________________
૧૩૨
ભાવન-વિભાવન
ગણાય. એ સમયના ઘણા લબ્ધપ્રતિષ્ઠ લેખકોની કૃતિઓ પણ ‘બાલમિત્ર'માં મળે છે. કાકા કાલેલકર, રવિશંકર રાવળ, હરિપ્રસાદ વ્રજરાય દેસાઈ, હિંમતલાલ ગણેશજી અંજારિયા જેવાના લેખો, ‘ધૂમકેતુ', ગિજુભાઈ અને રમણલાલ ના. શાહની વાર્તાઓ તો ન્હાનાલાલ, ઝવેરચંદ મેઘાણી અને ‘લલિત'નાં કાવ્યો મળે છે. અડધી સદીથી પણ વધુ સમય સુધી ચાલેલું ‘બાલમિત્ર' બાળકોના સંસ્કારઘડતરમાં સાચા મિત્ર જેવું બની રહ્યું. જોકે આજે એનું પ્રકાશન અનિયમિત બની ગયું છે.
કોઈ પણ સંસ્થાના પીઠબળ વગર ત્રણ ત્રણ દાયકા સુધી ‘બાળક’ સામયિકે યશસ્વી સેવા બજાવી. શ્રી ભીખાભાઈ પુરુષોત્તમ વ્યાસના તંત્રીપદે પ્રસિદ્ધ થયેલું આ સામયિક એના તંત્રીની બાળકોના સંસ્કારઘડતર માટેની નિષ્ઠા અને ધગશનાં ઘાતક છે. ઈ. સ. ૧૯૨૩ની પહેલી જાન્યુઆરીએ અમદાવાદથી પ્રગટ થયેલું આ સામયિક પહેલાં ત્રૈમાસિક, એ પછી એક વર્ષ બાદ દ્વિમાસિક બન્યું અને ત્યારબાદ થોડાં વર્ષો પછી માસિક થયું. ‘બાળકોનાં જીવન શુદ્ધ અને સંસ્કારી બનાવે, બાલસેવા અને દેશસેવાના કામમાં યથાશક્તિ ફાળો' બાળકો આપે, તે હેતુથી આ સામયિક શરૂ કરવામાં આવ્યું. આકર્ષક ગોઠવણી, આર્ટપેપર પર કલામય ચિત્ર તેમ જ સારી જાતના કાગળ પર એ પ્રગટ થતું. આમ તો આઠથી બાર વર્ષનાં બાળકોને અનુરૂપ લખાણો, કાવ્યો, કથાઓ, ટુચકા, પ્રાર્થના અને કહેવતકથા આપવામાં આવતાં. તંત્રીની સાથોસાથ ‘બાળક'નું પ્રકાશનસ્થળ પણ બદલાતું રહ્યું. પહેલાં અમદાવાદ, પછી ગોધરા, ત્યારબાદ વડોદરા અને અંતે અમદાવાદથી એ પ્રગટ થતું રહ્યું. ‘બાળક'ના તંત્રી ભીખાભાઈ વ્યાસે અત્યંત કપરા સંજોગોનો સામનો કરીને, આર્થિક સંકડામણ વેઠીને તેમ જ ખોટ ખાઈને પણ આ સામયિક વર્ષો સુધી ચલાવ્યું એ ઘટના ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસમાં નોંધપાત્ર ગણાય.
આપણાં બાળસામયિકો
૧૩૩
‘ગાંડીવ’ સામયિકનું યાદગાર પ્રદાન છે બકોર પટેલનું પાત્ર. હરિપ્રસાદ વ્યાસની ‘ગાંડીવ’માં વર્ષો સુધી પ્રગટ થયેલી વાર્તાઓનું મુખ્ય પાત્ર બકોર પટેલ ગુજરાતનાં બાળકોના ચિત્તને આનંદથી ભરી દેતું હતું. ‘ગાંડીવ' એ ગુજરાતનું સૌપ્રથમ પખવાડિક કહેવાય. ઈ. સ. ૧૯૨૫માં શ્રી નટવરલાલ વીમાવાળા અને શ્રી સુમતિ વીમા
વાળાના તંત્રીપદે એનો પ્રારંભ થયો અને ત્યારબાદ શ્રી નટવરલાલ માળવીએ પણ એનું તંત્રીપદ સંભાળ્યું. આમાં મોટા ટાઇપમાં બાળકો માટે પ્રસંગ, વાર્તા, નાટક, ચરિત્ર, હાસ્યકથા અને અક્કલસોટી આપવામાં આવતાં હતાં. આ આપણું એક જ એવું બાળસામયિક છે
કે જેમાં લેખમાં વપરાયેલા અઘરા શબ્દોના અર્થ પણ અંતે આપવામાં આવતા. સચિત્ર અને વિવિધરંગી આ પખવાડિક કેટલાક વિશેષાંકો આપતું તેમ જ એના દ્વારા બાળસાહિત્ય પણ પ્રગટ થતું.
ઈ. સ. ૧૮૬૨માં સુરતની ક્રિશ્ચિયન વર્નાક્યુલર એજ્યુકેશન સોસાયટીએ ‘સત્યોદય' નામનું સંસ્કારપ્રેરક તથા ધર્મપ્રચારક બાળસામયિક શરૂ કર્યું હતું એ પછી ઈ. સ. ૧૯૨૭માં પાદરી જે. વી. માસ્ટરના તંત્રીપદે ‘બાલવાડી’ નામનું માસિક શરૂ થયું. અંગ્રેજી ‘ટ્રેઝર ચેસ્ટ’ જેવું બનાવવાનો એમનો આશય હતો અને તેથી એમાં પ્રાણીકથાઓ, વિદેશી પ્રવાસકથાઓ, માર્મિક જીવનપ્રસંગો અને સામાન્ય જ્ઞાનની રસપ્રદ માહિતી આપવામાં આવતી હતી. સામયિકનો મુખ્ય ઝોક ખ્રિસ્તી ધર્મના પ્રચારનો હોવા છતાં એની સામગ્રીમાં બાળકોમાં સંસ્કાર રેડવાનો પ્રયાસ દેખાઈ આવે છે.
ગુજરાતમાં બાળકો અને કુમારોને અનુલક્ષીને સામયિકો પ્રગટ થતાં હતાં, પરંતુ કિશોરો માટે સામયિક શરૂ કરવાનો સૌપ્રથમ અને અત્યંત સબળ પ્રયાસ 'કિશોર' સામયિક દ્વારા શ્રી નગીનદાસ પારેખે