________________
૧૨૪
ભાવન-વિભાવન
કલાસ્વરૂપ પામે છે. વિચારમાંથી જન્મેલી વાર્તા એના તર્કબળ, એની માંડણી અને ‘જીવંતતા'ને કારણે અંતે વાર્તાકૃતિ બને છે. વાર્તા કહેવાની એમને અનોખી ફાવટ છે. ‘બુદ્ધિવિજય'ની મર્યાદા અંગે, “ઝીણી ઝીણી વિગતો કહેવાની ટેવ, અને કોઈ પ્રસંગ કે પરિસ્થિતિ અણછતી ન રહી જાય તે માટેની કાળજી આ વાર્તાને સારું એવું લંબાણ આપે છે. લેખકે નિરૂપણમાં થોડી કાટ-છાટ કરી હોત તો એમની આ સારી વાર્તા વધુ સારી બની હોત” એવું કહેવાય છે. જોકે વાર્તાનું વસ્તુ જ વાર્તાની શૈલી અને સ્વરૂપ નક્કી કરે છે અને તેથી આ નવલિકાની ગતિને આ પ્રસંગો પૂરક બની રહ્યા છે તેમ કહેવું જોઈએ. વસ્તુના દોરને ક્યાંય શિથિલ થવા દીધો કે ક્યાંય લંબાવ્યો નથી. વસ્તુમાં સતત પલટા આવે છે અને આવાં વળાંકબિંદુઓથી વસ્તુ દૃઢ રીતે ગૂંથાતું જાય છે. ધૂમકેતુ પછી ગુજરાતી નવલિકાને દ્વિરેફ એક સોપાન આગળ લઈ ગયા. મનુષ્યના ચિત્તમાં પડોને બુદ્ધિપૂર્વક ખોલતાં જઈને છેવટે એમાંથી કશુંક રહસ્યરૂપે, અનિવાર્ય કલાત્મક રીતે પ્રગટ કરી બતાવવું એ તેમની વાર્તાકાર તરીકેની ખૂબી ‘બુદ્ધિવિજય'માં સુપેરે પ્રગટ થઈ છે.
૪. ‘રામનારાયણ વિ. પાઠક : વાડ્મયપ્રતિભા', લે. કાન્તિલાલ કાલાણી, પૃ. ૨૩૨
આઠ
આપણાં બાળસામયિકો
ગુજરાતી બાળસાહિત્યની સાથે સાથે બાળસાયિકોની એક પરંપરા જોવા મળે છે. કેટલાક સર્જકોએ બાળસાહિત્યના સર્જનની સાથોસાથ બાળસામયિકનું સંપાદનકાર્ય પણ સંભાળ્યું છે. આ બાળસામયિકોની એક સદીથી પણ વધુ સમયની દીર્ઘ પરંપરા જોવા મળે છે. ગુજરાતનું સૌપ્રથમ બાળસામયિક ‘નાહાનાં છોકરાંને સારૂ’ સુરતથી ખ્રિસ્ત મિશનરીઓએ પ્રકાશિત કર્યું. ઈ. સ. ૧૮૬૨માં સુરતની ક્રિશ્ચિયન વર્નાક્યુલર એજ્યુકેશન સોસાયટી દ્વારા ‘સત્યોદય’ (The Dawn of Truth) પ્રસિદ્ધ થયું. આ સામયિકનો મુખ્ય હેતુ ખિસ્તી ધર્મના પ્રચારનો હતો. પરંતુ આવી ધર્મપ્રચારની સામગ્રીની સાથોસાથ વહેમ, સફાઈ, મંત્રતંત્ર અને કામક્રોધ જેવા વિષયો પર ટૂંકા લેખો, ગુજરાતી જોડણીના નિયમો તથા અંગ્રેજીના પાઠો આપવામાં