________________
પ્રાસ્તાવિકમ
પં. મહાબોધિવિજય
બહુ પ્રસિદ્ધ જોક છે...
ધરતી પર વધી ગયેલા અત્યાચારોથી ત્રાસીને એક વખત ભક્તએ ભગવાનને પ્રાર્થના કરીઃ હે ભગવાન ! તેં ગીતાજીના પેલા શ્લોકમાં કહ્યું છેઃ यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।
"
अभ्युत्थानमधर्मस्य, तदाऽऽत्मानं सृजाम्यहम् ।।
(હે અર્જુન! જ્યારે જ્યારે આ ધરતી પરથી ધર્મની હાનિ થાય છે, અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું અવતાર ગ્રહણ કરું છું.)
તો શા માટે તું અત્યારે જન્મ નથી લેતો? અત્યારે તો તારે જન્મ લેવા માટેનો બેસ્ટ ચાન્સ છે. કદાચ ભૂતકાળમાં ક્યારેય ન હતો એવો હળાહળ કાળ અત્યારે ચાલી રહ્યો છે.
જ્યાં સગા દીકરા પોતાના બાપને ઘરના ઘરમાંથી બહાર કાઢી ઘરડાઘરમાં મોકલી દે છે. જ્યાં સગા બાપના દેખતા જ દીકરી પર બળાત્કાર થાય છે. જ્યાં પતિ-પત્ની વચ્ચે અણબનાવ થતા સળગાવીને મારી નાંખવાના કિસ્સાઓ બને છે. જ્યાં દુરાચાર, ભ્રષ્ટાચાર અને વ્યભિચારે માઝા મૂકી છે...પ્રભુ ! આવા બેકાર સમયે તમે આ ધરતી પર નહિ અવતો તો ક્યારે અવતરશો ? પ્રભુ ! જલ્દીથી હવે જન્મ લ્યો અને આ ધરતી પરના અધર્મોનો ખાતમો બોલાવો.
ભક્તની કાકલુદીભરી વિનંતી સાંભળી પ્રભુ ખુદ પ્રગટ થયા...અને બોલ્યાઃ વત્સ ! શું તું એમ સમજે છે કે મને આ ધરતી પર વધી ગયેલા પાપોની ખબર જ નથી. મને બધું જ દેખાય છે અને એટલા જ માટે મેં કેટલીય વાર આ ધરતી પર અવતરવાનું નક્કી કર્યું.
તો ? ભક્તથી વચ્ચે જ પૂછાઇ ગયું.
તો શું ! પ્રભુ બોલ્યા...મેં જેટલી વાર ધરતી ૫૨ અવતરવા માતાની કુક્ષીમાં પ્રવેશ કર્યો-એટલીવાર મારો ગર્ભપાત થઇ ગયો.
જોકમાં રહેલા હાસ્યને ગૌણ કરી દેવાય અને શ્લોકમાં રહેલા રહસ્યને પ્રધાન કરી દેવાય તો વીતરાગ પરમાત્મા અને સરાગ દેવી-દેવતા વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ થઇ જાય છે.
એક વખત ઇશ્વર બનીને સર્વકર્મનો ક્ષય કરી જે મોક્ષમાં ચાલ્યા જાય...એને હવે આ સંસારમાં પુનઃ અવતરવાનું પ્રયોજન જ રહેતું નથી. કારણ કે પુનઃ અવતરણ માટે કર્મનો અંશ જોઇએ. તે માટે રાગ/દ્વેષની પરિણતિ જોઇએ. પરિણતિનો આધાર મન છે અને મનનો આધાર શરીર છે. તો જેની પાસે શરીરથી લગાવી કર્મનો અંશ માત્ર નથી, એકલું નિર્મલ આત્મદ્રવ્ય જ છે...તે આ દુઃખમય સંસારમાં પુનઃ અવતરે જ શા માટે ? મૂર્ત નાસ્તિ તઃ શારવા ?