________________
જેને સંયમ જીવન અને જૈન ધર્મ
અને જો અનાંદ અનુભવાય તો હું મારા સુખને જ સાંભળું છું અને ગોચરી ન મળી તેનો અફસોસ રહ્યો તો ફરીને મેં મારા દુઃખને જ સાંભળ્યું. ત્યારે પ્રકૃતિ શું કહે છે તે તો ચૂકી જ ગઈ. તે સમયે જો પોતાનાં સુખ-દુઃખને સાંભળવા કરતાં પ્રકૃતિ શું કહે છે તે ધ્યાન રાખ્યું હોત તો કદાચ કોઈ રહસ્ય સમજાયું હોત. ગોચરી તો ઉપાશ્રયથી બહાર નીકળવાનું એક બહાનું છે. બહાર નીકળી આ આકાશને તો જો... ! બધાને સ્થાન આપે છે, પોતે કાંઈ માગતો નથી. આ ધરતીને તો જો ! બધાને આધાર આપે છે, પણ પોતે ઇચ્છામુક્ત છે. આ હવાનો અનુભવ તો કર,,, બધાને શાતા પમાડે છે અને પોતે અપેક્ષારહિત છે. આ આકાશમાં પંખી ઊડે કે પતંગ, તેને કોઈ વિરોધ નથી, આ ધરતી પર કોઈ ફૂલ ઉગાડે કે તેને પ્રદૂષિત કરે તેનો પણ તેને વિરોધ નથી. આ હવા કોઈનો પ્રાણ બને કે પ્રદૂષણનો સ્વીકાર, તેને બંને સ્વીકાર છે. ત્યારે ગોચરી મળે કે ન મળે, કે શ્રમણ, તું પણ આ પ્રકૃતિનો એક અંશ છે... સ્વપ્રકૃતિમાં સ્થિર બન.
સંયમજીવનની આ સૌથી મોટી વિશેષતા છે કે સંયમીઓ માટે સ્વયં પ્રકૃતિ ગુરુ બને છે, સ્વયં આ બ્રહ્માંડ ગુરુ બને છે. બસ, આ બ્રહ્માંડના સાચા શિષ્ય બનવું પડે છે. સમાજ આજે સંયમજીવનને માત્ર do's and dont'sથી ભર્યું જીવન સમજે છે. અરે ! આ તે એવી વાત થઈ કે દરિયાના ઊંડાણને દરિયાની પરિધિથી માપવું. સંયમજીવન એક દરિયો છે, જેના ઊંડાણ સુધી ગોતા લગાવવામાં આવે ત્યારે સમજાય કે તે શું છે ! કેવું છે !
ત્યારે જ કહેવું પડે કે,
“નાવિક કા સંબંધ જૂઠા જો તરત તરમાંહી મોતી ગહરા ખોજ નિકાલે મરજીવા ભય ટાલી
જાને હૈ જગત અનેરા જાને લહેર કી બાની
મીઠા લાગત ખારા પાની જગ ભીતર કા જાની''.
અંતે એટલું જ કે જે નાવિક બને છે તેને સાગરની લંબાઈ અને પહોળાઈ કદાચ ખબર પડે છે, પરંતુ જે મરજીવા બને છે તેને લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ ત્રણેની જાણ થાય છે તેમ જ જૈન દર્શન તથા સંયમજીવનને જાણવાનો પ્રયાસ જો નાવિક બનીને કરવામાં આવે તો સાધક ઘણુંઘણું ચૂકી જાય, પરંતુ મરજીવાની જેમ જો ઊંડાણમાં જવાય તો સાચાં મોતી તો હાથ લાગે જ, પરંતુ તરવાનો આનંદ શું છે તે પણ સાથે માણી શકે છે.
(ગોં. સં.ના પ્રાણપરિવારનાં પૂજ્ય ડૉ. તરુલતાજી મહાસતીજીનાં નવદીક્ષિત સુશિષ્યા, પૂજ્ય શ્રી સુતિર્થીકાજી જૈન દર્શન અને ષટ્કર્શનનાં અભ્યાસુ છે અને સુંદર પ્રવચનો આપે છે).
૪૭
ડાયસ્પોરા અને જૈન ધર્મ
- પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ સાહસ અને વ્યાપારી સૂઝ ધરાવતી પ્રજા કોઈ એક ક્ષેત્રમાં સીમિત રહેતી નથી. વેપારી સાહસ અને ખંત ધરાવનારા જૈન સમાજે ગુજરાત, રાજસ્થાન બિહાર ઉપરાંત ભારતનાં અનેકવિધ રાજ્યોમાં પોતાનું આગવું પ્રદાન કર્યું છે. એમણે ‘અંધારિયા ખંડ’ કહેવાતા આફ્રિકાના અજાણ્યા પ્રદેશમાં સાહસભેર પગ મૂક્યો અને આજે અનેક દેશોમાં વેપાર, ઉદ્યોગ, મૅનેજમેન્ટ, કૉમ્પ્યુટર જેવાં ક્ષેત્રોમાં કાર્ય કર્યું છે. અમેરિકા અને યુરોપના દેશમાં પ્રત્યેક દેશના જૈન સમાજને જુઓ એટલે ખયાલ આવશે કે તેઓએ અહિંસા, જીવદયા, તપશ્ચર્યા, ક્ષમાપના, સમન્વય, પર્યુષણ, અનેકાંત જેવા ધર્મના મૂળભૂત સિદ્ધાંતોનું યથાશક્તિ પોતીકી રીતે પાલન કર્યું છે.
જૈન પરંપરા એ તત્ત્વજ્ઞાનની પરંપરા છે, માત્ર કોઈ વૈશ્વિક પરંપરા નથી, પણ એ વિચારની, આચારની અને આહારની આગવી શૈલી છે, આથી આ પરંપરાના મર્મને સમજવો, એને અપનાવવી અને એને પરિભાષિત કરવી એ અત્યંત મહત્ત્વની બાબત છે. આધુનિક સમયમાં જૈન સમાજ પોતાની પ્રતીતિ, પોતાની અસ્મિતા અને પોતાની પહેચાન ઊભી કરે તે જરૂરી છે. આ સમાજમાં દૂરદર્શિતા છે. આજે પર્યાવરણની વાત કરવામાં આવે છે. પ્રદૂષણ દૂર કરવાની વાત થાય છે. તરસ લાગે ત્યારે કૂવો ખોદવાની શરૂઆત થાય છે, ત્યારે જૈન ધર્મમાં હજારો વર્ષ પૂર્વે પ્રકૃતિ સંરક્ષણ, પ્રાણીરક્ષા અને પર્યાવરણની વાત કરવામાં આવી છે. ભગવાન મહાવીરસ્વામીએ વો હૈં માપુસ્સે ના’ (સમગ્ર મનુષ્યજાતિ એક બને) એવો મહાન સંદેશ આપ્યો, ત્યારે આજે જૈન સમાજે એક બનીને અહિંસામય વિશ્વની રચનામાં પોતાનું યોગદાન આપે તેનો સમય પાકી ગયો છે. હિંસા, આતંક, વેરભાવ, ધાર્મિક વિદ્વેષ, પર્યાવરણની અસમતુલા, માનવીની વ્યથિત જીવનશૈલી - એ બધી બાબતોમાં નવો રાહ ચીંધી શકે તેમ છે.
જૈન ધર્મ એ વિશ્વનો એક પ્રાચીન ધર્મ છે. એની પાસે એનાં આગવાં મૂલ્યો, સિદ્ધાંતો અને પરંપરા છે, જેને પરિણામે આજ સુધી એ એનાં મૂલ્યો, ભાવનાઓ અને ક્રિયાકાંડોથી સતત ચાલુ રહ્યો છે. ભગવાન મહાવીરસ્વામીના સમયમાં અનેક તત્ત્વપરંપરાઓ હતી, પરંતુ એમાંના મોટા ભાગના ધર્મો કે વિચારપરંપરા આજે
૪૮