________________
૧૩૫
ભાવન-વિભાવન કર્યો. ઈ. સ. ૧૯૩૫માં એનો પ્રથમ અંક પ્રગટ થયો. આ માસિકનો આશય ગુજરાતના કિશોરો સંસ્કારી નાગરિક બને અને એના સર્વતોમુખી વિકાસને સહાયરૂપ સામગ્રી આમાંથી મળતી રહે તેવો હતો. એમાં વાર્તા, કવિતા, નિબંધ, નાટક, ચરિત્ર, ભૂગોળ, વિજ્ઞાન, વનસ્પતિ, જીવસૃષ્ટિ અને સામાન્ય જ્ઞાનના વિષયો પર લેખો પ્રસિદ્ધ થતા. એમાં હિંદી વિભાગ પણ પ્રગટ થતો, જે વાચકને હિંદી ભાષાનું શિક્ષણ આપવાની સાથોસાથ સારી એવી વાચનસામગ્રી આપતું હતું. ‘કિશોર માં સર્વશ્રી રા. વિ. પાઠક, બળવંતરાય ઠાકોર, કિશોરલાલ મશરૂવાળા, ગિજુભાઈ, સોમાભાઈ ભાવસાર, નરહરિ પરીખ, મૂળશંકર ભટ્ટ, રમણલાલ સોની જેવા વિદ્વાનો અને સર્જકોના લેખો પ્રસિદ્ધ થયા. એના અંકોમાં તંત્રીની ચીવટ, ભાષાશુદ્ધિનો આગ્રહ તેમ જ વિયનું સાતત્ય જોવા મળે છે. કમનસીબે ત્રીજા વર્ષના દસમા અંકથી તંત્રીપદેથી શ્રી નગીનદાસ પારેખ નિવૃત્ત થયા, એક આશા જગાવતું સામયિક દૃષ્ટિસંપન્ન તંત્રીની નિવૃત્તિને કારણે અકાળે કરમાઈ ગયું. એ પછી આ સામયિક શ્રી રણછોડજી કેસુરભાઈ મિસ્ત્રીના તંત્રીપદે ઈ. સ. ૧૯૫૦ના ડિસેમ્બર સુધી ચાલ્યું. એની સાઇઝમાં પણ ફેરફાર કર્યો, પણ કુલ ચૌદ વર્ષ બાદ ‘કાગળ, બાઇનિંગ અને વ્યવસ્થાખર્ચ અગાઉ કરતાં ત્રણગણો વધ્યો', અને તેટલા પ્રમાણમાં લવાજમની આવક વધી નહિ” એટલે સામયિક બંધ કરવું પડ્યું.
નવા યુગને અનુકૂળ એવું એક બાલમાસિક આપવાના આશયથી શ્રી હિંમતલાલ ચુ. શાહે ઈ. સ. ૧૯૩૭ના જૂન મહિનામાં ‘બાલસખા” નામનું માસિક પ્રગટ કર્યું. આમાં મુખ્યત્વે આઠથી ચૌદ વર્ષનાં બાળકો માટે અને એ પછી નાનાં બાળકો માટે કેટલાક લેખો આપવામાં આવતા. ૪૦ પાનાં ધરાવતું આ સામયિક સચિત્ર અને સુંદર ગોઠવણી ધરાવતું હતું. આમાં વાર્તા, કવિતા, વિજ્ઞાન, ટુચકા, નાટક તેમ જ
આપણાં બાળસામયિકો ધારાવાહી બાળકથા પણ આપવામાં આવતી. આ સામયિકની કેટલીક સામગ્રી નોંધપાત્ર છે. જેમકે ‘વાંચનમાંથી' એ શીર્ષક હેઠળ પ્રગટ થતા વિભાગમાં જુદાં જુદાં સામયિકોની સામગ્રીનો સંચય આપવામાં આવતો. ‘બાળકોના લેખો' એવા શીર્ષક હેઠળ બાળકોની સર્જનશક્તિને સંકોરવામાં આવતી. ‘ચંદુની ડાયરી "માં બાળક કઈ રીતે ડાયરી લખે તેનો ખ્યાલ આપવામાં આવતો. ‘આવતી ચોપડીઓ ' વિભાગમાં નવા પુસ્તકનું અવલોકન તો ‘દુનિયા દોડે છે' વિભાગમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિની વાત આલેખવામાં આવતી. ખોરાક, રબર, કાતર, મોતી, ફાંસી દેવાની પદ્ધતિ કે જાદુના ખેલ વિશે માહિતીપ્રદ લેખો આપવામાં આવતા. વળી પ્રતિવર્ષ એક બાળકઅંક તૈયાર કરવામાં આવતો જેનું તંત્રીપદ અને ચિત્રકાર્ય કોઈ બાળકને જ સોંપવામાં આવતું. વળી આ અંકમાં વિશેષપણે બાળકોના લેખો લેવામાં આવતા હતા. જેમકે ૧૯૪૨ના ઑગસ્ટ-સપ્ટેમ્બરનો ‘બાલસખા'નો સંયુક્ત અંક નવસારીના કોળી આશ્રમમાં અભ્યાસ કરતા પંદર વર્ષના બચુભાઈ પટેલે તૈયાર કર્યો હતો. આવી જ રીતે એક બીજો નવો પ્રયોગ બાળકો દ્વારા લખાતી ચાલુ વાર્તાનો છે. આમાં મેટ્રિક સુધીના વિદ્યાર્થીઓ ચાલુ વાર્તા લખતા અને એ રીતે કથાનો દોર આગળ ચલાવતા. આ સામયિકમાં શ્રી ગિજુભાઈ, રમણલાલ જોશી, જીવરામ જોષી, દિનુભાઈ જોષી, ચંદ્રશંકર ભટ્ટ જેવા લેખકોના લેખો પણ મળે છે. આમ વાંચનસામગ્રીની દૃષ્ટિએ ‘બાલસખા” આપણું ધ્યાન ખેંચે છે.
બાળકો આજની દુનિયાથી પરિચિત રહે અને વિવિધ સાહિત્યમાં રસ લેતાં બને તેવા હેતુથી ૧૯૩૯ની પહેલી જૂને શ્રી સોમાભાઈ ભાવસાર અને શ્રી દિનેશ ઠાકોરના તંત્રીપદે ‘બાલજગત’ નામનું માસિક શરૂ થયું. એમાં માહિતીપ્રદ અને પ્રેરક વાંચન આપવામાં આવતું. માસિકનું આયોજન પણ ઘણું સુઘડ હતું. એથીય વિશેષ