________________
ધજાઓ વગેરે લાગેલી હોય છે. નીચે વેદિકા અને ઉપર એક યોજનનો ફેલાવો હોય છે. આ અશોકવૃક્ષ એટલું બધું સુંદર હોય છે કે તે જોયા પછી ઇન્દ્રનું ચિત્ત પોતાના ઉદ્યાનમાં પણ ઠરતું નથી. તેને બનાવનાર દેવતા જ હોવા છતાં સૌંદર્ય વગેરે ગુણોની આટલી પરાકાષ્ઠા આવવી પરમાત્માનો અતિશય છે.
અશોકવૃક્ષ તે-તે તીર્થંકર પરમાત્માથી બાર ગણું ઊંચું હોય છે. તેના પર દેવતાઓ ચૈત્યવૃક્ષ = કેવળજ્ઞાનની ઉત્પત્તિ જે વૃક્ષ નીચે થાય તેને સ્થાપિત કરે છે. ૨૪ તીર્થકરોના કેવળજ્ઞાનોત્પત્તિ વૃક્ષો-ન્યગ્રોધ (વડ), સપ્તપર્ણ, સાલ, પ્રિયક, પ્રિયાંગુ, છત્રાધ, સરિસ, નાગવૃક્ષ, માલીક, પીલકું, હિંદુગ, પાડલ, જંબૂ, અશ્વત્થ, દધિપર્ણ, નંદી, તિલક, અંબ, અશોક, ચંપક, બકુલ, વેડસ (વેતસ), ધવ અને સાલ. પરમાત્મા જ્યારે સમવસરણમાં અશોકવૃક્ષ પાસે પધારે છે ત્યારે સૌથી પ્રથમ ચૈત્યવૃક્ષ સહિતના અશોકવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા આપી પછી જ સિંહાસન પર બેસે છે. અશોકવૃક્ષનો મહિમા એવો બતાવ્યો છે કે જગતના સર્વ જીવોનો શોક દૂર કરે છે.
૨) પુષ્પવૃષ્ટિ – દેવતાઓ જમીન પર કે પાણી પર ઊગતા કે વૈક્રિયલબ્ધિ વડે વિદુર્વેલા પાંચ વર્ણના અતિસુગંધી સુવિકસિત પુષ્પોની સતત વૃષ્ટિ એવી રીતે વરસાવે છે કે પુષ્પોના ડીંટીયા નીચે હોય અને ખીલેલો મુખભાગ ઉપર હોય. ઢીંચણપ્રમાણ થઇ જતો આ થર એક યોજન સુધી ફેલાયેલો હોય છે અને પરમાત્માના પ્રભાવે ગમે તેટલા લોકો તેના પરથી આવ-જા કરે તો પણ તે ફુલોને સહેજ પણ પીડા થતી નથી, ઉપરથી પરમાત્માના અતિશયના પ્રભાવે તેના મન સમુલ્લસિત થાય છે. તેથી જ સાધુ ભગવંતોને પણ તેના પરથી જવા-આવવામાં સચિત્તની વિરાધનાનો દોષ નથી લાગતો. પુષ્પવૃષ્ટિમાં માત્ર ઢગલા નથી કરવામાં આવતા પરંતુ સ્વસ્તિક, શ્રીવત્સ આદિ વિવિધ મંગલમય રચનાઓ પણ કરવામાં આવે છે, આવનારા-જનારાના પગ લાગવા છતાં તે પુષ્પો દબાતા ન હોવાથી સપાટી કાયમ એકસરખી જ રહે છે. પરમાભાના વિહારમાં પણ પુષ્પવૃષ્ટિ સતત થાય છે. તેથી પરમાત્મા જેમ નવ સુવર્ણકમળ પર વિહાર કરે છે તેમ સાથે રહેનારને પણ જમીન પર ચાલવાનું હોતું નથી. એકસરખી પુષ્પવૃષ્ટિ પર જ વિહાર કરવાનો હોય છે.
પુષ્પવૃષ્ટિમાં કલ્પવૃક્ષના, પારિજાતના આદિ દિવ્યપુષ્પો તેમજ મચ