________________
વિદ્યા-મંત્રની સિદ્ધિ સુલભ બને છે. લોકોના હૃદયમાં સબુદ્ધિ અને સગુણોની વૃદ્ધિ થવાથી ન્યાય-નીતિ અને સુખમયતાનું વાતાવરણ સર્વત્ર વ્યાપી જાય છે.
રાજ્યમાં પણ પરમાત્માનો જન્મ મહોત્સવ ઉદારતાથી, ભવ્યતાથી અને વાત્સલ્યભાવના ઉછાળાપૂર્વક ઉજવાય છે. ઇન્દ્રએ જમણા હાથમાં અંગુઠામાં પૂરેલા અમૃતથી વૃદ્ધિ પામતા દેવાધિદેવ (ક્યારેય માતાનું સ્તનપાન કરે નહીં)ની સેવા દેવાંગનાઓ કરે છે. દેવકુંવરો ક્રીડા કરવા વારંવાર આવે છે. શિશુપણામાં પણ પ્રભુ અચપલ સ્વભાવવાળા અને ત્રણલોકને આનંદ પમાડનારા હોય છે. બાળવયમાં પણ અમાપ પરાક્રમવાળા, ઉત્તમ સ્વભાવવાળા અને પરમશક્તિના ભંડાર હોય છે. ભણ્યા વિના જ વિદ્વાન, શિક્ષણ વિના તમામ કળામાં કુશળ અને અલંકારાદિની શોભા વિના પણ પરમશોભાને ધારણ કરનારા હોય છે.
અત્યુત્કૃષ્ટ રૂપ અને સૌભાગ્યના ભંડાર પ્રભુજીની યૌવનકાળની રૂપશોભા એવી તો અદ્ભુત હોય છે કે દેવેન્દ્રો અને અસુરેન્દ્રોના મનમાં પણ પરમચમત્કાર પેદા થાય છે. તમામ દેવો ભેગા મળીને એક અંગુઠા પ્રમાણ નવું રૂપ બનાવે તો ય પ્રભુના તેજોવલય શા દેહની સામે બુઝાયેલા અંગારા જેવું તેજહીન લાગે છે. એક હજાર આઠ બાહ્ય લક્ષણોથી યુક્ત પ્રભુના શરીરનું બંધારણ (સંઘયણ), શરીરની રચના તથા અવયવોની ગોઠવણ (સંસ્થાન), રૂપ, ચાલ, સૌંદર્ય, લાવણ્ય, વચન, દર્શન, સ્પર્શન બધું જ અનુપમ અને અલૌકિક હોય છે. પરમાત્માના પ્રભુતા, પ્રશાંતપણું, ઇન્દ્રિયજય, સૌમ્યતા, નિર્ભયતા, ઉદારતા, ગંભીરતા, ધીરતા, દયાળુતા, સદાચારિતા, મર્યાદાસપન્નતા, વિવેકિતા, ઔચિત્યપાલન આદિ ત્રણે લોકમાં સૌથી ચડિયાતા ગુણસમુહના કારણે મહાન યશકીર્તિને પ્રાપ્ત કરે છે.
દીક્ષા કલ્યાણક નિકાચિત ભોગાવલી કર્મના ઉદયે વિવાહજીવન અનુસરવા છતાં કે વિરાટ સામ્રાજ્યના અધિપતિ બનવા છતાં તેલથી પાણી અલિપ્ત રહે તેમ પ્રભુ વૈરાગ્યમાં મગ્ન રહે છે. સંસારમાં એવી કોઇ વસ્તુ નથી જે પ્રભુના મનને વાસ્તવિક રીતે આકર્ષી શકે. તેઓ સહજપણે વૈરાગ્યતરબોળ હોવા છતાં, અવધિજ્ઞાનના કારણે હવે પોતાને મોક્ષપુરુષાર્થ સાધવાનો સમય આવી ચૂક્યો