________________
૧૪૪
| ભાવન-વિભાવના નિશાળમાં ભણતા બાળકને ગુજરાતી બાળસામયિકમાં સહેજે દિલચસ્પી નહિ લાગે. બીજી બાજુ બાળક પર ભણતરનો બોજો જ એટલો બધો વધી ગયો છે કે ઇતર વાચનની શક્યતા ઓછી થઈ ગઈ છે. વળી જેમ જેમ ટેલિવિઝનના માધ્યમનો બહોળો પ્રચાર થશે, તેમ તેમ બાળસાહિત્ય કે બાળસામયિકો સામે નવો પ્રશ્ન ઊભો થશે. બાળક નિશાળે જાય, ઘેર લેસન કરે, ટેલિવિઝને જુએ, પછી એની પાસે બાળસામયિક વાંચવાનો સમય ફાજલ રહેશે ખરો ?
ઑફસેટની સાથે બાળસામયિકો વધુ રંગબેરંગી અને સજાવટભર્યા બન્યાં છે, પણ એની સાથે ખર્ચ પણ ઘણો વધ્યો છે. બાળકોની કલ્પનાસૃષ્ટિને પારખનારા કુશળ ચિત્રકારોનો અભાવ તેમ જ કાગળ અને છાપકામના વધેલા ભાવો અવરોધરૂપ બને છે. તંત્રીની ચીવટ અને ચોક્કસ દૃષ્ટિ સાથે પ્રગટ થતું કોઈ ગુજરાતી બાળસામયિક આજે નજરે પડતું નથી; એ કાંઈ ઓછું દુ:ખદ કહેવાય ?
થોડાં વર્ષો પૂર્વે એવો સમય હતો કે જ્યારે ગુજરાતીમાંથી પાંચ કે સાત ગુજરાતી બાળસામયિકો પ્રગટ થતાં હતાં. આજે એમાં ઓટ આવી છે. આનું એક કારણ એ છે કે આપણાં બાળસામયિકોએ અને એના લેખકોએ ભાગ્યે જ બાળકોની બદલાતી રૂચિનો વિચાર કર્યો છે. આજના બાળકને અવકાશયાત્રા, યંત્રમાનવ અને કોમ્યુટરમાં રસ પડવા લાગ્યો છે. આ reader's interestની તપાસ કરવામાં અને તેને સંતોષવામાં આપણાં સામયિકો નિષ્ફળ ગયાં છે. વળી બાળસાહિત્યના ઘણા પ્રસિદ્ધ લેખકોને અમુક વિષય નવીન લાગતો હોય, પણ તે એક દાયકો પસાર થઈ જતાં જૂનો બની જાય છે. ગિજુભાઈની વાર્તાઓ આજના બાળકને કેટલી સ્પર્શે, તે સવાલ વિચારવો રહ્યો.
આપણાં બાળસામયિકો આ રીતે આપણાં બાળસામયિકો રુચિનો પડકાર ઝીલવામાં નિષ્ફળ ગયાં. જેમ રુચિ બદલાય તે રીતે સામયિકનું કલેવર પણ બદલાવું જોઈએ. વળી એની સાથોસાથ બાળસાહિત્યમાં ખેડાણ કરનારા લેખકો છેલ્લાં કેટલાંય વર્ષોથી લખતા રહ્યા. કેટલાકે તો માગ પ્રમાણે થોકબંધ લખ્યું. આની સામે અન્ય સાહિત્યપ્રકાર ખેડનારા સર્જકોમાંથી બહુ ઓછાએ બાળસાહિત્યની રચના કરી. પરિણામે મૌલિક પ્રતિભાની ખોટ સતત વર્તાતી રહી.
બાળસામયિકની ઓટનો આ સમય છે અને આવતી કાલે દુષ્કાળ પણ પ્રવર્તે. કારણ કે હવે વ્યક્તિગત પ્રયાસથી બાળસામયિક પ્રગટ કરવું મુશ્કેલ બની ગયું છે. મૂડીનું રોકાણ, કાગળ અને પ્રિન્ટિંગના વધેલા ભાવ તેમ જ વેચાણતંત્રનો અભાવ વ્યક્તિગત પ્રયાસોમાં સૌથી વધુ અવરોધક બની રહે છે. કોઈ માતબર પ્રકાશનસંસ્થા જ આવું સાહસ કરી શકે અને નિભાવી શકે ત્યારે બાળસામયિકોની આવતીકાલ ચિંતા પ્રેરે તેવી છે.