________________
ભાવન-વિભાવના બોલીઓના મિશ્રણમાંથી તળપદો ઘાટ બંધાય છે, ત્યારે નર્મદની ભાષામાં સુરતી બોલીનો જ પ્રયોગ જોવા મળે છે. નર્મદ એના પુરોગામી કવિઓનાં કાવ્યોનો અભ્યાસી હતો અને સમકાલીન પ્રજાજીવનના પણ ગાઢ સંપર્કમાં હતો. આથી તેની શૈલી લખાવટમાં અને સીધી ચોટદાર વાક્યરચનાઓમાં એનું શુદ્ધ ગુજરાતી અધ્યાસ ધારણ કરે છે.
આખાબોલો નર્મદ કોઈનીય શેહ રાખ્યા વિના તડ અને ફડ કહી દેવામાં માનનારો છે. ગમે તેવું જોખમ ખેડનાર સાહસિક છે અને સત્યને ખાતર ગમે તેટલું સહન કરવા તૈયાર છે. પત્રકારત્વની આ ઊંચી નીતિમત્તા નર્મદે સૌ પહેલાં ગુજરાતી પત્રકારત્વમાં સ્થાપી એમ કહી શકાય. ‘ડાંડિયો' એવું હલકું નામ રાખીને પણ ઊંચું કામ કરવાની એની નેમ હતી. એ નેમને લક્ષમાં ન રાખીએ તો ઘણાંને ઉછાંછળાપણું, ઉદ્ધતાઈ અને અપરુચિમાં રાચે તેવી વૃત્તિ એના લખાણમાં જોવા મળે. પણ સુરતી મિજાજ ધરાવતા નર્મદને એની પાસે જે શબ્દભંડોળ કે ભાષાનો ખજાનો હતો એનો જ ઉપયોગ કરવાનો હતો. એ જોતાં ‘ડાંડિયો'નાં લખાણો આપણો ગઘનું બલિષ્ઠ કાઠું બાંધવામાં પાયાની મટોડીની ગરજ સારે છે. એણે સટ્ટાખોરીથી કેવી દુર્દશા થાય છે તે દર્શાવતા ‘ટેકચંદ શાહને ઘેર હોંકાણ' એવા એક લેખમાં ટેકચંદ શાહની એક ઉક્તિ મૂકી છે તે જોઈએ –
સાલા આપણા કદમ જ બખતાવર છે ? જાહાં જાય ઊકો તાહાં સમુદર સૂકો ? આપણે જાહાં જઈએ છીએ તાંહાં સાતડસાત ! પણ એમાં મારો નહિ પણ કરમનો વાંક, ખંખેરાયા તો જબરા, પણ હવે બહારથી ડોળ રાખવું. લાલાજીના બળદની પેઠે પેટમાં ખાડા પણ ફૂંફાં કરતાં ચાલવું. મીના પડે પણ ટંગડી ખડી એમ રાખવું, ભીતરની
ગુજરાતી ગદ્યનું પ્રભાત વાત રામજી બુજે બીજો કાંઈ ઇલાજ છે ? ચોરની મા કોઠીમાં મોહો ઘાલીને રડે ! મને મારી જાતને વાતે થોડી ફિકર છે પણ મારો ડફોળચંદ છોકરી સાડી ત્રણ છે. પથ્થરનો ભમરડો, કાળા અક્ષરને ફૂટી મારે, તેની આગળ શી વલે થશે.***
આમ એનાં લખાણોમાં ઘરગથ્થુ શબ્દો બહોળા પ્રમાણમાં મળે છે. એની પાસે ગુજરાતી ભાષાના રૂઢ પ્રયોગોનું બહોળું શબ્દભંડોળ હતું. ગદ્યમાં નવપ્રસ્થાન કરવાનું હતું, સામે ગુજરાતી ગદ્યના નમૂનાઓ પણ નહોતા, એટલે એ પોતાના સમયમાં પ્રયોજાતી ભાષાને કામે લગાડે તે સ્વાભાવિક છે. એણે કહેવતો અને રૂઢિપ્રયોગોનો મોકળે હાથે ઉપયોગ કર્યો છે. ક્યારેક હાસ્ય ઉત્પન્ન કરવા એ કહેવતનો સચોટ ઉપયોગ કરે છે. ક્યારેક તેનાથી વક્તવ્ય વધુ વેધક બને છે. ક્યાંક કહેવતનો ઢગ ખડકીને પોતાના વક્તવ્યનો મુદ્દો સમજાવે છે. નર્મદ જેટલી તળપદી ઉક્તિઓ ભાગ્યે જ બીજા કોઈ લેખકે પ્રયોજી હશે. સ્વામિનારાયણનાં વચનામૃતોમાં તળપદું તત્ત્વ છે. પણ તે વાતચીત ઢબનું છે. નર્મદે આ તળપદા તત્ત્વનાં બળ, ઓજસ ને પ્રસાદનો સાહિત્યિક ઘાટ ઘડ્યો તે એની વિશેષતા. અને આવો તળપદી ભાષાનો પ્રયોગ લખાણમાં, વાતચીત અને રોજિંદા વ્યવહારની ભાષાની છાપ ઊભી કરે છે. આથી કદાચ એમ લાગે કે આમાં સાહિત્યિક તત્ત્વ કયું ? રોજિંદી ભાષામાં વપરાતા શબ્દો કેવી રીતે ગોઠવાય છે અને તેમાંથી કેવો આકાર ઊભો થાય છે, એના ઉપરથી જ એ ગદ્ય છે, એમાં સાહિત્યિક તત્ત્વ છે એનો ખ્યાલ આવે. નર્મદે એના વક્તવ્યમાં એક પ્રકારનો લય સિદ્ધ કર્યો છે. જે તેને સાહિત્યિક ઘાટ આપવામાં મદદરૂપ થાય છે. પોતાના કથનની ચોટ સાધે તે રીતે વાક્યોને તે લયબદ્ધ વળોટ આપતો આગળ ચાલે છે. આ લય તે નર્મદના ગદ્યનો પ્રાણ છે.