________________
૮) ચતુર્મુખાંગતા - સમવસરણમાં પરમાત્મા ચાર દેહ અને ચાર મુખવાળા હોય છે. સમવસરણમાં પ્રભુજી સ્વયં પૂર્વદિશાના સિંહાસને બેસે છે. બીજી ત્રણ દિશાઓમાં વ્યંતર દેવતાઓ સિંહાસન સહિત પ્રભુજીના પ્રતિબિંબ રચે છે. ત્રણે લોકના દેવોમાં ભેગા થઇને પણ પ્રભુજીનો એક અંગુઠો પણ બનાવવાની ક્ષમતા નથી હોતી, જ્યારે અહીં એક વ્યંતર દેવ પણ પ્રભુજી જેવા જ ત્રણ ત્રણ આખા રૂપ વિકર્વી લે તે પરમાત્માનો અચિંત્ય મહિમા જ છે. ત્રણે પ્રતિબિંબ પરમાત્મા જેવા જ હોય, સજીવન જેવા જ લાગતા હોય, જેવી પરમાત્મા દેશના આપે તે પ્રમાણે મુખ આદિનું હલનચલન થતું હોય તેથી સહુને એમ જ લાગે છે કે સાચા પ્રભુજી મારી સામે જ બેઠા છે. અને મને જ દેશના આપે છે.
પ્રભુજી ચતુર્મુખ હોવા છતાં દરેક જીવને ભગવંતનું એક જ મુખ દેખાય છે. બે-ત્રણ કે ચાર ન દેખાય. આ પણ પરમાત્માનો અતિશય જ છે.
૯) અશોકવૃક્ષ – અષ્ટપ્રાતિહાર્યમાંથી જાણી લેવું.
૧૦) કાંટાઓ ઉધા થઇ જાય – પ્રભુજીના વિહારમાર્ગમાં આવતા કાંટાઓ ઉંધા એટલે અણીનો ભાગ નીચે થઇ જાય છે. તેથી તે કોઇને પણ વાગે નહીં.
૧૧) વૃક્ષોનું નમન - પરમાત્મા સપરિવાર જે માર્ગેથી વિહાર કરે તે માર્ગની બન્ને બાજુના વૃક્ષો નમે છે જેથી એમ લાગે કે તેઓ પ્રભુજીને પ્રણામ કરે છે.
૧૨) દુંદુભિનાદ – અષ્ટ મહાપ્રાતિહાર્યમાંથી જાણી લેવું.
૧૩) વાયુની અનુકૂળતા - પરમાત્મા જ્યારે વિહાર કરે ત્યારે શીતલ, સુગંધી અને મંદમંદ વાયુ પાછળથી વહે છે, જેથી સહુને અનુકૂળતા રહે.
૧૪) પક્ષીઓની પ્રદક્ષિણા - વિહાર સમયે પંખીઓ આકાશમાંથી પસાર થતા હોય તો પરમાત્માને દક્ષિણાવર્ત પ્રદક્ષિણા આપતા આગળ જાય છે. શુકનશાસ્ત્રમાં પોપટ, ચાસ, મોર આદિની દક્ષિણાવર્ત પ્રદક્ષિણા ખૂબ જ ઉત્તમ શુકન ગણાયું છે.
૧૫) સુગંધી જલની વૃષ્ટિ - પરમાત્માના વિચરણસ્થળ અને નિવાસ સ્થળની આસપાસ ધૂળને સમાવવા માટે ઘનસાર વગેરે ઊંચા સુગંધી દ્રવ્યોથી યુક્ત જલની વર્ષા વાદળો દ્વારા મેઘકુમાર દેવો કરે છે.
૪૬