________________
રચના જ બની જતાં. અધ્યાત્મયોગી આનંદઘને એમનાં સ્તવનોમાં વિષય પરત્વે નવું જ ખેડાણ કર્યું અને એમણે પાડેલો આ તાત્ત્વિક ચર્ચાનો ચીલો આગળ જતાં રાજમાર્ગ બની ગયો. એમનાં સ્તવનોમાં તીર્થકર તરફ આજીજી, વિનંતી કે યાચનાનો ભાવ નથી. ભાવનાનું કોઈ પૂર રેલાવતા નથી, પરંતુ જ્ઞાન અને ભક્તિના ગૌરવભર્યા સાયુજ્યથી પોતાનું આત્મચિંતન આલેખે છે. અધ્યાત્મની ગહન અનુભૂતિઓના અનુભવરસથી છલોછલ પ્યાલાને પીનાર આ મસ્ત સાધકનો આત્મા એવો તો યોગથી રંગાઈ ગયો છે કે એમની પ્રત્યેક પંક્તિમાં ગહન જ્ઞાન અને દૃઢ આત્મપ્રતીતિનો અનુભવ થાય છે. આ સ્તવનોમાં કોઈ રૂઢ ભાવ જણાતો નથી. કોઈ પરંપરાગત આલેખન દેખાતું નથી. અન્ય યોગીનું અનુકરણ કે અનુરટણ જણાતું નથી. આમાં તો નિજાનુભવનો ચિતાર સ્વચ્છ ઝરણાની જેમ ખળખળ વહે જાય છે અને એનાં વારિ જિજ્ઞાસુને ગહન યોગામૃતનો આસ્વાદ આપે છે.
આ સ્તવનોની વાણી સ્વયંસ્કુરિત છે. કવિને ક્યાંય ભાવ આલેખવા માટે આયાસ કરવો પડતો નથી. ક્યાંય શબ્દોની ઠરડ-મરડ કરવી પડતી નથી. અંતરમાંથી સીધેસીધી સરતી વાણીનું નિર્ચાજ સૌંદર્ય આ સ્તવનોમાં મળે છે. જ્ઞાનનો વિષય હોય ત્યાં એ મહાનદની પેઠે ધીર-ગંભીર ગતિ ધારણ કરે છે. ભક્તિની વાત આવે ત્યાં એ વાણી રંગભર્યા ઉલ્લાસે ખીલતી જોવા મળે છે. ક્યાંક મનના ચંચળ સ્વરૂપને શબદમાં સિદ્ધ કરવાનું આવે તો એ વાણી તરલ રૂપ ધારણ કરે છે. રાજુલ નેમિનાથને ઉપાલંભ આપતી હોય ત્યારે એના હૈયાની અકળામણ અને ડંખ પણ આબાદ રીતે વ્યક્ત થાય છે. આ રીતે માત્ર તત્ત્વચિંતન પર નજર ઠેરવતા આનંદઘને વાણીનું અનુપમ ઔચિત્ય દાખવ્યું છે.
આનંદઘનની કથનશૈલી પણ નોંધપાત્ર છે. પોતે જે મતનું પ્રતિપાદન કરવા માગે છે એનાથી વિરુદ્ધ મતની વાત કરવી હોય તો ઘણા સૌજન્યથી એ વિરોધી મતની રજૂઆત કરે છે. આમાં પણ ‘કોઈ થી વિરોધી મતને રજૂ કરવાની એમની રીત લાક્ષણિક છે :
“કોઈ કંત કારણિ કાઠ ભૂખ્યણ કરે ” (૧ : ૩) “કોઈ પતિરંજણને ઘણ તપ કરે ”
(૧ : ૪). કોઈ કહે લીલા રે લલક અલખ તણી” (૧ : ૫) “કોઈ અબંધ આતમતત માને.”
(૨૦ : ૨) ક્યારેક ‘એક કહે ” રીતે પણ વિરુદ્ધ મતનું આલેખન કરે છે“એક કહિ સેવીઈ વિવિધ કિરિઆ કરી.” (૧૪ : ૨)
મહાયોગી આનંદઘન
એક કહે નિત્ય જ આતમતત”
(૨૦:૪) પ્રત્યેક સ્તવનનો પ્રારંભ કવિએ જુદી જુદી રીતે કર્યો છે. ક્યાંક પોતે પરમાત્માને સવાલ પૂછીને સ્તવનનો પ્રારંભ કર્યો છે, તો ક્યાંક પરમાત્મા પાસે કોઈ તત્ત્વની જાણકારી માગી છે. આથી દરેક સ્તવનના પ્રારંભમાં નાવીન્ય છે, પરંપરાથી વેગળા રહેતા આનંદઘન આલેખનની પરંપરામાં પણ જકડાયા નથી.
પ્રત્યેક સ્તવનની પ્રથમ ગાથામાં આનંદઘનજીએ તીર્થકરનું નામ આપ્યું છે, પરંતુ તીર્થંકરનો મહિમા ગાવાથી વિશેષ એમના જીવનનો કોઈ પ્રસંગ પ્રથમ એકવીસ સ્તવનોમાં આલેખ્યો નથી. આ એકવીસ સ્તવનોમાં પ્રભુસ્તવનને નિમિત્તે તેઓ આત્મદર્શન કરવાનો પ્રયત્ન હાથ ધરે છે. પ્રભુનું નામ આપીને આત્મગુણની પિછાને મેળવવાનો હેતુ છે. આ રીતે તીર્થંકરનું તો માત્ર નામ જ છે, જ્યારે સ્તવનનો હેતુ તો આંતરશત્રુ પર વિજય મેળવવાનો છે. આ સ્તવનોમાં આનંદઘનજીએ આત્મસાધનાની ક્રમિક વિકાસયાત્રા આલેખી છે અને એથી આમાં વિષયનું સાતત્ય જોવા મળે છે. એક સ્તવનમાંથી બીજા સ્તવનનો વિચાર સ્ફરે છે. સાધનાનું એક પગથિયું જાણ્યા પછી સાધક બીજા પગથિયે પગ મૂકે છે. અધ્યાત્મ પર વધુ ને વધુ ઝોક આપી સ્તવનની તાત્ત્વિક વિચારણા આગળ વધતી રહે છે. આમાં સૂત્રાત્મક ટૂંકાં વાક્યો મળે છે, રૂઢિપ્રયોગો અને કહેવતો મળે છે. ઉપમા, દૃષ્ટાંત, અર્થાતરન્યાસ, વ્યતિરેક અને શ્લેષ જેવા અલંકારો મળે છે. આ રીતે સ્તવનો જ્ઞાનના ભંડાર, યોગનાં સોપાન અને સત્ય માર્ગનાં દ્યોતક છે. ક્યાંક કવિત્વ પણ ઝળકી ઊઠે છે. બાવીસમા સ્તવનમાં કવિ-કલ્પનાની રમણીય લીલા રાજુલના ઉપાલંભમાં અભિવ્યક્ત થઈ છે, જ્યારે તેરમા શ્રી વિમલનાથ જિનના સ્તવનમાં પ્રભુપ્રતિમાનું કેવું મધુર આલેખન કર્યું છે !
“અમી ઝરી તુઝ મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કોઈ, દૃષ્ટિ સુધારસ ઝીલતી રે, નિરખતિ તૃપતિ ન હોઈ.”
( ૧૩ : ૬) આત્મા જ્યારે પરમાત્મા-સ્વરૂપ બને ત્યારે કેવી ખુમારી પ્રગટ થાય છે ! એ ખુમારીનું આલેખન કરતાં આનંદઘન ગાઈ ઊઠે છે :
“અહો હું અહો હું મુઝમેં કહું, નમો મુઝ નમો મુઝ રે, અમિત ફલ દાન દાતારને, જેહને ભેટ થઇ તુજઝ રે.”
(૧૬ : ૩) આનંદઘનનું જ્ઞાન એ સ્વસંવેદ્ય જ્ઞાન છે. આવો નિજાનંદે મસ્ત કવિ કોઈનો અનુગામી હોતો નથી, પણ પોતાના યોગ, વૈરાગ્ય અને અધ્યાત્મથી એક નવી
પરંપરા અને આનંદઘન