________________
ભાવન-વિભાવના પણ ધૂમકેતુ એથી વધુ સુક્ષ્મ વાર્તાકસબ ધરાવે છે, ‘પોસ્ટ ઓફિસની વાત કરે તો અલીડોસાના પાત્રને કેન્દ્રમાં રાખીને એની ચેતના ઊપસી આવે તે રીતે ઘટનાનું નિરૂપણ કરે છે.
આપણે ત્યાં સતત એવું સામ્ય બતાવાયું છે કે ગાંધીયુગનો વિશાળ સમભાવ જેમ ૨. વ. દેસાઈએ નવલકથામાં ઝીલ્યો, એ જ રીતે, ટૂંકીવાર્તામાં ધૂમકેતુએ ઝીલી બતાવ્યો છે. પરંતુ ૨. વ. દેસાઈ અને ધૂમકેતુનો ગ્રામજીવન તરફનો અભિગમ સાવ નોખો છે. ૨. વ. દેસાઈએ ‘ગ્રામલક્ષ્મી માં ગામડાની આર્થિક સ્થિતિ, ખેતી, ઇજનેરીથી પાણી લઈ જવું જેવી આર્થિક ઉદ્ધારની વાત કરી છે. મહાત્મા ગાંધીજીની ગ્રામોદ્ધારની ભાવનાની વધુ નજીક ૨. વ. દેસાઈ છે.
જ્યારે ધૂમકેતુ ગ્રામજીવન તરફ જુદો અભિગમ ધરાવે છે. એક પ્રકારનું રોમેન્ટિક લેખકને છાજે તેવું મુગ્ધતાસભર ‘ઈમોશનલ એટેચમેન્ટ' ધરાવે છે. આથી જ લેખકને મુંબઈનાં સંતરાં અને મોસંબી રોગિષ્ઠ લાગે છે અને ગમાડામાં મળતાં છાશ અને દૂધ ઇન્દ્રને પણ દુર્લભ લાગે છે. હકીકતમાં ઉદ્યોગીકરણને પરિણામે શહેરનું આકર્ષણ વધ્યું અને શહેરની જુદા જ પ્રકારની સમસ્યાઓએ શહેર-વિરોધી લાગણી જન્માવી. આથી ધૂમક્તએ એમની નવલિકાઓમાં ગામડાં સારાં, ખેતી સારી અને ગામડાના લોકો પણ એટલા જ સારા. જ્યારે શહેર નઠારાં, નોકરી ખરાબ અને શહેરીઓ સ્વાર્થી એવા અમુક સમાજમાં પ્રચલિત ખ્યાલનું પક્ષપાત સાથે આલેખન કર્યું. છે. મહાત્મા ગાંધીજી ગામડામાં જે છે તે બધું જ સારું છે તેમ માનતા નહોતા. પરંતુ સામાજિક અને આર્થિક પરિવર્તન કરીને ગ્રામોદ્ધાર કરવા માગતા હતા. ધૂમકેતુએ ગામડાની માત્ર ‘હ્યુમન સાઇડ’ જ જોઈ છે, “સોશિયલ સાઇડ’ નહીં. ગામડામાં કુરૂઢિ હોય, અંધશ્રદ્ધા હોય કે સ્ત્રીઓને ત્રાસ થતો હોય એવું નિરૂપણ ધૂમક્તની નવલિકાઓમાં જવલ્લે જ જોવા મળે છે. એ જોવાનું એમનું પ્રયોજન પણ નથી.
વાર્તાકાર ધૂમકેતુ
૯૧ એ જ રીતે નિરંજન ભગતનાં ‘પ્રવાલદ્વીપ' કાવ્યોમાં જે નગરસંસ્કૃતિનું આલેખન છે એનો આરંભ ઘણાને ધૂમકેતુમાં જણાય છે. ધૂમકેતુ એવા પહેલા સર્જક છે, જેમણે નગરસંસ્કૃતિની યાંત્રિકતા અને એના માનવતાવિહોણા વર્તનની વાત કરી. ૨. વ. દેસાઈએ ગ્રામજીવન અને નગરજીવનની આવી તુલના કરી નથી, જ્યારે ધૂમકેતુ ક્યાંક ઘેરા રંગથી પણ નગરસંસ્કૃતિની વિષમતા દર્શાવે છે. હરિશ્ચંદ્ર ભટ્ટ કે પ્રલાદ પારેખનાં કાવ્યોમાં ક્વચિત્ અને નિરંજન ભગતના ‘પ્રવાલદ્વીપ’નાં કાવ્યોમાં વિશેષ આવી પરિસ્થિતિનું માર્મિક આલેખન છે, પણ ધૂમકેતુનું નગર અને નિરંજન ભગતનું નગર જુદું છે. નિરંજન ભગત તો નગર કરતાં વિશેષ મહાનગરની સંસ્કૃતિનું આલેખન કરે છે, જ્યારે ધૂમકેતુનો ગામડાં પ્રત્યેનો પક્ષપાત નગરસંસ્કૃતિ તરફના પૂર્વગ્રહમાં પરિણમે છે.
ધૂમકેતુને આપણે ભાવનાશાળી સર્જક કહીને એમની પ્રિય ભાવનાનો મહિમા ઘણો ગાયો છે. ઘણી વાર કૅલેન્ડર એનું એ રહે અને તારીખ બદલાતી જાય એમ ધૂમકેતુમાં ભાવ, વિચાર, લાગણી અને કથયિતવ્ય એક જ હોય છે. માત્ર નામ, પ્રસંગ કે પાત્ર બદલાતાં હોય છે. જેમ કે સ્થળપ્રેમને આલેખતી ‘ભૈયાદાદા’ અને ‘જન્મભૂમિનો ત્યાગ' કે કલાપ્રેમ કે માનવપ્રેમનું હૃદ્ધ નિરૂપતી “કલ્પનાની મૂર્તિઓ” અને ‘મશહૂર ગર્વય” અથવા તો અતૃપ્ત વાસનાને વિષય કરતી અખંડ જ્યોત’ અને ‘કેસરી વાળા' - આ વાર્તાઓના વાઘા જુદા છે, પણ આત્મા એક જ છે. આથી ધૂમકેતુની વાર્તાઓમાં નજરે પડતું વૈવિધ્ય ઉપરછલ્લું છે, અંદરનું નથી.
ધૂમકેતુનાં પાત્રો પોતાની કોઈ ને કોઈ ધૂનમાં રચ્યાંપચ્યાં હોય છે. એ ધૂન, એ ટેક કે એ આદર્શનો ભંગ સેવવાને બદલે આ પાત્રો પ્રાણત્યાગ કરવો બહેતર માને છે. ભૈયાદાદા, ઇન્દ્રમણિ કે વિધુશેખર પોતાની ભાવના કે આદર્શને જવાને બદલે જીવનનો