Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી નમિનાથજી
855
આપણો ચેતન ચકવો, શુભમતિ નામની ચકવી સાથે ઉપશમ સરોવરમાં નિરંતર ક્રીડા કરતો હોય, તો આપણે નમિજિનના ચરણોની વાસ્તવમાં ઉપાસના કરી કહેવાય.
ઉપાસના એ બાહ્ય તત્ત્વ નથી. એ લોકોની નજરમાં આવે એવું નથી. બાહ્યભક્તિ એ ઉપાસના નથી પણ બાહ્યભક્તિ કરતાં ઉપાસ્ય જેવા થવાની તમન્ના, ઉપાસ્યની સાથે અભેદ પામવાનો તલસાટ અને પ્રતિ સમય ઉપાસ્યની દિશામાં ઉધ્વરોહણ એ ઉપાસના છે. ઉપાસના એ ઉપાસકને ઉપાસ્યથી અભિન બનાવે છે. જો ઉપાસ્યની ઉપાસના કરતાં ઉપાસક ઉપાસ્યથી અભિન્ન ન બને તો તે ઉપાસના શાની ?
અહિંયા પહેલી કડીમાં યોગીરાજનું એ ભારપૂર્વક કહેવું છે કે તમે છ યે દર્શનોમાંથી એકપણ દર્શન પ્રત્યે વિપરીતભાવ ન લાવો ! કોઈના પ્રત્યે વિરોધી વર્તને ન કરો ! એ સર્વજ્ઞ પ્રણીત નથી માટે એની ઠેકડી ન ઉડાડો! એના પ્રણેતા વીતરાગ નથી માટે તેની હાંસી ન ઉડાવો કારણકે સર્વજ્ઞ ન હોવા છતાં પ્રામાણિક છે. વીતરાગ ન હોવા છતાં વિરાગી છે, તો તેમાં રહેલી તેટલી સચ્ચાઈનો સ્વીકાર કરો! તેઓ પણ આત્મા-મોક્ષને માને છે, આસ્તિક છે, નાસ્તિક નથી એટલા અંશે; તેને આદરથી જુઓ અને કદાચ તેઓ પોતાના દર્શનમાં અજ્ઞાનના કારણે આગ્રહી હોય તો તેમની કરૂણા ચિંતવો કે હે પ્રભો ! તેઓમાં રહેલ આટલો દોષ કોઈ પણ રીતે નીકળી જાય ! તે પણ વીતરાગ માર્ગના ઉપાસક બનો! એવી ભાવનાથી તમારા હૃદયને ભાવિત કરો, તો જ તમને નમિજિનના ચરણો સેવતા આવડ્યું છે; એમ મનાય. મોક્ષને પામવાનો આ જ માર્ગ છે. બીજાને ખોટા કહીને-ખરાબ કહીને ક્યારેય મોક્ષે ન જવાય કારણકે તેમ કરવાથી આપણી પરિણતિ દૂષિત થવાનો સંભવ છે.
દર્શનમોહનીયકર્મનો ઉપશમ એટલે ઉપશમસમકિતનો ઉદય.