________________
૧૩૮
ભાવન-વિભાવના સમાજને ઘેરે છે એમ આઝાદી પૂર્વે જેટલી હિંમતથી કહી શકાતું, તેટલું આજે કહેવાય તેમ નથી, બહોળો ફેલાવો ધરાવતાં વર્તમાનપત્રો પણ સમાજને દોરવણી આપી શકતાં નથી. આઝાદી પૂર્વે સમાજને દોરતા અખબારનો છપાયેલો શબ્દ શ્રદ્ધેય મનાતો. આજે યુદ્ધ જેવા અપવાદરૂપ સંજોગોને બાદ કરતાં લોકો અખબારના કહેવા પ્રમાણે ચાલતા નથી.
ગુજરાતી અખબારના વૈવિધ્યમય લેખવિભાગોને કારણે નવાં નવાં સ્વરૂપોની અજમાયશ અને સારી એવી વૈચારિક સામગ્રી વાચકને મળે છે. આવા વિભાગો પ્રજાને વર્તમાન પ્રવાહોથી સારી પેઠે વાકેફ રાખે છે. કેટલાંક ફીચર્સ તો સાહિત્યિક મૂલ્યવત્તા ધરાવવાનું ગજું કાઢી શકે છે. આજના આપણા ઘણા સાહિત્યની ગંગોત્રી દૈનિક પત્રકારત્વ છે. એક જમાનામાં આનો ફેલાવો માંડ દસ હજારનો હતો. આજે જ્યારે દૈનિકનો બે લાખથી વધુ ફેલાવો હોય ત્યારે વિચાર, સ્વરૂપ કે શબ્દોની શુદ્ધતા જાળવવી મુશ્કેલ હોય છે. નાનો રૂમાલ ચોખ્ખો રાખી શકાય, મોટી ચાદરમાં ક્યાંક ડાઘ લાગે. આજના દૈનિકને કે દૈનિકના લેખકને પ્રજા નેતા તરીકે સ્વીકારતી નથી, તેમ છતાં કેટલાંક સામયિકોની ધ્યેયનિષ્ઠ વૈચારિક આગેવાનીમાં વાચક શ્રદ્ધા દાખવે છે. ‘ભૂમિપુત્ર', ‘નિરીક્ષક', ‘લોકસ્વરાજ', ‘ગ્રામનિર્માણ’, ‘પ્રબુદ્ધ જીવન', ‘સંસ્કૃતિ' જેવાં સામયિકોએ પોતાનું ગંભીર સ્વરૂપ જાળવીને પ્રજાને બદ્ધિક દોરવણી આપવાનું કામ કર્યું છે. આવાં સામયિકો આર્થિક પરેશાની ભોગવતાં હોય છે તેમ છતાં એની નિષ્ઠા અને વૈચારિક આગેવાની દૈનિકો માટે આદર્શરૂપ ગણાય.
લખાવટનો વિચાર કરીએ તો આજના લેખકને માટે અભિવ્યક્તિ વધુ સરળ બની છે. અભિવ્યક્તિની સરળતા સાથે ક્યાંક વૈચારિક છીછરાપણું પણ આવ્યું છે. એક બાજુ અંગ્રેજી શબ્દોની
અખબારી લેખસુષ્ટિ : આઝાદી પૂર્વે અને આઝાદી પછી ૧૩૯ પ્રચુર શૈલી અને બીજી બાજુ લોકબોલીના શબ્દોની પ્રચુર શૈલી જોવા મળે છે. આઝાદી પૂર્વે અખબાર લોકનેતા હતું, હવે લોકો અખબારને દોરે છે. પહેલાં વાચકની આટલી તમા રાખવામાં આવતી નહોતી. વાચકને ન સમજાય તો લેખક એમ પણ કહી દેતો કે આ સમજવું તમારા ગજા બહારનું છે. આજે વાચકને ન સમજાય તેવું લખાણ લખે તો કોલમિસ્ટને ઠપકો મળે ! પહેલાં છાપાની પાસે લોકો આવતા, હવે લોકોની પાસે છાપું જાય છે. આથી જ આજના લેખકને લોકસંપર્કની વધુ જરૂર પડે છે અને લોકરુચિને સંતર્પક લખવું પડે છે.
આઝાદી પૂર્વે અને પછીના વૈવિધ્યમય વિભાગોની ચર્ચા તો થઈ. હવે એના ભાવિ તરફ નજર કરીએ. લેખવિભાગના વૈવિધ્યને ખૂબ ખૂબ મર્યાદિત કરી નાખે તેવો ઓફસેટનો યુગ આવી રહ્યો છે અને આવી ગયો પણ છે. ફસેટમાં લેખ કરતાં ચિત્રને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે. ૬૦ ટકા ચિત્ર અને ૪૦ ટકા લખાણ એવું એનું પ્રમાણ છે અને તેમાં લખાણ પણ ચિત્રના સહારે ચાલતું હોય છે ! આને પરિણામે અખબારનું જે થોડુંય વૈચારિક કલેવર છે તે ઝાંખું પડે તેવી દહેશત આપણી સામે ઊભી જ છે. જે દેશમાં ૪૦ ટકા લોકો જ શિક્ષિત હોય, ત્યાં અનુક્રમે ગંભીર લખાણ કરતાં હળવા લખાણને પ્રાધાન્ય આપે છે અને હળવા લખાણ કરતાં ચિત્રને પ્રાધાન્ય આપે છે. આ સ્થિતિનો આપણા આવતી કાલના લેખકોએ પડકાર ઝીલવાનો રહેશે.