________________
ભાવન-વિભાવન
જ્ઞાનધ્યાનરમણતામાં કરવાની ખાસ સ્ફુરણા ઊઠે છે, અને તેમાં વિશેષ પ્રવૃત્ત કરાય છે. છ માસથી ઝીણા જ્વરયોગે ધાર્મિક લેખનપ્રવૃત્તિમાં મંદતા થાય છે. તથાપિ કંઈ કંઈ પ્રવૃત્તિ થયા કરે છે. ઉપશમ, ક્ષયોપશમભાવની આત્મિક દિવાળીની જ્યોતિનું ધ્યાન અને તેનો અનુભવ-સ્વાદ આવ્યા કરે છે. નવીન વર્ષમાં આત્મગુણોની વિશેષ ખિલવણી થાઓ. ૐ શાંતિ.”
૧૮
સન્નિષ્ઠ અને લોકપ્રિય યોગીની બાહ્યપ્રવૃત્તિ તરફ વિરક્તિ અને આંતરિક સાધનાને લગતા સંકલ્પો અને ઉચ્ચાશયોનું અહીં દર્શન થાય છે. ગુજરાતી સાહિત્યમાં લેખકો, રાજકીય નેતાઓ ને સમાજસેવકોએ રોજનીશીઓ લખી છે, પરંતુ ધાર્મિક નેતાઓ અને યોગીસંન્યાસીઓએ એવી નોંધો રાખી હોય એવું ખાસ પ્રકાશમાં આવ્યું નથી. કદાચ એ પ્રકારની ઘણી નોંધો એ મહાનુભાવોના ખાનગી આત્મગત ઉદ્ગારોરૂપે લખાઈ હોય તોપણ એ કાળના ઉદરમાં સ્વાહા થઈ ગઈ હોવાનો સંભવ છે. આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીની રોજનીશીઓનું પણ એમ જ થયું લાગે છે. પરંતુ એમાંથી બચેલી એક વર્ષની આ નોંધ એક યોગીના આંતરજીવનમાં ડોકિયું કરવાની તક આપે છે ને તેમના દેશાટન તેમ જ આંતરવિકાસ દર્શાવતા આધ્યાત્મિક પ્રવાસની ઝાંખી કરાવીને જિજ્ઞાસુને એ દિશામાં આગળ જવાની પ્રેરણા આપે છે તે દૃષ્ટિએ પણ તેનું મૂલ્ય ઘણું છે.
અગિયાર
અખબારની લેખસૃષ્ટિ : આઝાદી પૂર્વે અને આઝાદી પછી
ઐતિહાસિક દૃષ્ટિએ ગુજરાતી પત્રકારત્વના વિકાસમાં આઝાદી પહેલાંનું અને આઝાદી પછીનું એવી ભેદરેખા દોરી શકાય. પરંતુ પત્રોની માલિકી, વાચકની રુચિ, અદ્યતન યંત્રસામગ્રી અને પ્રજાકીય પ્રશ્નો પ્રત્યેના અભિગમની દૃષ્ટિએ ઈ. સ. ૧૯૫૦નું વર્ષ એ ઉચિત ભેદરેખા ગણાય. ૧૯૫૦ પહેલાંનું ગુજરાતી પત્રકારત્વ મહદ્ અંશે કર્તવ્યનિષ્ઠ હતું. પત્રકાર પાસે ચોક્કસ દિશા અને દૃષ્ટિ હતાં. એનામાં સત્તાનો સામનો કરવાની ખુમારી અને ખુવાર થવાની તૈયારી હતી. સમાજસુધારો, સ્વરાજ્ય અને સ્વધર્મની ભાવનાના ખીલે બંધાયેલું એ પત્રકારત્વ એક મિશન હતું, ઉદ્યોગ નહિ. આજે કોઈ દૈનિક કે સામયિક ભાગ્યે જ જાહેરખબર વિના ચલાવી શકે, જ્યારે ગાંધીજીએ ત્રીસ-ત્રીસ વર્ષ સુધી જાહેરખબર વિના સાપ્તાહિકો ચલાવ્યાં. ૧૯૫૦માં