________________
અને તેની છ આવૃત્તિઓ પ્રસિદ્ધ થઈ.
જૈન ધર્મ ઉપર તેમણે ત્રણ મનનીય પુસ્તકો લખ્યાં. બે વર્ષ ઉપર તેમણે ‘બૌદ્ધ ધર્મ : સિદ્ધાંત અને સાધના' લખી નવો ચીલો ચાતર્યો. તેમણે ‘ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે’ પુસ્તક લખીને ગીતાનાં રહસ્યોનું ઉદ્ઘાટન કરી બતાવ્યું. તેમનું ‘ગીતાની ભગવત્તા’ પુસ્તક બહાર પડ્યું. તેમાં તેમણે ગીતાનો સાર આપીને તેના ઉપર ગહન તત્ત્વચિંતન કર્યું છે.
ચંદ્રહાસ ત્રિવેદીના સાહિત્યસર્જનનો પટ મોટો છે અને તેનાં ઊંડાણ પણ વધારે છે. તેમનું સાહિત્ય મોટે ભાગે જીવનલક્ષી રહ્યું છે. પોતે તત્ત્વવેત્તા છે છતાંય તેમના સાહિત્યમાં ક્યાંય તેનો ભાર વર્તાતો નથી. જીવનને તેમણે વિધ વિધ રીતે જોયું છે, જાણ્યું છે અને વિવિધ રંગોમાં તેનું તેમણે ચિત્રણ કર્યું છે.
તેઓ સારા લેખક છે એટલું જ નહીં પણ સારા વક્તા છે. તેમણે વિધ વિધ વિષયો ઉપર જુદાં જુદાં શહેરોમાં અને સંસ્થાઓમાં પ્રવચનો આપેલાં છે. છેલ્લાં દસ વર્ષોથી તેઓ ગુજરાત સમાચારની ‘અગમ નિગમ’ની પૂર્તિમાં ધર્મલોકમાં ચિંતનાત્મક લેખો ‘વિમર્શ’ શીર્ષક હેઠળ લખે છે.
ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી માનવતાલક્ષી સાહિત્ય માટેનું પારિતોષિક તેમના ‘પારકી ભૂમિ પર ઘર' પુસ્તક માટે તેમને આપવામાં આવેલ છે. હ્યુમન સાસાયટી ઑફ ઇન્ડિયા તરફથી તેમને તેમની સત્ત્વશીલ નવલકથા ‘સીમાની પેલે પાર' માટે કનૈયાલાલ માણેકલાલ મુનશી ઍવૉર્ડ આપવામાં આવેલ છે. મૌલિક ચિંતનના પથ ઉપર આજે પણ તેમની કલમ આગળ વધી રહી છે.