Book Title: Bhavan Vibhavan
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 94
________________ ભાવન-વિભાવના ૧૮૨ એટલે કોઈ ડિગ્રીધારી બનવું એમ નહોતું. તેઓ એમ માનતા કે નાગરિક બનવા માટે વ્યક્તિએ ‘કુમાર માં આવે છે તેટલું તો ઓછામાં ઓછું જાણવું જ જોઈએ. ‘કુમાર’ જેવા શિષ્ટ સામયિક દ્વારા કોઈ લોકસેવાની એમણે બાંગ પોકારી નહિ, પરંતુ પોતે નાગરિક થવા માટે આવશ્યક એટલું ઓછામાં ઓછું આપે છે તેની નમ્રતા ધારણ કરી. | ગુજરાતી સામયિક-પત્રકારત્વમાં ‘કુમાર 'ના ૬૭૯ અંકો દ્વારા એમણે કલા અને સંસ્કારઘડતરનું અદ્વિતીય કાર્ય કર્યું. ગુજરાતનાં સામયિકોના પત્રકારત્વમાં ‘નવચેતન'ના તંત્રી સ્વ. ચાંપશીભાઈ ઉદેશી અને ‘કુમાર'ના તંત્રી શ્રી બચુભાઈ રાવતની પોતાના સામયિક માટેની સમર્પણશીલતા દૃષ્ટાંતરૂપ છે. શ્રી રવિશંકર રાવળ પછી બચુભાઈએ કુમારને વિકસાવ્યું. એમાં અનેક નવા વિભાગો દાખલ કરીને એને વધુ ને વધુ સમૃદ્ધ બનાવ્યું. જો મોટી ૨કમ મળે તો અનેક નવા વિભાગો શરૂ કરવાની એમની મનઃકામના હતી. એમનું સતત સેવાયેલું અને ન ફળેલું આ સ્વપ્ન સાકાર કરવામાં ગુજરાતના કલારસિકો પ્રયત્નશીલ બને, તો તે એમને અપાયેલી યોગ્ય અંજલિ ગણાશે. અર્ધી સદીથીય વધુ વર્ષો સુધી 'કુમાર' દ્વારા ગુજરાતની કલારુચિનું ઘડતર કરનાર બચુભાઈને મન લાઘવ અને ચોકસાઈ એ પત્રકારના મુખ્ય ગુણો હતા. એમણે એક પત્રકારની કચેરીમાં “Be Brief, Be Exact” એ સૂત્ર વાંચ્યું અને પત્રકાર તરીકે પોતાના જીવનમાં એનું પ્રતિબિંબ પાડી બતાવ્યું. ‘કુમાર'માં અક્ષરોની ભીડ જોવા મળે છે, એવો આરોપ થાય છે તે પણ આનું જ પરિણામ છે. પાથરીને કહેવાને બદલે સંક્ષેપમાં કહેવું તે વધુ પસંદ કરતા. એ જ રીતે ચોકસાઈ અને શુદ્ધિનો એમનો એટલો જ આગ્રહ રહેતો. સામયિક ચલાવતા પત્રકારને શિરે પ્રજાઘડતરની ઘણી મોટી જવાબદારી ‘નેપથ્યથી નૈપણે ૧૮૩ રહેલી છે એમ તેઓ સ્પષ્ટપણે માનતા. આથી જ કશું અશિષ્ટ કે અરુચિકર ‘કુમાર'માં ક્યારેય સ્થાન પામતું નહિ. વળી પત્રકારત્વ એ કોઈ શુષ્ક વ્યવસાય નથી. એમાં કલાત્મકતાને ઘણું મોટું સ્થાન છે. આથી જ તેઓ સતત જુદા જુદા પ્રકારના લે-આઉટ બનાવતા. ‘કુમાર'ના મુખપૃષ્ઠ ઉપર અને લેખોની સજાવટમાં અક્ષરો અને ટાઇપના જુદા જુદા પ્રયોગો કરતા. મુદ્રણકળાના તો તેઓ એક પ્રયોગવીર હતા. ઈ. સ. ૧૯૩૨માં ‘કુમારનો એકસોમો અંક પ્રગટ કર્યો ત્યારે એમણે ગુજરાતી લિપિને સૌંદર્યલક્ષી તથા કલાત્મક બનાવવા પ્રયાસ કર્યો હતો. ‘કુમારનો દરેક અંક એ એમના પરિષ્કૃત રૂચિતંત્રના સાક્ષીરૂપ છે. ગુજરાતી પત્રકારત્વમાં એમના જેટલો સૌંદર્યશાસ્ત્રનો મહિમા કોઈએ કર્યો નથી. ‘કુમાર’ જેવું અનેક વિષયોને સબળ રીતે બાથમાં લેતું બીજું કોઈ સામયિક ગુજરાત પાસે નથી. એની સુઘડતા માટે બચુભાઈ પૂરી કાળજી રાખતા. ફેર્મો છપાય ત્યારે શાહી બરાબર આવે છે કે નહિ તે પણ જાતે જોતા અને જો છપામણી બરાબર ન લાગે તો આખો ફર્મો ૨દ કરતા. શ્રી બચુભાઈ માત્ર સંપાદક જ નહોતા, પરંતુ સર્જક-સંપાદક હતા. ગુજરાતના ઘણા સર્જકોને એમની પાસેથી પ્રત્યક્ષ અને પરોક્ષ માર્ગદર્શન મળ્યું છે. ‘કુમારની આગવી લાક્ષણિકતા એ એનો કાવ્યવિભાગ, કલાવિભાગ અને જીવનચરિત્રવિભાગ ગણાય. જીવનચરિત્રમાંથી પ્રેરણા મળે છે, માટે આ વિભાગ તેઓ અચૂક આપવાનો આગ્રહ રાખતા. આ ચરિત્રમાં પણ ચરિત્રનાયકના જીવનની પ્રેરણાદાયી ઘટનાઓનું આલેખન થાય એ તરફ એમનું વિશેષ વલણ રહેતું. આમાં દેશની કે પરદેશની, અથવા તો કોઈ પણ ક્ષેત્રની સમર્થ વ્યક્તિને સ્થાન મળતું. બચુભાઈને હતાશા સહેજે પસંદ નહિ, આથી પ્રેરણાદાયી સામગ્રી આપવા તરફ તેમનો વિશેષ ઝોક રહેતો.

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101