Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
જૈન આગમોમાં 'ઉત્તરાધ્યયન-સૂત્ર'
૧ ઉત્તરાધ્યયન : આ એક ધાર્મિક શ્રમણ કાવ્ય-ગ્રંથ છે. તેમાં તાજા દીક્ષિત થયેલા સાધુઓના સામાન્ય આચાર-વિચાર વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે. ક્યાંક ક્યાંક જૈનદર્શનના સામાન્ય મૂળભૂત સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવી છે. તેની વિશેષ ચર્ચા આગળ ઉપર કરવામાં આવશે.
૨ દશવૈકાલિક : આ પણ ઉત્તરાધ્યયનની જેમ આચારધર્મનું પ્રતિપાદક ધાર્મિક શ્રમણ-કાવ્ય છે. તેમાં વિનય, નીતિ-ઉપદેશ અને સુભાષિતોની પ્રચુરતા છે. કેટલાંક અધ્યયન તથા ગાથાઓ ઉત્તરાધ્યયન અને આચારાંગ સાથે સામ્ય ધરાવે છે'. તેના રચયિતા શય્યભવ (ઈ.પૂ. ૪૫૨-૪૨૯) છે. ભદ્રબાહુની નિર્યુક્તિ અનુસાર તેનું ચોથું અધ્યયન આત્મપ્રવાદ પૂર્વમાંથી, પાંચમું કર્મપ્રવાદ પૂર્વમાંથી, સાતમું સત્યપ્રવાદ પૂર્વમાંથી અને બાકીના પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વના ત્રીજા અધિકાર (વસ્તુ)માંથી લેવામાં આવેલ છે. પછીના સમયમાં તેના પર પુષ્કળ ટીકાસાહિત્ય લખવામાં આવ્યું છે. ભાષા અને વિષયની દૃષ્ટિએ આ પણ ઉત્તરાધ્યયનની જેમ પ્રાચીન અને મહત્ત્વપૂર્ણ છે.
૩ આવશ્યક : નંદીસૂત્રના વર્ગીકરણ અનુસાર પહેલાં આ છ સ્વતંત્ર ગ્રંથોના સ્વરૂપે હતું. પણ હવે તે એક જ ગ્રંથના રૂપે વિદ્યમાન છે. તેમા સાધુઓની આવશ્યક છ નિત્યક્રિયાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. તેના પર સમય જતાં વિપુલ ટીકા સાહિત્ય લખાયું.
૪ પિંડનિર્યુક્તિ : આ દશવેકાલિક સૂત્રના ‘પિંડેu’ નામના પાંચમા અધ્યયન ઉપર લખાયેલ ભદ્રબાહુ-રચિત કૃતિ છે. વિસ્તાર અને મહત્ત્વને લીધે તેને પૃથક્ ગ્રંથના રૂપે માનવામાં આવે છે. પિંડ એટલે ભોજન. તેમા સાધુના ભોજન વિષયક સિદ્ધાંતની ચર્ચા કરવામાં આવી છે. તેમાં વર્ણવાયેલ ભોજન સંબંધી સાધુના નિયમોમાંથી અનેક મહત્ત્વની બાબતો જાણવા મળે છે.
૯
૧ જે. સા. બૃ. ઇ. ભાગ-૨, પૃ. ૧૮૧, હિ. કે. બિ. જૈ. પૃ. ૧૫૬. ૨ પ્રાચીન કાળમાં સમસ્ત શ્રુતજ્ઞાન ૧૪-પૂર્વ ગ્રંથોમાં સમાવિષ્ટ થયેલું હતું. તેનાં નામ આ પ્રમાણે છે : ઉત્પાદ, અગ્રાયણી, વીર્યપ્રવાદ, અસ્તિ-નાસ્તિપ્રવાદ, જ્ઞાનપ્રવાદ, સત્યપ્રવાદ, આત્મપ્રવાદ, સમયપ્રવાદ, પ્રત્યાખ્યાનપ્રવાદ, વિદ્યાનુપ્રવાદ, અવન્ધ્ય, પ્રાણાવાય, ક્રિયાવિશાલ અને બિન્દુસાર.
૩ દકશવૈકાલિક-નિર્યુક્તિ, ગાથા ૧૬-૧૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org