________________
80% વિજ્ઞાન અને જૈન ધર્મ છે
આગમોમાં, શાસ્ત્રોમાં જણાવેલ જૈન સાધના વિષેની ગંભીર ઊંડાણભરી સાધનાલક્ષી વાતો, પૂર્વાચાર્યોએ તેમના ગ્રંથોમાં રજૂ કરેલું તત્ત્વજ્ઞાન અને આત્મોન્નતિ વિશેનાં માર્ગદર્શનો વાંચી જવાથી આપણી સમજણ-માહિતીમાં વધારો થશે, પરંતુ જ્યાં સુધી શરીર, વાણી, ઇન્દ્રિયો અને મનને શાંત અને શુદ્ધ કરી, તેને પ્રયોગ દ્વારા કસોટી પર લેવામાં નહીં આવે ત્યાં સુધી કરેલી ધર્મકરણીનું ફળ અને અનુભૂતિ પ્રાપ્ત નહીં થાય.
કોઈ પણ પ્રકારની ધર્મઆરાધના કરવા માટે ઉત્તમ માધ્યમ આપણું શરીર છે. ત્યાર બાદ વાણી, ઈન્દ્રિયો અને મન તેના સહયોગી છે, પરંતુ જ્યાં સુધી આપણું શરીર જડતા, આળસ, તમોગુણથી જકડાયેલું છે, શરીરમાંના મળોનો પૂરેપરો નિકાલ થયો નથી, શાંત, સ્થિર એક આસને લાંબા સમય સુધી બેસી શકાય એ રીતે શરીર તૈયાર નથી, ઇન્દ્રિયોની ચંચળતા ઘટી નથી, મનમાં હજી વિચારોની વણઝાર ચાલુ જ છે, તો આ સ્થિતિમાં કરાતી સાધના, તપ, તપશ્ચર્યા, સ્વાધ્યાય, મંત્રજાપ અને ધ્યાન જેવી ઉચ્ચ પ્રકારની સાધના કઈ રીતે થઈ શકે? અને કરીએ તોપણ તેમાં સ્થિરતા અને ઊંડાણ કેટલું હોય ?
આ પ્રકારની પરિસ્થિતિ નિવારવા માટે, જૈન સાધનામાર્ગને વધુ સઘન અને પરિણામલક્ષી બનાવવા શરીરને માધ્યમ બનાવી જે પ્રકારની યોગસાધના કરવાની છે તેનો વિચાર કરીશું.
ભારતના યોગીઓ, ઋષિમુનિઓ, મહર્ષિઓ દ્વારા યોગસાધના અંગે જે માર્ગો દર્શાવ્યા છે તેમાંના અનેક માર્ગો પૈકી એક મહર્ષિ પતંજલિ રચિત “અષ્ટાંગ યોગ' છે, જેમાં મુખ્યત્વે શરીર, શ્વાસ, ઈન્દ્રિયો અને મનને કેળવવાની અને તેને જ માધ્યમ બનાવી ઉત્તમ પ્રકારની સાધના માટેનો ક્રમિક માર્ગ દર્શાવ્યો છે.
જૈનાચાર્યોએ પણ યોગસાધના અંગે ઘણાબધા ગ્રંથો રચ્યા છે અને તેમાં સાધના માટે વિપુલ માર્ગદર્શન આપ્યું છે. મહાન જ્ઞાની આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીએ તેમના યોગદૃષ્ટિ ગ્રંથમાં તેમનો ઉલ્લેખ “ભગવાન પતંજલિ” તરીકે કર્યો છે. યોગ વિશે જૈનાચાર્યો દ્વારા રચાયેલ સાહિત્ય નીચે મુજબ છે :
આચાર્ય હેમચંદ્રાચાર્યાજી - યોગશાસ્ત્ર આચાર્ય હરિભદ્રસૂરિજી - યોગદષ્ટિ, યોગબિંદુ, યોગશતક વગેરે ઉપા. યશોવિજયજી - અધ્યાત્મસાર, યોગસૂત્રવૃત્તિ મહાયોગી ચિદાનંદજી - અધ્યાત્મ અનુભવ યોપ્રકાશ
૧૧૩
હવે સૌપ્રથમ ૧) યોગ એટલે શું? ૨) યોગસાધના શું છે? ૩) યોગસાધના કોણ કરી શકે? ૪) અષ્ટાંગયોગની ક્રમિક સાધના અને જૈન સાધનાપદ્ધતિ બંનેનો સમન્વય અને તુલનાત્મક અભ્યાસ, આ બધા વિશે વિગતવાર ઊંડાણથી સમજવું જરૂરી છે.
૧) યોગ એટલે શું?
યોગનો સાદો-સરળ અર્થ છે જોડાણ. કોઈ બે વસ્તુઓનું, બે વ્યક્તિઓનું એકબીજા સાથે જોડાવું તે યોગ-સંયોગ. (બન્નેનું છૂટા પડવું તે વિયોગ). આપણને પરમતત્ત્વ સાથે જોડી આપનારી સાધના એટલે યોગ. જ્યાં હોઈએ ત્યાંથી આગળ વધારનારી ક્રિયા તેનું નામ યોગ. જીવનના પ્રત્યેક સ્તરે માનવીને વિકાસના પંથે લઈ જનાર તે યોગ. જીવનમાં સફળતા અને શાંતિ મેળવી આપનારો રાજમાર્ગ તે યોગ. કોઈ પણ કાર્ય કુશળતાપૂર્વક કરવું તે યોગ.
યોગ એક કાર્યક્રમ છે, એક અનોખું આયોજન છે. જીવન જીવવાની કળા છે, એક ચિરવિકાસશીલ જીવનદર્શન છે.
૨) યોગસાધના શું છે?
યોગ એ એક સાધનાનો માર્ગ છે. એક દીર્ઘકાલીન યાત્રા છે જે શરીરના સ્વાથ્યથી શરૂ થઈ આત્માને નિર્મળ કરી પરમાત્મા સાથે જોડાણ કરાવી મોક્ષમાર્ગે પ્રયાણ કરાવનારી ગંગાધારા છે.
આ સાધના માત્ર શરીરશાસ્ત્રનું જ વિજ્ઞાન નથી, પરંતુ ચિત્તવૃત્તિના શુદ્ધિકરણ અને ઊર્વીકરણનું વિજ્ઞાન છે. આ વિદ્યા માત્ર ચર્ચા કે વાંચવાસાંભળવાનો વિષય નથી, પરંતુ પ્રયોગ કરીને પરિણામ મેળવવાનો વિષય છે. શરીર, શ્વાસ, ઇન્દ્રિયો અને મનને કેળવવાની, તેમની ટેવો બદલવાની અને તે દરેકને પ્રથમ શુદ્ધ, સક્રિય અને શાંત કરવાની ક્રમિક સાધના છે. તેનું મુખ્ય કાર્ય આપણને જગાડવાનું છે.
આ સાધના માટેનું અતિઉત્તમ અને શ્રેષ્ઠ માધ્યમ આપણું શરીર છે, પરંતુ એ શરીર માંદલું, ખોખલું કે રોગશોકથી ઘેરાયેલું નહીં, પરંતુ સ્વસ્થ, સ્વચ્છ, તંદુરસ્ત, તમામ પ્રકારના મળોથી મુક્ત હોવું જરૂરી છે. પ્રાચીનકાળના ઋષિઓનું કથન છે -
"धर्मार्थ काम मोक्षाणां आरोग्यं मूलं उतमम्"
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પુરુષાર્થની સાધના કરવા માટે મૂળમાં શરીરનું આરોગ્ય ઉત્તમ હોવું જરૂરી છે.
૧૧૪