________________
૧૩૨
ભાવન-વિભાવન વ. શાહની સાહિત્યચર્ચા તેમ જ ‘ગ્રંથાવલોકનો' વિભાગની ગ્રંથસમીક્ષાએ તો ગુજરાતી સાહિત્યમાં એક પ્રતિષ્ઠા ઊભી કરી હતી. હાજીમહમદ અલારખિયા શિવજીનું ‘વીસમી સદી' સામાન્ય માનવીથી નરસિંહરાવ જેવા દુરારાધ્ય વિવેચકનું પણ માનીતું હતું. આઝાદી પછી આપણા પત્રકારત્વમાં સાહિત્યનો વિભાગ સંકોચાવા લાગ્યો. થોડાક અપવાદને બાદ કરતાં સમૃદ્ધ સાહિત્યવિભાગ મળતો નથી. આમ, આઝાદી પૂર્વે સાહિત્યવિભાગ અને પત્રકારત્વ વચ્ચે જેટલી નિકટતા હતી, તેટલી નિકટતા આજે નથી. ઝવેરચંદ મેઘાણીનો ‘કલમ અને કિતાબ’ વિભાગ હજી આજે પણ એની રસપ્રદતા અને વાચકપ્રિયતા મને વારંવાર યાદ કરીએ છીએ.
‘સૌરાષ્ટ્ર’ જૂથના લેખકોએ કેટલાક નવા લેખવિભાગોનું સર્જન કર્યું. મેઘાણીની સર્જકતાએ અનેક નવાં સ્વરૂપો સિદ્ધ કરી બતાવ્યાં. જયંતિ દલાલ જેવાએ ‘રેખા’ દ્વારા રાજકીય-વિવેચન, ફિલ્મ-વિવેચન, વિદેશી પુસ્તકોનો પરિચય, મનોવિજ્ઞાન, અત્યંત ટૂંકી વાર્તા જેવા વિભાગોનો પ્રારંભ કર્યો, જે માર્ગે એ પછી આપણાં દૈનિકો ચાલ્યાં છે. ધીરે ધીરે ટૂંકી વાર્તા, ધારાવાહી નવલકથા, ખુલ્લા પત્રો, આર્થિક પ્રવાહો અને કાર્ટૂનો પ્રવેશવા લાગ્યાં. જ્યોતિસંઘની પૂર્તિ દ્વારા નારીપ્રવૃત્તિને સ્થાન મળ્યું. ‘નવચેતને’ ઘણા લેખકોને અને ચિત્રકારોને બહાર આણ્યા, પરંતુ આઝાદી પૂર્વેના આ પત્રકારત્વમાં ‘નારદ’, કરસનદાસ માણેક કે વેણીભાઈ પુરોહિતનાં કટાક્ષકાવ્યો હોય કે ખુલ્લો પત્ર હોય, પણ બધું જ રાષ્ટ્રીય લડતના રંગે રંગાયેલું હોય. ‘વીસમી સદી’, ‘હિંદુસ્થાન’ અને ‘નવચેતને’ નવોદિતોને પ્રોત્સાહન પૂરું પાડ્યું, જ્યારે ‘નવજીવન'નું સમર્થ વિદ્વાનમંડળ એક જુદી જ પ્રભા ફેલાવે છે. આઝાદી પૂર્વે આપણાં સાપ્તાહિકો અને માસિકોએ ઘણા વૈવિધ્યમય વિભાગો ખીલવ્યા. કલમની તાકાત ધરાવતા નામાંકિત
અખબારી લેખષ્ટિ : આઝાદી પૂર્વે અને આઝાદી પછી
૧૩૩
લેખકોને એ સમયનાં સાપ્તાહિકો અને માસિકોમાં લખવું પ્રિય હતું.
જાણ્યે-અજાણ્યે એક એવો ખ્યાલ બંધાઈ ગયો હતો કે વિદ્વાન તો સાપ્તાહિક કે માસિકમાં જ લખે, દૈનિકમાં નહિ !
એ સમયે દૈનિકપત્રોમાં અનુવાદકો કે રિપૉર્ટરો તો હતા જ, પરંતુ એ અખબારની પ્રતિષ્ઠાની પારાશીશી એમાં લખતા વિજ્ઞાન પરથી મપાતી. એમાં પણ અમૃતલાલ શેઠે આ પ્રણાલિકાને ખૂબ વિકસાવી. અસામાન્ય સર્જનશક્તિવાળા, મૌલિક સ્વરૂપો ઘડતા અને ઉદ્દામ વિચારસરણીવાળા લેખકો જેટલા ‘જન્મભૂમિ' પાસે હતા, તેટલા બીજા કોઈ દૈનિક પાસે નહોતા. ‘સૌરાષ્ટ્ર’ જૂથના આ લેખકોએ વૈવિધ્યપૂર્ણ લેખવિભાગો, અવનવાં સ્વરૂપો અને ચમકદાર શૈલીથી પત્રકારત્વમાં એક પ્રકારની તાજગી આણી.
ગુજરાતી પત્રકારત્વના પ્રારંભમાં પારસીઓનું પ્રદાન ઘણું મોટું રહ્યું છે. આથી હાસ્ય કૉલમ જ નહિ, પરંતુ રમૂજી વાચન આપતાં હાસ્યપત્રો પ્રગટ થતાં. ‘ગપસપ’, ‘ભીમસેન’, ‘પારસીપંચ’, ‘રમતા રામ’, ‘કાતરિયું ગેપ’, ‘મોજમજાહ’ અને ‘બે ઘડી મોજ' જેવાં માત્ર રમૂજ આપતાં પત્રો નીકળતાં. પારસીઓની હાસ્યવૃત્તિનો પત્રકારત્વનાં તમામ અંગોને સ્પર્શ થતાં આગ, ખૂન કે અકસ્માતના સમાચાર પણ રમૂજી રીતે આપવામાં આવતા. ‘દેશી મિત્ર' સાપ્તાહિકમાં ૧૮૭૬માં ૨૦મી જુલાઈના અંકમાં એના તંત્રી ‘મેઘજી ઇંદ્રજીનું દેવાળુ’ વિશે સમાચાર આપતાં લખે છે :
“મેઘજી ઇંદ્રજીની પેઢીએ મોટું દેવાળું કાઢ્યું છે એવી ધાસ્તી મુંબઈ ઇલાકામાં પથરાઈ ગઈ હતી. પણ શુકર તે રેહેમ કીરતારના, કે ગયા શનિવારથી આખા ગુજરાત અને મુંબઈના ભાગોમાં પોતાના માગનારાઓને એકદમ નાણું ચૂકવી આપવા માંડ્યું છે. તે હજી સુધી મેઘજી ઇંદ્રજીની પેઢી તરફથી મળતું જાય છે, જેથી તમામ લોકોને