલસૂરિએ સં. ૧૭૬૯માં “આનંદઘન બાવીસી” પર સ્તબક રચ્યું. માત્ર ૩૮ વર્ષમાં જ છેલ્લાં બે સ્તવનો લુપ્ત થઈ જાય એ શક્ય નથી. આનંદઘનજી અને શ્રીજ્ઞાનવિમલસૂરિ લગભગ સમકાલીન હતા અને એમને બાવીસ જ સ્તવનો મળ્યાં છે. આથી આનંદઘનજીએ બાવીસ સ્તવનોની રચના કરી હતી એમ નિશ્ચિતપણે માની શકાય. શ્રીમદ્ આનંદઘનજીએ બાવીસ સ્તવન લખ્યાં છે એના આધારમાં એક મહાયોગી આનંદઘન

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101