________________
ભાવન-વિભાવન
પરંપરા ઊભી કરી, એટલું જ નહિ પરંતુ ત્રિભુવન વ્યાસ અને દેશળજી પરમારનાં બાળનાટકોનો પરિચય પણ આ સામયિક દ્વારા ગુજરાતને થયો. ગુજરાતની ઊગતી પેઢીના ઘડતરમાં ‘કુમાર’ની વાચનસામગ્રીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે, એ જ રીતે ભારતીય વિદ્યાભવન દ્વારા પ્રસિદ્ધ થતા ‘સમર્પણ’ માસિકે પણ દર વર્ષે એક સુંદર શિશુ અંકની ભેટ આપી છે. આ અંકમાં બાળકો માટેની રચનાઓ ઉપરાંત બાળકોએ દોરેલાં અનેક ચિત્રો આપવામાં આવે છે, તે એની વિશેષતા ગણાય.
એક સૈકાથી પણ વધુ દીર્ઘ ગુજરાતી બાળસામયિકોની યાત્રા ૫૨ નજ૨ નાખીએ તો થોડી નિરાશા ઊપજે છે. ‘પ્રેસ ઇન ઇન્ડિયા’ના ૧૯૭૭ના આંકડા પ્રમાણે ગુજરાતમાંથી પ્રસિદ્ધ થતાં કુલ ૬૧૮ પત્રોમાંથી માત્ર ૧૨ જ બાળકો માટેનાં સામયિકો છે. આને મુકાબલે હિંદી ભાષામાં ૩૪ અને બંગાળીમાં ૨૬ પ્રગટ થતાં હતાં. ગુજરાતી બાળસામિયકોનું ઈ. સ. ૧૯૭૭માં કુલ વેચાણ ૧,૨૭,૦૦૦ જેટલું છે. પરંતુ સમૃદ્ધ વર્તમાનપત્રોની આંગળીએ ચાલતાં ‘ફૂલવાડી’, ‘ઝગમગ’, ‘નિરંજન’ અને ‘ચાંદામામા' જેવાં બાળસામયિકોને બાદ કરતાં બીજાં સામયિકોને ઊગવાનો ઘણો ઓછો અવકાશ મળ્યો છે. ‘બાલમિત્ર’ અને ‘બાલજીવન' જેવાં વર્ષો સુધી બાળજગતની સેવા કરનારાં સામયિકોનું પ્રકાશન કાં તો અનિયમિત છે અથવા તો બંધ થઈ ગયું છે. આથી જ ગુજરાતી ભાષામાં વ્યક્તિગત રીતે બાળસાયિકો પ્રસિદ્ધ કરવાના જે પ્રયત્નો થયા છે, તેમાં બાળમરણનું પ્રમાણ ઘણું વધુ રહ્યું છે.
આરંભનાં બાળસામયિકોમાં તંત્રી કે સંપાદકની નિષ્ઠા કે ચીવટનું સુંદર પ્રતિબિંબ પડતું હતું. સર્વ શ્રી મહાશંકર ભટ્ટ, રમણલાલ, નાનાલાલ શાહ, ભીખાભાઈ વ્યાસ, નટવરલાલ વીમાવાળા,
આપણાં બાળસામયિકો
૧૪૩
નટવરલાલ માળવી, નગીનદાસ પારેખ, સોમાભાઈ ભાવસાર, કિશોર ગાંધી વગેરે તંત્રીઓ સહજમાં જ યાદ આવી જાય છે. આજે એ બધાની નિષ્ક્રિયતા કે ગેરહાજરી પ્રતીત થાય છે.
ગુજરાતીનાં બાળસામયિકોની વિષયસામગ્રીમાં આવેલું પરિવર્તન જેટલું નોંધપાત્ર છે તેટલું ચિંતાજનક પણ ખરું. પ્રારંભનાં સામયિકોમાં નીતિ-બોધનો ઉપદેશ કેન્દ્રસ્થાને રહેતો હતો. પશુ-પંખીનો પરિચય, માહિતીપ્રદ લેખો અને કવિતાઓ આપવામાં આવતાં હતાં. એ પછી રહસ્યકથાઓ આપવાની શરૂ થઈ, અને હવે તો ક્રાઇમસ્ટૉરી આપવામાં આવે છે. બાળકને આમાં રસ પડે ખરો, પરંતુ બાળકો માટેનું આ યોગ્ય સાહિત્ય ગણાય ખરું ? બાળમાનસને આવાં કથાનકો ખોટે માર્ગે દોરી જાય છે. બીજી બાજુ આવા વિષયને કારણે બાળક અને પુખ્ત વયની વ્યક્તિ વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ ગઈ છે જેથી ઘણી મોટી વયની વ્યક્તિઓ બાળસામયિક વાંચે છે. અગાઉનાં સામયિકોમાં કાવ્યો, જોડકણાં, કહેવતકથાઓ આપવામાં આવતી, આજે કાવ્યો નહિવત્ બની ગયાં છે, બધી જ વિષયસામગ્રી બાજુ પર જતી રહી છે અને ચિત્રવાર્તા બધાનું સ્થાન લઈને બેઠી છે. બીજી બાજુ અંગ્રેજી ચિત્રવાર્તાઓના જુવાળે બાળસાહિત્યને ઘણી હાનિ પહોંચાડી છે. ઇન્દ્રજાળ, કૉમિક્સ, ટારઝન અને સુપરમેનની ચિત્રવાર્તાઓએ બાળસાહિત્ય પર મોટું આક્રમણ કર્યું છે.
બાળકને એની પોતાની કલ્પનાની દુનિયા હોય છે. આપણે એને રાજા રાણી કે પરીની સૃષ્ટિમાંથી બહાર લાવ્યા ખરો, પણ એની બરાબરી કરી શકે તેવી આધુનિક વાર્તાસૃષ્ટિ આપી શક્યા નથી.
કેટલાક પ્રશ્નો પણ વિચાર માગી લે છે. અંગ્રેજી માધ્યમની